સ્પોર્ટસ

ન્યૂ ઝીલૅન્ડના હાથે બાવીસ દિવસમાં ઇંગ્લૅન્ડ પછી વેસ્ટ ઇન્ડિઝનો પણ ઘરઆંગણે 3-0થી વાઇટવૉશ

હૅમિલ્ટનઃ ન્યૂ ઝીલૅન્ડે માત્ર બાવીસ દિવસની અંદર ઘરઆંગણે સતત બીજી ટીમ સામે વન-ડે શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કરી છે. પહેલી નવેમ્બરે કિવીઓ મિચલ સૅન્ટનરના સુકાનમાં બ્રિટિશ ટીમ સામેની સિરીઝ 3-0થી જીત્યા હતા અને હવે શનિવાર, 22મી નવેમ્બરે તેમણે સૅન્ટનરના નેતૃત્વમાં વેસ્ટ ઇન્ડિઝનો 3-0થી સફાયો કર્યો છે.

ન્યૂ ઝીલૅન્ડ ઘરઆંગણે સતત 11મી વન-ડે સિરીઝ જીત્યું છે.

કૅરિબિયનો સામેની સિરીઝની પહેલી બન્ને વન-ડે મૅચ જીતીને કિવીઓએ ટ્રોફી પર કબજો કરી જ લીધો હતો અને શનિવારે અંતિમ મૅચ તેમણે 117 બૉલ અને ચાર વિકેટ બાકી રાખીને મેળવી લીધો હતો. ન્યૂ ઝીલૅન્ડને જીતવા 162 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. એક તબક્કે તેમણે 32 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ માર્ક ચૅપમૅન (64 રન, 63 બૉલ, બે સિક્સર, આઠ ફોર) અને માઇકલ બ્રેસવેલ (40 અણનમ, 31 બૉલ, છ ફોર) વચ્ચેની પાંચમી વિકેટ માટેની 75 રનની ભાગીદારીએ ટીમની આબરૂ સાચવી હતી.

70 રનના કુલ સ્કોર પર વિકેટકીપર ટૉમ લૅથમની ચોથી વિકેટ પડી ત્યારે ચૅપમૅન સાથે બ્રેસવેલ જોડાયો હતો અને તેમણે ટીમનો સ્કોર 162 રનના લક્ષ્યાંકની નજીક (145 રન પર) પહોંચાડી દીધો છેક ત્યારે ચૅપમૅન (Chapman)ની વિકેટ પડી હતી અને ત્યાર બાદ બ્રેસવેલે (Bracewell) બે નાની ભાગીદારીની મદદથી ન્યૂ ઝીલૅન્ડને જિતાડી દીધું હતું. કિવીઓની ટીમે 162 રન 30.3 ઓવરમાં છ વિકેટના ભોગે બનાવ્યા હતા.

એ પહેલાં, પ્રથમ બૅટિંગ પસંદ કરનાર વેસ્ટ ઇન્ડિઝને 161 રન સુધી મર્યાદિત રખાવવામાં કિવી ફાસ્ટ બોલર મૅટ હેન્રી (43 રનમાં ચાર વિકેટ)નું સૌથી મોટું યોગદાન હતું. જૅકબ ડફી અને કૅપ્ટન સૅન્ટનરે બે-બે વિકેટ લીધી હતી.

આપણ વાંચો:  સ્ટાર્કનો અદ્ભુત કૅચ: ઑસ્ટ્રેલિયાને 205 રનનો લક્ષ્યાંક…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button