કૈફના મતે બેન સ્ટૉક્સ અને જોફ્રા આર્ચર સોમવારે ભારતના કયા ખેલાડીને ઘાયલ કરવા માગતા હતા? | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

કૈફના મતે બેન સ્ટૉક્સ અને જોફ્રા આર્ચર સોમવારે ભારતના કયા ખેલાડીને ઘાયલ કરવા માગતા હતા?

લંડનઃ બૅટ્સમૅનને ઘાયલ કરવાના આશયથી દાયકાઓ પહેલાં બૉડીલાઇન ક્રિકેટ અસ્તિત્વમાં હતી, પરંતુ પછીથી એના પર પ્રતિબંધ મુકાઈ ગયો હતો અને બીમર (બૅટસમૅનના માથાને નિશાન બનાવતો બૉલ)ની પણ ખૂબ ચકચાર થઈ ચૂકી છે એમ છતાં એકંદરે ક્રિકેટે `જેન્ટલમૅન્સ ગેમ’ તરીકેની પ્રતિષ્ઠા જાળવી રાખી છે, પરંતુ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે (Mohammed kaif) જે કહ્યું છે એના પર ક્રિકેટની રમતના મોવડીઓએ જરૂર વિચાર કરવો જોઈએ, કારણકે ક્રિકેટની મહાન રમત ફૂટબૉલ-રગ્બી જેવી ન થઈ જાય એની તેમણે સતત તકેદારી રાખવી પડશે. કૈફે કહ્યું છે કે લૉર્ડ્સ (LORD’S)માં ઇંગ્લૅન્ડના વિજય સાથે પૂરી થયેલી સિરીઝની ત્રીજી ટેસ્ટમાં બ્રિટિશ ટીમનો કૅપ્ટન અને પેસ બોલર બેન સ્ટૉક્સ (Stokes) અને ચાર વર્ષે ફરી ટેસ્ટમાં રમવા આવેલો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર (Jofra Archer) સોમવારના અંતિમ દિવસે જસપ્રીત બુમરાહને ઘાયલ કરવા માગતા હતા.

રવીન્દ્ર જાડેજા તેમ જ બુમરાહ અને મોહમ્મદ સિરાજના જબરદસ્ત ફાઇટબૅક છતાં ભારત 193 રનના લક્ષ્યાંક સામે 170 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયું હતું. મોહમ્મદ કૈફે મોહમ્મદ સિરાજ અને કૅપ્ટન શુભમન ગિલને અલગ અલગ રીતે જવાબદાર ગણાવ્યા છે. કૈફના મતે સિરાજે ઇંગ્લૅન્ડના પ્રથમ દાવમાં બૉલ બદલાવ્યો ત્યાર બાદ બુમરાહના રિધમને અસર થઈ હતી અને પરિણામે, જૅમી સ્મિથ તથા બ્રાયડન કાર્સ ઇંગ્લૅન્ડને મુશ્કેલીમાંથી ઉગારી શક્યા હતા.

આપણ વાંચો:  લફરાબાજ પતિ, બગડેલ દીકરો, છતાં આ શ્રીમંત અભિનેત્રીએ સંસાર નિભાવ્યો

કૈફનું માનવું છે કે ` શુભમન ગિલે ઓપનર ઝૅક ક્રૉવ્લીની વિકેટ બાદ જે સેલિબે્રશન કર્યું એવું કરવાની કોઈ જ જરૂર નહોતી. એ કંઈ જૉ રૂટ નહોતો. ગિલે મગજ પરથી કાબૂ ગુમાવ્યો અને સિરાજ તથા નીતીશ રેડ્ડી તેની સાથે જોડાયા હતા. ખેલાડી આક્રમક મૂડમાં આવી જાય એ ઠીક છે, પણ એ માટે યોગ્ય સમય હોવો જોઈએ. ગમે ત્યારે, ગમે તેની સાથે એવું ન કરી શકાય.’

મોહમ્મદ કૈફે ભારપૂર્વક જણાવ્યું છે કે ` બેન સ્ટૉક્સ અને જોફ્રા આર્ચર પાંચમા દિવસે બાઉન્સર્સ ફેંકીને જાણી જોઈને જસપ્રીત બુમરાહને ઈજા પહોંચાડવા માગતા હતા. બન્ને બ્રિટિશ ખેલાડીઓ બુમરાહની આંગળીને અને ખભાને નિશાન બનાવવા માગતા હતા. સામાન્ય રીતે હરીફ ટીમના મુખ્ય બોલરને જ ઘાયલ કરવાની સામેવાળી ટીમનો આશય હોય છે.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button