Cristiano Ronaldo : રોનાલ્ડોએ કીર્તિમાન સ્થાપિત કર્યા પછી કહ્યું, ‘હું રેકૉર્ડને ફૉલો નથી કરતો, રેકૉર્ડ મારો પીછો કરતા હોય છે’
રિયાધ: 39 વર્ષનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પ્રોફેશનલ ફૂટબૉલમાં યુરોપમાંથી મધ્ય પૂર્વમાં આવ્યા પછી પણ એક પછી એક રેકૉર્ડ પોતાના નામે કરતો જાય છે અને અટકાવાનું હજી નામ નથી લેતો. રિયાધમાં પોર્ટુગલના આ સુપરસ્ટારે સાઉદી પ્રો લીગ (SPL)માં સીઝનમાં સૌથી વધુ 35મો ગોલ કરવાનો વિક્રમ કર્યો ત્યાર પછી સોશિયલ મીડિયા પર શૅર કરેલી પોસ્ટમાં જણાવ્યું, ‘હું ક્યારેય રેકૉર્ડને ફૉલો નથી કરતો, રેકૉર્ડ મારો પીછો કરતા હોય છે.’
રોનાલ્ડોએ 35મો ગોલ કરીને આ ટૂર્નામેન્ટની એક સીઝનમાં સૌથી વધુ ગોલ કરવાનો અબ્દરઝાક હમાદલ્લાનો 34 ગોલનો વિક્રમ તોડી નાખ્યો હતો.
આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાં સૌથી વધુ 206 મૅચ રમવાનો વિક્રમ ધરાવનાર અને મૅન્ચેસ્ટર યુનાઇટેડ તથા રિયલ મૅડ્રિડ વતી રમી ચૂકેલા રોનાલ્ડોએ અલ નાસર વતી સોમવારે બે ગોલ કર્યા હતા. અલ નાસરે અલ ઇત્તિહાદ નામની ટીમને 4-2થી હરાવીને બીજા નંબરની ટીમ બની. અલ હિલાલ ચૅમ્પિયન ટીમ છે.
રોનાલ્ડોએ સાઉદી પ્રો લીગની આ સીઝનમાં ચાર મૅચમાં હૅટ-ટ્રિક ગોલ કર્યા હતા અને એક વાર તેને રેડ કાર્ડ અપાયું હતું. તે વિશ્ર્વના સર્વશ્રેષ્ઠ ફૂટબૉલર તરીકેનો બલૉં ડિઑર અવૉર્ડ પાંચ વખત મેળવી ચૂક્યો છે.