ભુજ: દુબઈથી ચાલતા ક્રિકેટના સટ્ટામાં ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો કરવા માટે અલગ-અલગ વ્યક્તિઓના બેંકના ખાતા ભાડેથી આપી આર્થિક લાભ લેતો તથા ક્રિકેટ સટ્ટાની આઈ.ડી.થી ઓનલાઈન જુગાર રમાડતા પાટણના રહેવાસી એવા સાગર દયાળ લાલવાણી નામના શખ્સની કચ્છ સાયબર ક્રાઈમ પોલીસની સરહદી રેન્જે ધરપકડ કરી હતી.
આ કાર્યવાહી અંગે સાયબર પોલીસની સરહદી રેન્જ-ભુજના પોલીસ ઈન્સ્પેક્ટર એલ.પી.બોડાણાએ આપેલી માહિતી મુજબ, આરોપી સાગર રાધનપુરથી જુદી-જુદી વ્યક્તિઓના ખાતા ખોલાવી, બેંક ખાતાની વિગતો અને ખાતા સાથે જોડાયેલા સીમકાર્ડ લઈ દુબઈથી ક્રિકેટ સટ્ટા બજારમાં ગેરકાયદે નાણાંનો વ્યવહાર કરતો હોવાની સાયબર ક્રાઈમ પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે એક ખાસ ઓપરેશન હાથ ધરીને સાગરને ઝડપી પડાયો હતો.
આ પણ વાંચો: ભારતના વિજયની શુભેચ્છાઓ… ક્રિકેટ… ધીકતી કમાણી… નેવે જતી નૈતિકતા અને અન્ય
આરોપી પાસે રહેલા 30 હજારની કિંમતના બે સ્માર્ટફોનમાંથી સટ્ટા અંગેના ગેરકાયદે નાણાકીય વ્યવહારોની વિગતો તથા ૨૧ જેટલા બેંક ખાતાની બહાર આવેલી માહિતીમાં તેને રૂા.૫થી ૬ લાખનો આર્થિક લાભ થયો હોવાનું જાણવા મળ્યું છે તેમજ સાગર વેસ્ટ ઈન્ડિઝ ખાતે વેસ્ટ ઈન્ડિઝ અને આફ્રિકા વચ્ચે ચાલતી મેચના જીવંત પ્રસારણ દરમિયાન ટીમની હાર-જીત પર `વન એક્સ બુક’ નામના સોફ્ટવેર પર આઈડી-પાસવર્ડ થકી સટ્ટાનો જુગાર રમતો હોવાનું પણ બહાર આવ્યું હતું.
આ શખ્સ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ વિરુદ્ધ રાધનપુર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું પી.આઈ.ગોહીલે જણાવ્યું હતું.