અમ્પાયરને ગાળો આપવી શ્રીલંકાના કેપ્ટન હસરંગાને ભારે પડી
દામ્બુલા: તાજેતરમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટી-૨૦ શ્રેણી રમાઈ હતી. આ સીરિઝમાં શ્રીલંકાએ ૨-૧થી જીત મેળવી હતી. આઇસીસીએ શ્રીલંકાના કેપ્ટન વાનિન્દુ હસરંગા પર બે મેચનો પ્રતિબંધ લગાવી દીધો છે. અફઘાનિસ્તાન સામેની ટી-૨૦ શ્રેણીની ત્રીજી મેચ દરમિયાન હસરંગાએ અમ્પાયર સાથે ખરાબ વર્તન કર્યું હતું અને આ આરોપ બાદ તે દોષિત સાબિત થયો છે.
વાસ્તવમાં અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ટી-૨૦ સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ ૨૧ ફેબ્રુઆરીએ દામ્બુલામાં રમાઈ હતી. આ મેચ બાદ હસરંગાએ અમ્પાયર લિંડન હૈનિબલને નો બોલ ન આપવા બદલ બોલાચાલી કરી હતી. આ મામલા બાદ હસરંગાને મેચ ફીના ૫૦ ટકા દંડ અને ત્રણ ડીમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યા હતા. છેલ્લા ૨૪ મહિનામાં તેના ડીમેરિટ પોઈન્ટ વધીને પાંચ થઈ ગયા છે. આઇસીસીના નવા નિયમો અનુસાર તેના પાંચ ડીમેરિટ પોઈન્ટ બે મેચના પ્રતિબંધમાં ફેરવાઈ ગયા છે.
હસરંગા હવે એક ટેસ્ટ મેચ કે બે વનડે કે બે ટી-૨૦ મેચ રમી શકશે નહીં, જે પણ મેચ પહેલા રમાશે તેમાંથી તે બહાર થઈ જશે. તેથી હસરંગા આવતા મહિને શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાનાર ટી-૨૦ મેચમાંથી બહાર થઈ જશે. શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે ૪ માર્ચથી ટી-૨૦ સીરિઝ રમાશે. હસરંગા ૪ માર્ચ અને ૬ માર્ચે રમાનારી ટી-૨૦ મેચમાં રમી શકે નહીં.