લગ્ન મુલતવી રાખ્યા પછી પલાશની ખબર કાઢવા માટે બહેન પલક હોસ્પિટલ પહોંચી, શું કહ્યું?

મુંબઈ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના અને પ્રખ્યાત સંગીતકાર પલાશ મુછલના 23 નવેમ્બરના યોજાનાર લગ્ન મુલતવી રાખવામાં આવ્યા છે, જેના કારણે બંને પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. લગ્ન મુલતવી રાખવાનું મુખ્ય કારણ સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાની તબિયત માનવામાં આવે છે, પરંતુ હવે પલાશ મુચ્છલની તબિયત પણ ખરાબ થઈ છે, જેથી તેને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પલાશ મુચ્છલ હોસ્પિટલમાં દાખલ
મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્મૃતિ મંદાનાના પિતાની નાદુરસ્ત તબિયત અને લગ્ન મુલતવી રહેવાના તણાવના કારણે સંગીતકાર પલાશ મુચ્છલને પણ મુંબઈની SRV હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં પલાશની બહેન અને બોલીવુડ ગાયિકા પલક મુચ્છલ હોસ્પિટલમાં દાખલ થતી જોવા મળી રહી છે. પલક અને પલાશની માતા અમિતા મુચ્છલે પણ આ અંગે મીડિયાને માહિતી આપી છે. અનેક અટકળો વચ્ચે પલાશની બહેન પલક મુચ્છલે કહ્યું છે કે લોકોએ બંને પરિવારની પ્રાઈવસીનું સન્માન કરવું જોઈએ.
રડતા રડતા તબિયત બગડી
પલાશની માતા અમિતાએ દીકરાના સ્વાસ્થ્ય વિશે જણાવ્યું હતું કે, “પલાશને અંકલ(સ્મૃતિના પિતા) સાથે વધારે લગાવ હતો. સ્મૃતિથી વધારે તેઓ એકબીજાની વધુ ક્લોઝ હતા. જ્યારે તેમનું સ્વાસ્થ્ય બગડ્યું ત્યારે સ્મૃતિના પહેલા પલાશે નક્કી કર્યું કે, મારે હમણા લગ્ન કરવા નથી. જ્યાં સુધી અંકલ સાજા થઈ જાય નહીં.”
પલાશ મુચ્છલ સ્ટ્રેસમાં છે
તેમણે આગળ જણાવ્યું કે, “હલ્દીની રસમ બાદ અમે તેને બહાર જવા દીધો ન હતો. રડતા રડતા એકદમ તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તેને ચાર કલાક હોસ્પિટલમાં રાખવો પડ્યો હતો. તેના ECG સહિતના કેટલાક રિપોર્ટ કઢાવવામાં આવ્યા, જે નોર્મલ હતા, પરંતુ તે સ્ટ્રેસમાં છે. અમે તેને મુંબઈ લઈ આવ્યા છીએ. તે હવે પહેલા કરતા વધારે સ્વસ્થ છે અને આરામ કરી રહ્યો છે, પરંતુ ચિંતામાં છે. પલક પણ સાંગલીથી પાછી આવી ગઈ છે.”
ઉલ્લેખનીય છે કે પારિવારિક કારણોસર પલાશ મુચ્છલ અને સ્મૃતિ મંદાનાના લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા છે. પરંતુ સ્મૃતિ મંદાનાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી હલદી, મહેંદી, સંગીતના ફોટો હટાવી દીધા છે. જેને લઈને સોશિયલ મીડિયામાં અનેક અટકળો વહેતી થઈ છે. આજે સોશિયલ મીડિયા પર પલાશના એક મહિલા સાથેના ચેટના સ્ક્રીન શોટ્સ વાયરલ થઈ રહ્યા છે.
આપણ વાંચો: સાઉથ આફ્રિકાએ કેમ લાંબો સમય બૅટિંગ કરી? પચીસ વર્ષે ભારતમાં પ્રથમ શ્રેણી-વિજય હાથવેંતમાં



