ગિલને પડતો મુકવાનું કારણ બહાર આવ્યું, રોહિતના બૅટિંગ-ઑર્ડર વિશે હવે લગભગ ફાઇનલ થઈ ગયું…
મેલબર્નઃ બોર્ડર-ગાવસકર ટ્રોફીની ચોથી મૅચ (સવારે 5.00 વાગ્યાથી લાઇવ)માંથી શુભમન ગિલને કેમ પડતો મુકવામાં આવ્યો એનું કારણ બહાર આવ્યું છે અને રોહિત શર્મા કયા નંબર પર બૅટિંગ કરશે એ લગભગ નક્કી થઈ ગયું છે. ટીમ ઇન્ડિયાના સહાયક-કોચ અભિષેક નાયરે ગુરુવારે ગિલને ડ્રૉપ કરવાના નિર્ણયના બચાવમાં પત્રકારોને કહ્યું, ટીમના હિતમાં જ આ નિર્ણય લેવાયો છે. રોહિત શર્માને બૅટિંગમાં તેનું મૂળ સ્થાન પાછું મળે અને બોલિંગમાં સ્પિન-ઑલરાઉન્ડરના સમાવેશથી ટીમની તાકાત વધે એ માટે આ પગલું લેવામાં આવ્યું છે.’ ગિલ હાથની આંગળીની ઈજાને કારણે પર્થની પ્રથમ ટેસ્ટ નહોતો રમી શક્યો.
ઍડિલેઇડમાં પિન્ક બૉલ ડે/નાઇટ ટેસ્ટમાં તે 31 તથા 28 રન બનાવી શક્યો હતો અને વરસાદને કારણે ડ્રૉમાં ગયેલી બ્રિસ્બેનની ત્રીજી ટેસ્ટમાં તે ઝીરોમાં આઉટ થઈ ગયો હતો. રોહિત પર્થની પ્રથમ ટેસ્ટમાં નહોતો રમ્યો. આ પ્રવાસમાં તેણે બીજી અને ત્રીજી ટેસ્ટમાં છઠ્ઠા નંબર પર બૅટિંગ કરી હતી. તેને ઓપનિંગના તેના મૂળ સ્થાને પાછો લાવવા અને કે. એલ. રાહુલને વનડાઉનમાં મોકલવાની યોજના બનતાં ગિલને ડ્રૉપ કરવો પડે એમ હતો. નાયરે પત્રકારોને કકહ્યું,હા, રોહિતને બૅટિંગ-ઑર્ડરમાં ઉપર લાવવાનો પ્લાન છે.
મોટા ભાગે તે ઓપનિંગમાં જ રમશે. અમારે નાછૂટકે ગિલને પડતો મૂકવો પડ્યો છે. તેના જેવા યુવાન ખેલાડીને પડતો મૂકવો પડે એ ગમે તો નહીં, પરંતુ ખુદ ગિલ ટીમની જરૂરિયાત સમજે છે. અમે તેને ડ્રૉપ કર્યો છે એવું હું નહીં કહું. માત્ર તે આ મૅચ માટેની ટીમમાં સ્થાન નથી પામી શક્યો એટલું જ કહીશ.’ ઑસ્ટ્રેલિયાએ મેલબર્ન ટેસ્ટના પ્રથમ દિવસે છ વિકેટે 311 રન બનાવ્યા હતા. ભારતની ઇનિંગ્સ શરૂ થશે ત્યારે યશસ્વી જયસ્વાલ સાથે ફરી રોહિત દાવની શરૂઆત કરતો જોવા મળી શકશે. રાહુલને વનડાઉનમાં મોકલવાની યોજના છે. જોકે તેને મિડલ-ઑર્ડર સુધીના કોઈ પણ નંબર પર રમવાની ફાવટ છે જેનો ટીમ ઇન્ડિયા લાભ લેશે.