અજિંક્ય રહાણેને 2,000 Sq.Ft.ની જમીન!…જાણો શું નિર્ણય લીધા સરકારે

મુંબઈ: વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે મંત્રાલયમાં સોમવારે પ્રધાનમંડળની બેઠક યોજવામાં આવી હતી, જેમાં 24 મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ નિર્ણયોમાં પુણે ઍરપોર્ટનું નામ બદલવું, બ્રાહ્મણ અને રાજપૂત સમાજ માટે કોર્પોરેશન(મહામંડળ)ની સ્થાપના, ક્રિકેટર અજિંક્ય રહાણેને સ્પોટર્સ સેન્ટર ઊભું કરવા માટે જમીન વગેરે નિર્ણયોનો સમાવેશ થાય છે.
પ્રધાનમંડળે બેઠકમાં પુણે ઍરપોર્ટનું નામ બદલાવીને જગદગુરુ સંત તુકારામ મહારાજ પુણે ઇન્ટરનેશનલ ઍરપોર્ટ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. હવે આ પ્રસ્તાવને કેન્દ્ર સરકારની મંજૂરી માટે મોકલવામાં આવશે. આ પ્રસ્તાવને પુણેના જ રહેવાસી એવા કેન્દ્રીય નાગરી ઉડ્ડયન ખાતાના પ્રધાન મુરલીધર મોહોળની મંજૂરી મળ્યા બાદ ઍરપોર્ટનું નામ બદલાશે.
આ ઉપરાંત છેલ્લાં ઘણા સમયથી વિલંબિત એવી બ્રાહ્મણ અને રાજપૂત સમાજની માગણીઓ પણ મંજૂર કરવામાં આવી હતી. બ્રાહ્મણ સમાજ માટે પરશુરામ આર્થિક વિકાસ મહામંડળ(કોર્પોરેશન) અને રાજપૂત સમાજ માટે વીર શિરોમણી મહારાણા પ્રતાપ આર્થિક વિકાસ મહામંડળની સ્થાપના કરવાની માગણી પ્રધાનમંડળે મંજૂર કરી હતી.
ગ્રીન હાઇડ્રોજન ધોરણે એન્કર યુનિટની નિયુક્તિ અને રાજ્યમાં 14 આઇટીઆઇ(ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ)ના નામકરણનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.
આ સિવાય રાજ્યના બધા જ સરપંચ અને ઉપસરપંચને આપવામાં આવતા માનધનમાં વધારો કરી તેને બમણું કરવાના પ્રસ્તાવ પર પણ મહોર લગાવવામાં આવી હતી.
પ્રધાનમંડળમાં શિરુરથી છત્રપતિ સંભાજીનગર ગ્રીનફિલ્ડ એક્સ્પ્રેસ-વે તૈયાર કરવા માટે પણ મંજૂરી અપાઇ હતી. આ પ્રોજેક્ટ અંદાજે 1486 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવશે.
કુણબી સમાજની ત્રણ પેટા-જાતિઓને અધર બેકવર્ડ ક્લાસ એટલે કે ઓબીસીની શ્રેણીમાં સામેલ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.
અજિંક્ય રહાણેને બાંદ્રાનો પ્લોટ ફાળવાશે
સ્પોટર્સ કોમ્પ્લેક્સ ઊભું કરવા માટે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અજિંક્ય રહાણેને બાંદ્રામાં આવેલી 2,000 સ્ક્વેર મીટરની જમીન ફાળવવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ પ્લોટ 1988માં ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરને ફાળવવામાં આવ્યો હતો. એક ઇનડોર ક્રિકેટ એકેડમી ઊભી કરવા માટે આ પ્લોટ તેમને અપાયો હતો. જોકે હજી સુધી આ એકેડમી બનાવાઇ ન હોવાથી આ પ્લોટ અજિંક્ય રહાણેને ટ્રાન્સ્ફર કરવાનો નિર્ણય લેવાયો હતો.