કાબેલિયત પુરવાર કરવા ક્યારેય મોટી ઉંમર બાધારૂપ નથી હોતી: મોદીના બોપન્નાને અભિનંદન | મુંબઈ સમાચાર

કાબેલિયત પુરવાર કરવા ક્યારેય મોટી ઉંમર બાધારૂપ નથી હોતી: મોદીના બોપન્નાને અભિનંદન

નવીદિલ્હી: ભારતીય ટેનિસના લેજન્ડરી ખેલાડીઓમાં રોહન બોપન્નાનું નામ પણ અંકિત થઈ ગયું છે અને શનિવારે તેણે મેલબર્નમાં ઑસ્ટ્રેલિયન ઓપનમાં સૌથી મોટી ઉંમરના ગ્રૅન્ડ સ્લૅમ ડબલ્સના ચૅમ્પિયન બનીને દેશને અનેરું ગૌરવ અપાવ્યું છે. બોપન્નાએ ઑસ્ટ્રેલિયાના એબ્ડેન સાથેની જોડીમાં ઑસ્ટ્રેલિયન ઓપનમાં ઇટલીના હરીફો સામે 7-6 (7-0), 7-5થી ફાઇનલ જીતી લીધી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બોપન્નાને ટ્વિટર પર અભિનંદન આપ્યા હતા.

મોદીએ પોસ્ટમાં લખ્યું હતું, ‘અસાધારણ ટૅલન્ટ ધરાવતા રોહન બોપન્નાએ ફરી એકવાર બતાવી દીધું છે કે ક્યારેય કંઈ સિદ્ધ કરવામાં કે કંઈક હાંસલ કરવામાં મોટી ઉંમર બાધારૂપ નથી હોતી. તેણે એ પણ સાબિત કરી આપ્યું છે કે કોઈ પણ વ્યક્તિની ક્ષમતા અને કાબેલિયત તેના જોશ, તનતોડ મહેનત અને સંકલ્પશક્તિ પરથી નક્કી થતી હોય છે. ઑસ્ટ્રેલિયન ઓપનમાં ઐતિહાસિક વિજય મેળવવા બદલ બોપન્નાને અભિનંદન અને ભવિષ્યના સાહસો માટે શુભકામના.’

43 વર્ષનો બોપન્ના મેન્સ ડબલ્સનું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતનારો ત્રીજો ભારતીય છે.
બોપન્નાનું આ બીજું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ છે. અગાઉ તે મિક્સ્ડ-ડબલ્સમાં ટાઇટલ જીત્યો હતો. મેન્સ ડબલ્સમાં તે પહેલી વાર મોટી ટ્રોફી જીત્યો છે.

Back to top button