અફઘાની બેટ્સમેને દર્શાવી દરિયાદીલી
રસ્તા પરના ગરીબોને દિવાળી મનાવવા વહેચ્યા પૈસા
અમદાવાદઃ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. એક પછી એક અનેક ચેમ્પિયન ટીમોને હરાવીને તેણે બતાવ્યું છે કે તે હવે કોઈપણ ટીમને હરાવવા સક્ષમ છે. અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ વખત સેમિફાઇનલની રેસમાં હતી, પરંતુ અંતે તેણે છઠ્ઠા સ્થાને રહીને પોતાની સફર સમાપ્ત કરી હતી. અફઘાનિસ્તાન ટીમને ભારતીય પ્રેક્ષકોનો ઘણો સપોર્ટ મળ્યો છે. સાથે જ અફઘાનિસ્તાનના ખેલાડીઓએ પણ ભારતના લોકોને ભરપૂર પ્રેમ આપ્યો છે. ગુજરાતના અમદાવાદમાં અફઘાનિસ્તાનના ખેલાડીની દરિયાદિલી જોવા મળી હતી. આનું એક દ્રશ્ય અમદાવાદમાં રાત્રે 3 વાગ્યે જોવા મળ્યું હતું, જેનો એક વીડિયો ગુપ્ત રીતે બનાવવામાં આવ્યો હતો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અફઘાનિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝે અમદાવાદના રસ્તાઓ પર રહેતા લોકો પાસે જઈને દિવાળીની ઉજવણી માટે પૈસા આપ્યા હતા. ગુરબાઝને તેની ઉદારતા માટે કોઈ પ્રચાર કરવાની જરૂર નહોતી. તેથી જ તે અમદાવાદના રસ્તાઓ પર રહેતા ગરીબ લોકો પાસે રાત્રે ત્રણ વાગ્યે એકલો ગયો હતો. બધા સૂતા હતા, માત્ર એક જ મહિલા જાગતી હતી. ગુરબાઝે 500-500ની નોટો ઉંઘી રહેલા ગરીબ લોકોની બાજુમાં મૂકી, જાગી રહેલી મહિલાના હાથમાં પૈસા આપ્યા અને પછી ચુપચાપ કારમાં બેસીને ચાલ્યો ગયો. ગુરબાઝે બધા સૂતેલા ગરીબોની બાજુમાં પૈસા મૂક્યા હતા. સૂતેલા લોકોની બાજુમાં તેણે 500 રૂપિયાની નોટ રાખી હતી, જેથી તેઓ 12મી નવેમ્બરની સવારે જાગી શકે અને દિવાળી ઉજવી શકે. દિવાળી આમ તો હિંદુઓનો પવિત્ર તહેવાર છે. ગુરબાઝને તો તેની સાથે કોઇ સંબંધ નથી, છતાંય અન્ય ધર્મના લોકોને તેમનો તહેવાર ઉજવવાની તક મળે એવા ઉમદા હેતુથી પૈસાની વહેચણી કરીને ગુરબાઝે લાખો, કરોડો ભારતવાસીઓના દિલ જીતી લીધા છે.
ગુરબાઝને ભારતમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. અફઘાનિસ્તાનના સૌથી લોકપ્રિય ખેલાડી રાશિદ ખાન ઉપરાંત રહેમાનુલ્લા ગુરબાઝ પણ દર વર્ષે ઓછામાં ઓછા બે મહિના ભારતમાં રહે છે. તે IPLનો મહત્વનો ખેલાડી છે. તે ગુજરાત ટાઇટન્સ માટે પણ ક્રિકેટ રમી ચુક્યો છે, તે સમયે અમદાવાદ તેનું IPLનું હોમ ગ્રાઉન્ડ હતું. આથી ગુરબાઝને પણ અમદાવાદ સાથે ખાસ સંબંધ છે. જોકે, આ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની છેલ્લી મેચ અમદાવાદમાં દક્ષિણ આફ્રિકા સામે હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં અફઘાનિસ્તાનને 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.