પાકિસ્તાનની શરણાર્થી શિબિરોમાં ક્રિકેટ રમતા અફઘાનોએ કેવી રીતે પાકિસ્તાનને જ ધૂળ ચટાડી
ICCમેન્સ વર્લ્ડ કપ 2023માં આ અઠવાડિયે પાકિસ્તાનના 282/7ના સ્કોર સામે અફઘાનિસ્તાનની ટીમે એક ઓવર બાકી રહેતા માત્ર બે વિકેટ ગુમાવીને 286 રન બનાવીને પાકિસ્તાનને કરામી હાર આપી હતી. અફઘાનિસ્તાનના ટોચના ચાર બેટ્સમેને ક્રમશ 65, 87, 77* અને 48* રન બનવ્યા હતા. ચેન્નાઈ ખાતે રમાયેલી વર્લ્ડકપ મેચમાં પાકિસ્તાન જેવી મજબુત ટીમ સામે 8 વિકેટે જીત મેળવી અફઘાન ખેલાડીઓએ ક્રિકેટ ક્ષમતાનો પરચો બતાવ્યો હતો.
જીત બાદ જીતના હીરો ઈબ્રાહિમ ઝદરાને આ જીત લાખો અફઘાન શરણાર્થીઓને સમર્પિત કરી હતી, જેમને પાકિસ્તાન દ્વારા બળજબરીથી પાછા મોકલવામાં આવી રહ્યા છે. કેટલાક ભારતીયો અફઘાનિસ્તાનની જીતનો શ્રેય ટીમના હેડ કોચ અજય જાડેજાને આપી રહ્યા છે.
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના આસિસ્ટન્ટ કોચ અને પૂર્વ ક્રિકેટર રઈસ અહમદઝાઈ ટીમના અહી સુધી પહોંચવાના સંઘર્ષને યાદ કર્યો હતો. રઈસ અહમદઝાઈ કહ્યું હતું કે અફઘાન લોકોને હાર પસંદ નથી, એ અમારા સ્વભાવમાં છે. હાં, અમારામાંથી કેટલાક પાકિસ્તાનમાં ક્રિકેટ શીખ્યા છે. પરંતુ આ ટીમે અમારી સુવિધાઓ, અમારી માનસિકતા, અમારી આક્રમકતા અને અમારી પરંપરાઓ સાથે અફઘાનિસ્તાનમાં તાલીમ લીધી છે.
અહમદઝાઈનો પરિવાર અફઘાનિસ્તાન પર સોવિયેત આક્રમણમાંથી ભાગીને અને પાકિસ્તાનમાં શરણાર્થી વસાહતોમાં સ્થાયી થયો હતો, અહમદઝાઈનો જન્મ પેશાવરમાં થયો હતો. પાકિસ્તાને 1992 માં વર્લ્ડ કપ જીત્યો ત્યારે તેઓ આઠ વર્ષની ઉંમરે સૌપ્રથમ ક્રિકેટથી પરિચિત થયા હતા. તેમની શાળાના સાથીઓએ તેને ક્રિકેટની રમત શું છે એ શીખવ્યું હતું.
તેઓ ધીમે ધીમે રમતના પ્રેમમાં પડ્યા, પરંતુ ક્રિકેટ રમવું એ એક શરણાર્થી બાળક તરીકે યાતના સમાન હતું. અહમદઝાઈ એ જણાવ્યું કે મેં પાકિસ્તાનમાં શરણાર્થી શિબિરોમાં ઘણો સમય વિતાવ્યો હતો, અમને માર્યાદિત વિસ્તારની બહાર જવાની મંજુરી ન હતી. અમે રમવા માંગતા હતા, પરંતુ અમને બીજી તરફ જવાની મંજૂરી ન હતી. અમારા માટે, પાકિસ્તાનમાં શરણાર્થી શિબિરોમાં ક્રિકેટ જોવાથી લઈને હાલ વર્લ્ડ કપમાં પાક ટીમને હરાવવાની સ્થિતિમાં પહોંચવું એ લાંબો સંઘર્ષ હતો. અમારી જુનિયર ટીમ પાસે સ્પાઈક વાળા જૂતા પણ ન હતા
અહમદઝાઈએ જણવ્યું કે શરણાર્થી તરીકે જીવન મુશ્કેલ હતું. અમારી પાસે જૂતા ન હતા, 45 ડિગ્રી ગરમીમાં ગરમ મેદાન પર દોડતા હતા. ચોખ્ખું પાણી નહોતું અને ઘણી બધી તપાસ પણ કરવામાં આવી હતી. તપાસ એટલે શરણાર્થીઓ તરીકે અપમાનિત થવાનું.
તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં અદ્યતન સુવિધાઓની નથી, અહીં દરેક ઘરોમાં ખુલ્લી જગ્યાઓ, મોટા મેદાનો છે ભલે ત્યાં કાંકરાઓ હોય. પાકિસ્તાનના શરણાર્થી શિબિરોમાં ક્રિકેટ શીખનારા મોટા ભાગના લોકો માટે આ એક લક્ઝરી હતી.
2001માં અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમની રચના થઇ, અહમદઝાઈ લોગાન પ્રાંતમાં પાછા ફર્યા રાષ્ટ્રીય ટીમનો ભાગ બન્યા. અફઘાનિસ્તાને 2009 ICC વર્લ્ડ કપ ક્વોલિફાયર્સમાં ભાગ લીધો હતો ત્યાર બાદ ODI ટીમનો દરજ્જો મળ્યો હતી. અહમદઝાઈ 2010 માં ICC વર્લ્ડ T20 રમ્યા અને પછી કોચિંગમાં જોડાયા. નિવૃત્તિ લેવાના કારણ અંગે તેમણે જણવ્યું હતું કે અફઘાન ક્રિકેટરોની યુવા પેઢીને તૈયાર કરવા તેઓ તાલીમ આપશે. ત્યારથી તેઓ આ કાર્ય કરી રહ્યા છે.
અહમદઝાઈએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે ભારત એશિયામાં નંબર 1 છે, પરંતુ તે દિવસ દૂર નથી જ્યારે અફઘાનિસ્તાન એશિયામાં નંબર 2 તરીકે પાકિસ્તાનને હટાવી દેશે. ચેન્નઈની જીત ટીમ માટે શરૂઆત માત્ર છે, એ અફઘાનિસ્તાનના ઈતિહાસનો શ્રેષ્ઠ દિવસ હતો.
તેમણે કહ્યું જીત બાદ સમુદાયોના લોકો ભોજન માટે ભેગા થયા હતા. લોકો ઈદની જેમ મહેમાનોને ઘરે બોલાવ્યા હતા. પાકિસ્તાનને હરાવવું એ અમારા માટે તહેવાર જેવું હતું.