ચેન્નઈ: 2023ની આઇપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)એ ગુજરાત ટાઇટન્સ સામેની હાર સાથે શરૂઆત કરી હતી અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)એ મુંબઈ ઇન્ડિયન્સ સામેના વિજય સાથે શ્રીગણેશ કર્યા હતા. જોકે આ વખતે (શુક્રવારે) ચેન્નઈના ચેપૉક સ્ટેડિયમમાં ઊલટું થયું. નવા કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડના સુકાનમાં ચેન્નઈએ વિજયી-આરંભ કર્યો અને બેન્ગલૂરુએ પ્રારંભમાં પરાસ્ત જોવો પડ્યો. એક ટીમ પાંચ ટાઇટલ જીતી ચૂકી છે અને બીજી ટીમે 16 વર્ષમાં હજી સુધી ટ્રોફી જોઈ જ નથી. આરસીબીએ આ વખતે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કર્યા બાદ શરૂઆત તો સારી કરી, પણ છેવટે ચેન્નઈએ આઠ બૉલ બાકી રાખીને છ વિકેટના માર્જિનથી વિજય હાંસલ કરી લીધો.
આરસીબીના કૅપ્ટન ફૅફ ડુ પ્લેસીએ મૅચ પછી કબૂલ્યું કે ‘અમે ઉપરાઉપરી વિકેટ ગુમાવી એ અમને ભારે પડ્યું. કોઈ પણ ટીમે પહેલી છ ઓવરમાં હરીફ કરતાં ચડિયાતું પર્ફોર્મ કરવું પડે, પરંતુ અમે છ ઓવરમાં ઘણી વિકેટ ગુમાવી દીધી હતી. અમે 15થી 20 રન ઓછા બનાવ્યા. આવું એવી પિચ પર થયું જેના પર પહેલી દસ ઓવરમાં ખાસ કંઈ ખરાબ અનુભવ નહોતો થયો. એકંદરે, આખી મૅચમાં ચેન્નઈની ટીમ હંમેશાં અમારાથી એક ડગલું આગળ જ રહેતી હતી.’
આરસીબીએ 20 ઓવરમાં છ વિકેટે 173 રન બનાવ્યા જેના જવાબમાં સીએસકેએ 18.4 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
આ પણ વાંચો…
કોહલીની ઐતિહાસિક 12,000 રનની સિદ્ધિ બાદ અનુજ-કાર્તિકની ફટકાબાજી
બૅટિંગ લીધા પછી આરસીબીએ 78 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ વિકેટકીપર અનુજ રાવત (પચીસ બૉલમાં 48 રન) અને દિનેશ કાર્તિક (26 બૉલમાં અણનમ 38) વચ્ચેની 95 રનની બહુમૂલ્ય ભાગીદારીની મદદથી ટીમને 173 રનનો સન્માનજનક સ્કોર મળી શક્યો હતો. ચેન્નઈના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાને 29 રનમાં ચાર વિકેટ લીધી હતી. સીએસકેએ રાચિન રવીન્દ્ર (15 બૉલમાં 37 રન), શિવમ દુબે (28 બૉલમાં અણનમ 34), રવીન્દ્ર જાડેજા (17 બૉલમાં અણનમ પચીસ), અજિંક્ય રહાણે (19 બૉલમાં 27), ડેરિલ મિચલ (18 બૉલમાં બાવીસ રન) અને ગાયકવાડ (15 બૉલમાં 15 રન)ના નાના-મોટા યોગદાનો સાથે 176/4ના સ્કોર સાથે વિજય મેળવી બે પૉઇન્ટ મેળવી લીધા હતા. મુસ્તફિઝુરને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
ડુ પ્લેસીએ પરાજયની હતાશા વ્યક્ત કરવાની સાથે દૃઢતાથી કહ્યું હતું કે ‘પહેલા બૅટિંગ લેવાનો અમારો નિર્ણય ખોટો નહોતો. તમે આંકડા જોશો તો સમજાશે કે આ મેદાન પર પહેલા બૅટિંગ કરનારી ટીમ ફાયદામાં રહી છે. અહીંની પિચ સૂકી હતી. શિવમ દુબે વિરુદ્ધ અમે અમારા ફાસ્ટ બોલર્સ પર ભરોસો મૂક્યો હતો, કારણકે શૉટ બૉલ સામે તે મૂંઝાઈ જતો હોય છે. અમે ધાર્યું હતું કે મિડલ-ઓવર્સમાં અમે થોડી વિકેટો લઈ શકીશું, પરંતુ એવું નહોતું થઈ શક્યું. હા, પહેલા બૅટિંગ કરવાનો અમારો નિર્ણય જરાય ખોટો નહોતો.’
આ પણ વાંચો…
આઇપીએલનું એન્ટરટેઇનિંગ અને એનર્જેટિક ઓપનિંગ
ડુ પ્લેસીએ આક્રમક બૅટિંગ કરીને માત્ર 57 બૉલમાં 95 રનની પાર્ટનરશિપ કરનાર અનુજ રાવત અને દિનેશ કાર્તિકના ખૂબ વખાણ કર્યા હતા. આ જોડીએ આરસીબીનો સ્કોર 78 રન પરથી 173 સુધી પહોંચાડી દીધો હતો. ડુ પ્લેસીએ ખાસ કરીને કાર્તિકની પ્રશંસા કરતા કહ્યું, ‘તે ગયા વર્ષની સીઝન પછી ખાસ કંઈ રમ્યો નહોતો એમ છતાં તેણે આ વખતની સીઝનમાં રમવાની તૈયારી બતાવી એ મને ખૂબ ગમ્યું. તેના માટે આ બહુ અગત્યની ઇનિંગ્સ હતી. અનુજ રાવત ગયા વર્ષથી દમદાર પર્ફોર્મ કરી રહ્યો છે અને આ વખતે પહેલી જ મૅચમાં તેણે સહજતાથી બૅટિંગ કરીને અસરદાર ઇનિંગ્સ રમી દેખાડી અને ટીમને પડકારરૂપ સ્કોર અપાવ્યો હતો.’
Taboola Feed