ત્રણ અફઘાન ક્રિકેટરના મૃત્યુના મુદ્દે પાકિસ્તાન આઇસીસી પર કેમ ભડક્યું?

લાહોરઃ પાકિસ્તાનના હવાઈ હુમલામાં અફઘાનિસ્તાનમાં ત્રણ સ્થાનિક ક્રિકેટરના મૃત્યુ થયા એને પગલે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ શનિવારે જે નિવેદન આપ્યું હતું એને પાકિસ્તાને પક્ષપાતી ગણાવીને એમાં સુધારો કરવાની માગણી કરી છે.
કબીર આગા, હારુન અને સિબગાતુલ્લા નામના ત્રણ સ્થાનિક ક્રિકેટરો એક ફ્રેન્ડ્લી મૅચમાં રમીને પાછા આવી રહ્યા હતા ત્યારે પક્તિકા પ્રાન્ત પર પાકિસ્તાની સૈન્ય દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા (Air stike)માં તેમના મૃત્યુ થયા હતા.
આઇસીસી ઉપરાંત બીસીસીઆઇએ પણ આ હુમલાને વખોડ્યો હતો અને ત્રણ અફઘાની ક્રિકેટરના મૃત્યુ વિશે શોક વ્યક્ત કર્યો હતો. જોકે આઇસીસી અને બીસીસીઆઇએ પોતપોતાના નિવેદનમાં પાકિસ્તાનનો ઉલ્લેખ નહોતો કર્યો.
આ પણ વાંચો: અફઘાનિસ્તાને પાકિસ્તાનમાં રમાનારી ટ્રાઈ સિરીઝ છોડી; રાશિદ ખાને પણ લીધો મોટો નિર્ણય
અફઘાનિસ્તાને આ હુમલાને પગલે પાકિસ્તાનમાં આવતા મહિને રમાનારી ટ્રાયેન્ગ્યૂલર ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. હવે એ સ્પર્ધામાં પાકિસ્તાન અને શ્રીલંકા ઉપરાંત ઝિમ્બાબ્વે પણ રમશે.
પાકિસ્તાનના માહિતી પ્રધાન અતા તરારે રવિવારે એક યાદીમાં જણાવ્યું હતું કે ` અમે આઇસીસીના નિવેદનને વખોડીએ છીએ. આઇસીસીના નિવેદન પરથી એવી છાપ પડે છે અને એવો દાવો થાય છે કે અફઘાનિસ્તાનના ત્રણ ક્રિકેટર પાકિસ્તાનના હવાઈ હુમલામાં મૃત્યુ પામ્યા. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડનો દાવો સાચો છે કે નહીં એ ચકાસવાની આઇસીસીએ તસ્દી પણ નથી લીધી અને આડકતરી રીતે પાકિસ્તાનના હુમલાની વાત કરીને પાકિસ્તાનને દોષી ગણાવ્યું છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ નક્કર પુરાવા રજૂ કર્યા વિના ત્રણ ક્રિકેટરના મૃત્યુ માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું છે. ખુદ પાકિસ્તાન ઘણા વર્ષોથી આતંકવાદનો શિકાર થયું છે.’