સ્પોર્ટસ

આજે અભિષેકનું ઓપનિંગમાં કમબૅક?: કૅપ્ટન ગિલ પોતાના ક્રમનો ભોગ આપશે?

હરારે: ટી-20ની વર્લ્ડ ચૅમ્પિયન ટીમના મોટા ભાગના ખેલાડીઓ પરિવાર સાથે વેકેશન માણી રહ્યા છે, વિરાટ કોહલી તેમ જ રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજા ટી-20 ઇન્ટરનૅશનલમાંથી રિટાયર થઈ ગયા છે ત્યારે બીજી તરફ હરારેમાં ઝિમ્બાબ્વે સામે ટી-20 સિરીઝમાં 2-1ની સરસાઈ મેળવીને શુભમન ગિલ (Shubman Gill)ના સુકાનમાં ભારતની ‘બી’ ટીમ ટ્રોફી જીતવાની તૈયારી કરી રહી છે. જોકે ઓપનિંગમાં ત્રણ મજબૂત દાવેદારો હોવાને કારણે આ ‘બી’ ટીમના મૅનેજમેન્ટને થોડી મૂંઝવણ છે. અભિષેક શર્મા (Abhishek Sharma)ને ફરી ઓપનિંગનું સ્થાન આપવા ખુદ ગિલ આજે પોતાના ઓપનિંગના ક્રમનો ભોગ આપશે કે નહીં એ જોવું રહ્યું.

ઝિમ્બાબ્વે સામેની પ્રથમ ટી-20માં અભિષેક ઝીરોમાં આઉટ થયો હતો અને ગિલ 31 રનની સાધારણ ઇનિંગ્સ રમ્યો હતો અને ભારતીય ટીમે પરાજય જોવો પડ્યો હતો. બીજી ટી-20માં ગિલ માત્ર બે રન બનાવીને આઉટ થઈ ગયો, પરંતુ અભિષેકે 46 બૉલમાં ધમાકેદાર 100 રન બનાવીને ભારતને જિતાડ્યું હતું. ત્રીજી ટી-20થી યશસ્વી જયસ્વાલનું ટીમમાં આગમન થયું અને તેણે 133.33ના સ્ટ્રાઇક-રેટથી 36 રન બનાવ્યા, જ્યારે ગિલે 66 રન બનાવીને વિજયનો પાયો નાખી આપ્યો હતો. જોકે અભિષેક વનડાઉનમાં ફક્ત 10 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ભારત એ મૅચ ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરની ત્રણ વિકેટના તરખાટને લીધે જીત્યું હતું.

હવે આજે ચોથી ટી-20માં યશસ્વીનું ઓપનિંગ સ્થાન નક્કી જણાય છે, પણ બીજા ઓપનિંગના સ્થાન પર ખુદ ગિલ જ રમશે કે અભિષેકને રમવાનું કહેવામાં આવશે એ મોટો સવાલ છે, કારણકે અભિષેકે બીજી ટી-20માં ઓપનિંગમાં રમીને જ કરીઅરની બીજી જ મૅચમાં સદી ફટકારીને કેટલાક વિક્રમો પોતાને નામ કર્યા હતા.

આજની સંભવિત ઇલેવનના પ્રત્યેક ખેલાડીનું સ્થાન જાણી લઈએ: યશસ્વી જયસ્વાલ (ઓપનિંગ) તથા કૅપ્ટન શુભમન ગિલ/અભિષેક શર્મા (ઓપનિંગ), ઋતુરાજ ગાયકવાડ તેમ જ વિકેટકીપર સંજુ સૅમસન અને રિન્કુ સિંહ (મિડલ-ઑર્ડર), શિવમ દુબે અને વૉશિંગ્ટન સુંદર (ઑલરાઉન્ડર), ખલીલ અહમદ/મુકેશ કુમાર તેમ જ રવિ બિશ્ર્નોઈ અને આવેશ ખાન (બોલર).

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button