અભિષેકની રવિવારની 100 રનની ધમાકેદાર ઇનિંગ્સ પાછળનું રહસ્ય તેના જ શબ્દોમાં જાણી લો…

હરારે: રવિવારે ઝિમ્બાબ્વે સામેની બીજી ટી-20માં 46 બૉલમાં 100 રન પૂરા કર્યા બાદ 47મા બૉલે આઉટ થયેલા અભિષેક શર્માએ કહ્યું છે કે તે વર્ષોથી કટોકટીના સમયે ટીમના કેપ્ટન અને જૂના મિત્ર શુભમન ગિલ પાસેથી બૅટ ઊછીનું માગી લે છે અને એનાથી બૅટિંગ કરે છે અને રવિવારે પણ તેણે એવું જ કરીને ધમાકેદાર મૅચ-વિનિંગ બૅટિંગ કરી હતી.
23 વર્ષના અભિષેકે 47 બૉલમાં આઠ સિક્સર અને સાત ફોરની મદદથી 100 રન કર્યા હતા. તે સતત ત્રણ બૉલમાં ત્રણ છગ્ગા ફટકારીને 100 રન પૂરા કરનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. તેને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.
તાજેતરની આઈપીએલમાં 204.00ના દમદાર સ્ટ્રાઈક-રેટથી રન બનાવનાર અને હાઈએસ્ટ 42 છગ્ગા તથા 16 ચોક્કા ફટકારનાર આ લેફટ-હૅન્ડ બૅટરે રવિવારે પત્રકારોને કહ્યું હતું કે શુભમન ગિલ પાસેથી બૅટ માગીને રમવાની તેની જૂની આદત છે. અમે બંને બહુ સારા મિત્રો છીએ. નાનપણથી અમે સાથે જ રમ્યા હતા અને અમારો એકસરખો ધ્યેય હતો કે ભારત વતી રમવું.’
આ પણ વાંચો: Ind Vs Zim: કૅચ છૂટ્યા પછી મને થયું કે આ દિવસ તો મારો જ છે: અભિષેક શર્મા
અભિષેકે નાનપણની વાત વિશે વધુમાં કહ્યું હતું કે ‘અમે અન્ડર-12માં સાથે રમતા ત્યારે મારે જ્યારે પણ પ્રેશર ગેમમાં રમવાનું થતું કે મારે ગમે એમ કરીને સારું પર્ફોર્મ કરીને મારી ટીમને જીતાડવાની સ્થિતિ આવતી ત્યારે હું ગિલ પાસે તેનું બૅટ માગી લેતો હતો. સામાન્ય રીતે આઈપીએલમાં પણ હું ક્યારેક તેની પાસે તેનું બૅટ માગી લઉં છું. રવિવારે મેં તેની પાસે તેનું બૅટ માગ્યું, તેણે આપ્યું અને હું 100 રનની યાદગાર ઇનિંગ રમ્યો.’
ભારતે 20 ઓવરમાં બે વિકેટે 234 રન બનાવ્યા ત્યાર બાદ ઝિમ્બાબ્વેની ટીમ 18.4 ઓવરમાં 134માં રને ઑલઆઉટ થઈ જતાં ભારતનો 100 રનથી વિજય થયો હતો.
શનિવારે અભિષેક પહેલી જ ઇન્ટરનનૅશનલ મૅચમાં ઝીરોમાં આઉટ થઈ ગયો હતો. એ આઘાત બાદ તેણે રવિવારે ભારતને ગમે એમ કરીને જિતાડવાનો સંકલ્પ કર્યો હતો અને જિતાડીને જ રહ્યો.