મુંબઈ રણજી ટીમના કેપ્ટન પદેથી અજિંક્ય રહાણેનું રાજીનામું; કોણ બનશે નવો કેપ્ટન? | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

મુંબઈ રણજી ટીમના કેપ્ટન પદેથી અજિંક્ય રહાણેનું રાજીનામું; કોણ બનશે નવો કેપ્ટન?

મુંબઈ: રણજી ટ્રોફી 2025-26ની સિઝન ઓકટોબર મહિનાથી શરુ થવા જઈ રહી છે, એ પહેલા મુંબઈ રણજી ટીમના કેપ્ટન પદેથી અજિંક્ય રહાણેએ રાજીનામું આપી (Ajinkya Rahane Resigned from captain of Mumbai cricket team) દીધું છે. તેમણે સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપી છે. નવી સિઝનમાં મુંબઈની ટીમ નવા કેપ્ટનના નેતૃત્વ હેઠળ રમતી જોવા મળશે.

કેમ છોડી કેપ્ટનશીપ?

સોશિયલ મીડિયા X પર અજિંક્ય રહાણેએ એક પોસ્ટ કરીને તેમણે લખ્યું કે, “નવી લીડરશીપ તૈયાર કરવાનો સમય આવી ગયો છે. મુંબઈ ટીમની કેપ્ટનશીપ કરવી અને ચેમ્પિયનશીપ જીતવી એ સન્માનની વાત છે. નવી ડોમેસ્ટિક સિઝન આવી રહી છે, મારું માનવું છે કે નવા લીડર્સ તૈયાર કરવાનો આ યોગ્ય સમય છે, અને તેથી મેં કેપ્ટનશીપની ભૂમિકાથી હટી જવાનો નિર્ણય લીધો છે.”

ટીમ પ્રત્યે નિષ્ઠા વ્યક્ત કરતા રહાણેએ લખ્યું કે, “એક ખેલાડી તરીકે હું મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છું અને @MumbaiCricAssoc સાથે મારી યાત્રા ચાલુ રાખીશ જેથી અમને વધુ ટ્રોફી જીતવામાં મદદ મળી શકે. નવી સિઝનની રાહ જોઈ રહ્યો છું.”

રહાણેની કેપ્ટનશીપ હેઠળ ટીમનું પ્રદર્શન:

અજિંક્ય રહાણેની કેપ્ટનશીપ હેઠળ 2023-24 સીઝનમાં મુંબઈની ટીમે રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. તેની આગેવાની હેઠળ વર્ષ 2024-25માં મુંબઈની ટીમને ઈરાની ટ્રોફી જીતી હતી.

અજિંક્ય રહાણેની કેપ્ટનશીપ હેઠળ મુંબઈની ટીમ ગઈ સિઝનમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ચેમ્પિયન બની. રહાણે આ ટુર્નામેન્ટનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ રહ્યો હતો. મુંબઈની ટીમ ગત રણજી ટ્રોફીની સેમિફાઇનલમાં પણ પહોંચી હતી, જેમાં વિદર્ભ સામે મુંબઈની 90 રનથી હારી થઈ હતી.

ટીમનો નવી કેપ્ટન કોણ હશે?

આગામી ડોમેસ્ટિક સિઝન માટે મુંબઈ ટીમની કેપ્ટનશીપ કરી શકે તેવા ઘણાં ખેલાડીઓ છે. ટીમમાં શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ અને સરફરાઝ ખાન જેવા ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં રમતા ક્રિકેટરો છે.

શ્રેયસ ઐયર અને સૂર્યકુમાર યાદવ બંને માંથી એકને કેપ્ટનશીપ મળે એવી શક્યતા વધુ છે. મુંબઈની ટીમના સિલેક્ટર્સ એવા ખેલાડીને કેપ્ટન બનવા ઈચ્છશે જે મોટાભાગની સિઝન માટે ઉપલબ્ધ હોય. ઐયર અને સૂર્યા બંને હાલમાં ટેસ્ટ ક્રિકેટ રમી નથી રહ્યા, જેના કારણે તેઓ મુંબઈ ક્રિકેટને વધુ સમય આપી શકે છે.

આ પણ વાંચો…ICCએ ODI રેન્કિંગમાંથી રોહિત અને કોહલીનું નામ હટાવ્યું! નિવૃત્તિની અટકળોને વેગ મળ્યો

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button