આજે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરનો જન્મદિવસ છે. આજે અગરકર 46 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 4 ડિસેમ્બર 1977ના રોજ થયો હતો. ODI હોય, ટેસ્ટ હોય કે T20, અજીત અગરકરે ત્રણેય ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે યોગદાન આપ્યું છે. એક એવું કામ છે જે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર પણ ન કરી શક્યા, પરંતુ અગરકરે કરી બતાવ્યું જોકે આ જણાવતા પહેલા થોડું જાણીએ અગરકર વિશે.
એકવડો બાંધો, ભૂરી આંખો ધરાવતા અગરકરની બોલિંગએ એક સમયે ભલભલા બેટરના છક્કા છોડાવી દીધા હતા. અગરકરે ભારત માટે કુલ 26 ટેસ્ટ મેચ રમી, જેમાં તેણે 58 વિકેટ લીધી હતી. આ સિવાય તેણે 191 ODI મેચમાં 288 વિકેટ અને 4 T20 મેચમાં 3 વિકેટ લીધી હતી. તે ઓલરાઉન્ડર ખેલાડી હતો, તેણે ટેસ્ટ મેચમાં એક સદી અને વનડેમાં ત્રણ અડધી સદી ફટકારી હતી. તેણે બોલિંગમાં ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા હતા. સૌથી ઝડપી 50 વિકેટ લેવાનો રેકોર્ડ પણ અગરકરના નામે હતો, પરંતુ બાદમાં શ્રીલંકાના ખેલાડી અજંતા મેન્ડિસે આ રેકોર્ડ તોડી નાખ્યો હતો. અગરકરે 23 મેચમાં 50 વિકેટ લીધી હતી જ્યારે મેન્ડિસે 19 મેચમાં 50 વિકેટ ઝડપી હતી.
હવે વાત એ સિદ્ધિની જે માસ્ટરબ્લાસ્ટ સચિન તેંડુલકરને ન મળી પણ અગરકરને મળી. અગરકરે બેટિંગમાં કંઈક એવું કર્યું છે જે સચિન તેંડુલકર પણ નથી કરી શક્યો. અગરકરે ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામે સદી ફટકારી છે. સચિન પણ ટેસ્ટ ફોર્મેટમાં આ મેદાન પર એક પણ સદી ફટકારી શક્યો નથી, પરંતુ અગરકરે આ કામ કરી બતાવ્યું છે. હાલ અગરકર ભારતીય ટીમના મુખ્ય પસંદગીકારની ભૂમિકા ભજવી રહ્યો છે. તેને એશિયા કપ 2023 પહેલા જ આ જવાબદારી સોંપવામાં આવી હતી, જે અગરકર હજુ પણ નિભાવી રહ્યો છે.
અજિત અગરકરની લવસ્ટોરી પણ એટલી જ મજેદાર છે. મરાઠી પંડિત પરિવારમાં જન્મેલો અજિત એક મસ્લિમ છોકરી ફાતિમાના પ્રેમમાં પડ્યો. પોતાના મિત્ર અઝહરની બહેન ફાતિમા સાથે પહેલા તેને મિત્રતા થઈ અને પછી પ્રેમ. ત્યાર હોય કે આજે આંતરધર્મ લગ્ન હંમેશાં મુશ્કેલીભર્યા જ હોય છે. બન્નેના પરિવારોનો વિરોધ અને સમાજની ટીકાને ધ્યાનમાં ન લેતા બન્નેએ લગ્ન કર્યા અને એક સંતાન રાજના માતા-પિતા છે અને આજે પણ ખુશહાલ જીવન વિતાવે છે.
અગરકરને તેના જન્મદિવસે ખૂબ શુભેચ્છા…