કૅપ્ટન બેન સ્ટૉક્સના મતે ભારતને હરાવવા પાછળનું સૌથી મોટું કારણ કયું જાણો છો?

લીડ્સઃ ભારત સામે પાંચ મૅચવાળી ટેસ્ટ-શ્રેણીની પ્રથમ મૅચમાં પાંચ વિકેટે પરાજય આપનાર ઇંગ્લૅન્ડ (England)ને બૅટિંગમાં પોતાનો ટૉપ-ઑર્ડર ખૂબ મદદરૂપ થયો હતો, પરંતુ કૅપ્ટન બેન સ્ટૉક્સે (Ben Stokes) પોતાના બોલર્સને મોટો જશ આપ્યો છે અને એ માટે તેણે એવું કારણ આપ્યું છે કે અમે મૅચમાં બન્ને વખત બૅટિંગમાં ભારતના નીચલા ક્રમ (lower order)નો બહુ ઓછા રનમાં સફાયો કરી શક્યા એ અમારા માટે મોટી વાત હતી.’ મંગળવારના છેલ્લા દિવસે ઓપનર્સ બેન ડકેટ અને ઝૅક ક્રૉવ્લીએ 188 રનની ભાગીદારીથી ઇંગ્લૅન્ડને 371 રનનો રેકૉર્ડ-બે્રક લક્ષ્યાંક અપાવ્યો એ બદલ તેમની પ્રશંસા કરવા ઉપરાંત બેન સ્ટૉક્સે પોતાના બોલર્સના વખાણ કરતા કહ્યું, પિચ બૅટિંગ માટે ઘણી સારી હતી. ઢગલો રન થયા એ જ એ વાતના સાક્ષી છે. જોકે અમે બન્ને દાવમાં ભારતના પૂછડિયાઓની લાઇન-અપને સસ્તામાં તોડી પાડી એનો અમને ખૂબ ફાયદો થયો. અમારી જીતનું એ પણ મોટું કારણ છે.’
આ પણ વાંચો: શુભમન ગિલ નાદાન કૅપ્ટન, બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ
સ્ટૉક્સે એવું પણ કહ્યું હતું કે ` ભારતીય ટીમ બીજા દાવમાં 450-500 રન કરવા સક્ષમ હતી, પરંતુ અમારા બોલર્સે એ ન થવા દીધું.’
પહેલા દાવમાં ભારતે છેલ્લી સાત વિકેટ માત્ર 41 રનમાં ગુમાવી દીધી હતી. ભારતનો સ્કોર 430/3 હતો, પણ ટીમનો દાવ 471 રનના સ્કોર પર પૂરો થઈ ગયો હતો. બીજા દાવમાં એક તબક્કે ભારતનો સ્કોર 333/4 હતો, પણ 364 રનના સ્કોર પર 10મી વિકેટ પડી હતી. છેલ્લી છ વિકેટ 31 રનમાં પડી હતી.