લારાના મતે વર્લ્ડ કપમાં સૂર્યાને કયા નંબર પર મોકલવો જોઈએ? ફાઇનલમાં કયા બે દેશ આવી શકે?

નવી દિલ્હી: વિરાટ કોહલી ટી-20 ઇન્ટરનૅશનલમાં નવેમ્બર, 2021થી સતતપણે વનડાઉનમાં રમે છે અને જૂનમાં શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપમાં પણ મોટા ભાગે એ જ ક્રમમાં રમતો જોવા મળશે. જોકે કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓ ખાસ કરીને ટીમ ઇન્ડિયાના ઓપનિંગના અને વનડાઉનના સ્થાન વિશે મતમતાંતર ધરાવે છે.
અજય જાડેજાએ તાજેતરમાં કહ્યું હતું કે ‘વર્લ્ડ કપમાં ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલ સાથે રોહિત શર્માએ નહીં, પણ વિરાટ કોહલીએ રમવું જોઈએ. રોહિત કૅપ્ટન છે અને તે જો વનડાઉનમાં રમશે તો તેને વ્યૂહ બનાવવા માટે થોડો વધુ સમય મળશે.’
જોકે વેસ્ટ ઇન્ડિઝના બૅટિંગ-લેજન્ડ બ્રાયન લારાનું કંઈક જૂદું જ માનવું છે. તે કહે છે કે સૂર્યકુમાર યાદવ એવો બૅટર છે જેને વનડાઉનમાં જ મોકલવો જોઈએ.
આપણ વાંચો: વર્લ્ડ કપ માટેની અમેરિકાની ટીમમાં આઠ ભારતીય મૂળના ખેલાડી અને એમાં બે ગુજરાતી
લારાએ એક જાણીતી સ્પોર્ટ્સ ચૅનલ દ્વારા પોતાના સન્માન માટે આયોજિત સમારંભમાં કહ્યું, ‘મારી એક જ સલાહ છે. કોઈને ગમે કે ન ગમે, પણ હું એટલું જ કહીશ કે સૂર્યકુમારને ટીમ ઇન્ડિયાએ વનડાઉનમાં જ મોકલવો જોઈએ. ટી-20 ફૉર્મેટના ગ્રેટેસ્ટ બૅટર્સમાં ગણી શકાય એવા સૂર્યકુમારને ત્રીજા નંબરે જ બૅટિંગ કરવા દેવી જોઈએ. સર વિવ રિચર્ડ્સ સાથે જો કોઈ વાત કરે તો તેમને ખબર પડશે કે તેઓ બૅટિંગ માટે મેદાન પર ઊતરવા કેવા ઉત્સુક રહેતા હતા. એવું જ સૂર્યકુમારની બાબતમાં છે. એવા બૅટરને બને એટલો વહેલો બૅટિંગમાં મોકલવો જોઈએ. તે જો 10-15 ઓવર રમે તો ટીમનો સ્કોર ક્યાં સુધી પહોંચી શકે એનો અંદાજ કોઈ પણ કરી શકે છે.’
સૂર્યા વિશે લારાએ એવું પણ કહ્યું કે ‘તેને જો આગળ મોકલવામાં આવે તો પોતાની ટીમને એવો સ્કોર અપાવે જે હરીફની પહોંચની બહાર થઈ જાય. જો સેક્ધડ બૅટિંગ કરવાની આવે તો તે જિતાડી શકે. સૂર્યાને વનડાઉનમાં મોકલજો, હું તો એટલું જ જાણું. બાકીના બધા બૅટર્સને આજુબાજુના કોઈ પણ સ્થાને રમાડો, પણ સૂર્યાને ત્રીજા નંબરે જ રમાડજો.’
સામાન્ય રીતે સૂર્યકુમાર ચોથા નંબરે અને કોહલી ત્રીજા નંબરે બૅટિંગ કરે છે.
લારા આઇપીએલમાં કૉમેન્ટેટર છે. તે કહે છે, ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ પહોંચશે.