એશિયન ગેમ્સ માટે ભારતીય ફૂટબોલ પ્લેયરની જાહેરાત, છેત્રીનો સમાવેશ
નવી દિલ્હીઃ ચીનના હાંગઝોઉમાં આ મહિને યોજાનારી એશિયન ગેમ્સ માટે ભારતીય પુરૂષ ફૂટબોલ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશને 18 પ્લેયરની પુરૂષ ટીમની જાહેરાત કરી હતી. મુખ્ય કોચ ઇગોર સ્ટિમેકના જવાનેને લઇને હજુ નિર્ણય લેવાયો નથી.
એશિયન ગેમ્સમાં માત્ર અંડર-23 ફૂટબોલ ટીમ વચ્ચે મેચ રમાશે, જેમાં તમામ ટીમોના માત્ર 3 સિનિયર ખેલાડીઓ ભાગ લઈ શકશે. અગાઉ જ્યારે 22 સભ્યોની ભારતીય ટીમને 1 ઓગસ્ટના રોજ શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી ત્યારે ત્રણ વરિષ્ઠ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સિનિયર ખેલાડીઓમાં સંદેશ ઝિંગન, ગુરપ્રીત સિંહ સંધુ અને સુનીલ છેત્રી હતા, પરંતુ હવે માત્ર છેત્રીને જ સ્થાન મળ્યું છે.
મોટા ભાગની ક્લબોએ 21 સપ્ટેમ્બરથી શરૂ થનારી એશિયન ગેમ્સ ફૂટબોલ સ્પર્ધા માટે ભારતીય ટીમમાં પસંદ કરાયેલા 22 ખેલાડીને મુક્ત કરવાની અનિચ્છા વ્યક્ત કરી છે કારણ કે આ જ સમયગાળા દરમિયાન આઇએસએલ પણ રમવાની છે. લાંબી વાટાઘાટો પછી એઆઇએફએફએ મૂળ 22માંથી માત્ર નવ ખેલાડીઓ સાથે બીજા દરજ્જાની ટીમ પસંદ કરી છે. અન્ય તમામ ક્લબોના બિનઅનુભવી ખેલાડીઓ છે. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એઆઈએફએફ) એ ઘણી મુશ્કેલી પછી બીજા દરજ્જાની 18 સભ્યોની ટીમ પસંદ કરી જેમાં છેત્રી એકમાત્ર જાણીતો ચહેરો છે
એઆઈએફએફના એક અધિકારીએ જણાવ્યું હતું કે તે (છેત્રી) એક પ્રતિષ્ઠિત ખેલાડી છે અને આ બહુ મજબૂત ટીમ પણ નથી, પરંતુ તે અડગ રહ્યો અને કહ્યું કે તે એશિયન ગેમ્સમાં દેશ માટે રમવા માંગે છે અને તે તેના માટે તૈયાર છે. અમે જાણતા હતા કે તે આ બધા મુદ્દાઓથી ઉપર ઉઠશે અને રાષ્ટ્રને પ્રાથમિકતા આપશે અને તેણે તે જ કર્યું.
છેત્રીની ક્લબ બેંગલુરુ એફસીના છ ખેલાડીઓને 22 ફૂટબોલરની પ્રારંભિક ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા, જેમાં ગુરપ્રીત પણ હતો. પરંતુ ક્લબે માત્ર બે જ ખેલાડીઓને રિલીઝ કર્યા જેમાં છેત્રી અને રોહિત દાનુનો સમાવેશ થાય છે.