અંબાણી પરિવાર બાદ હવે અદાણી પરિવાર પણ હવે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કદમ માંડવા જઇ રહ્યું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફ્રેન્ચાઇઝી CVC કેપિટલ પાર્ટનર્સ ગુજરાત ટાઇટન્સ ટીમની માલિકી ધરાવે છે. હવે એવા સમાચાર આવ્યા છે કે CVC કેપિટલ પાર્ટનર્સ ગુજરાત ટાઇટન્સમાં તેનું લઘુમતી હોલ્ડિંગ જાળવી રાખીને તેનો બહુમતી હિસ્સો વેચવા તૈયાર છે. આ વેચાણ માટે તેઓ અદાણી ગ્રૂપ અને ટોરેન્ટ ગ્રૂપ સાથે ચર્ચા કરી રહ્યા છે.
2021માં, CVCએ રૂ. 5,625 કરોડ (તત્કાલીન પ્રવર્તમાન વિનિમય દરે 745 મિલિયન ડોલરમાં) ફ્રેન્ચાઇઝી હસ્તગત કરી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા નવી ટીમો માટે ફરજિયાત લોક-ઇન સમયગાળો રાખવામાં આવ્યો છે, જે નવી ટીમોને તેમનો હિસ્સો વેચવાથી પ્રતિબંધિત કરે છે. આ સમયગાળો ફેબ્રુઆરી 2025 માં સમાપ્ત થવાનો છે. જો ફેબ્રુઆરી 2025 પછી પ્રતિબંધ હટાવવામાં આવે તો આ ડીલ થઇ શકે છે.
BCCI એ 2021 માં IPLમાં શહેર-આધારિત બે નવી ટીમોના ઉમેરા માટે ટેન્ડરો આમંત્રિત કર્યા હતા, જેમાં અમદાવાદની ફ્રેન્ચાઈઝી ખૂબ જ હરીફાઈમાં હતી, જેમાં અદાણી જૂથે રૂ. 5,100 કરોડ અને ટોરેન્ટ જૂથે રૂ. 4,653 કરોડની બિડ કરી હતી. જોકે, આખરે CVC કેપિટલે આ ફ્રેન્ચાઇઝી મેળવી હતી. ગુજરાત ટાઇટન્સ તેમની ઉદઘાટન સીઝનમાં જ IPL ટાઇટલ જીત્યું હતું, જેને કારણે તેમની બ્રાન્ડ વેલ્યુમાં ઘણો વધારો થયો હતો. એ સમયે ફ્રેન્ચાઇઝી મેળવવાનું ચૂકી ગયા પછી અદાણી અને ટોરેન્ટ બંને હવે ગુજરાત ટાઇટન્સમાં બહુમતી હિસ્સો મેળવવા માટે જોરદાર સ્પર્ધા કરી રહ્યા છે.
ગુજરાત ટાઇટન્સની બ્રાન્ડ વેલ્યુ 124 મિલિયન ડોલર છે, જે IPL ટીમોમાં આઠમા ક્રમે છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ 231 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે પેકમાં મોખરે છે.
અદાણીની વાત કરીએ તો તેમણે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) અને UAEની ઇન્ટરનેશનલ લીગ T20 માં ટીમો હસ્તગત કરી છે. 2023 માં, અદાણીએ રૂ. 1,289 કરોડની અગ્રણી બિડ સાથે WPLની અમદાવાદ ફ્રેન્ચાઇઝી મેળવી હતી.
Taboola Feed