ગિલક્રિસ્ટની ઑલટાઇમ આઇપીએલ બેસ્ટ ઇલેવનમાં એકેય ઑસ્ટ્રેલિયન નહીં અને ભારતીય કેટલા છે જાણો છો?

સિડનીઃ ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટર ઍડમ ગિલક્રિસ્ટે આઇપીએલના 18 વર્ષના ઇતિહાસની પોતાની પસંદગીની ઑલટાઇમ બેસ્ટ ઇલેવન’ પસંદ કરી છે જેમાં તેણે 11માંથી સાત ભારતીય ખેલાડીઓને સ્થાન આપ્યું છે. નવાઈની વાત એ છે કે ગિલીએ આ ઇલેવનમાં પોતાના જ દેશ ઑસ્ટ્રેલિયાનો એકપણ ખેલાડી નથી સમાવ્યો.
ગિલક્રિસ્ટે ઇલેવનમાં સ્પિનર તરીકે રવીન્દ્ર જાડેજા તથા યુઝવેન્દ્ર ચહલને સમાવ્યા છે અને બારમા ખેલાડી તરીકે અફઘાનિસ્તાનના વર્લ્ડ ક્લાસ સ્પિનર રાશિદ ખાનનો સમાવેશ કર્યો છે. ગિલક્રિસ્ટે ઓપનર તરીકે ક્રિસ ગેઇલ અને રોહિત શર્માને પસંદ કર્યા છે અને ત્રીજા નંબરે વિરાટ કોહલીને મૂક્યો છે. તેણે ચોથા નંબરેમિસ્ટર આઇપીએલ’ તરીકે મશહૂર ખેલાડી સુરેશ રૈનાને તથા પાંચમા નંબરે `મિસ્ટર 360 ડિગ્રી’ તરીકે ફેમસ બૅટર એબી ડિવિલિયર્સને મૂક્યો છે. ગિલક્રિસ્ટ ખુદ અવ્વલ દરજ્જાનો વિકેટકીપર હતો અને તેણે પોતાની બેસ્ટ ઇલેવનમાં વિકેટકીપર તરીકે એમએસ ધોનીને બતાવ્યો છે.
આ પણ વાંચો: IML T20 2025 Final: તેંડુલકર અને લારા વચ્ચે મહામુકાબલો; જાણો ક્યાં જોઈ શકાશે મેચ…
ગિલીએ ઑલરાઉન્ડર તથા સ્પિનર ઉપરાંત ફાસ્ટ બોલર તરીકે પણ બહુ વિચારીને પસંદગી કરી છે.
ગિલક્રિસ્ટની ઑલટાઇમ બેસ્ટ આઇપીએલ ઇલેવનઃ
ક્રિસ ગેઇલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, સુરેશ રૈના, એબી ડિવિલિયર્સ, મહેન્દ્રસિંહ ધોની (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ડવેઇન બ્રાવો, યુઝવેન્દ્ર ચહલ, લસિથ મલિન્ગા અને જસપ્રીત બુમરાહ. 12મો ખેલાડીઃ રાશિદ ખાન