સ્પોર્ટસ

એબી ડિવિલિયર્સ મુંબઈમાં વ્હીલચેરના ક્રિકેટરો સાથે રમ્યો, અનેકના દિલ જીતી લીધા

મુંબઈઃ સાઉથ આફ્રિકાનો ક્રિકેટ-લેજન્ડ અને રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)નો ભૂતપૂર્વ બૅટ્સમૅન એબી ડિવિલિયર્સ (AB DEVILLIERS) મરીન લાઇન્સ રેલવે સ્ટેશન નજીક ઇસ્લામ જિમખાનાના મેદાનમાં મુંબઈ વ્હીલચેર ક્રિકેટ (WHEELCHAIR CRICKET) ટીમ સાથે રમ્યો હતો. આરસીબીની ટીમને આઇપીએલમાં સપોર્ટ કરવા આવેલા ડિવિલિયર્સે વ્હીલચેરમાં બેસીને અસ્સલ વ્હીલચેર ક્રિકેટર્સની સ્ટાઇલમાં રમીને સૌને આકર્ષિત કર્યા હતા.

સામાજિક કાર્યના ભાગરૂપેપ્રૉજેક્ટ મુંબઇ’ (PROJECT MUMBAI) બૅનર હેઠળ આ ઇવેન્ટ યોજાઈ હતી અને એમાં ડિવિલિયર્સે આગવી સ્ટાઇલમાં અફલાતૂન શૉટ મારીને સૌને ખુશ કરી દીધા હતા. ડિવિલિયર્સે વ્હીલચેર ક્રિકેટરોના દૃઢ સંકલ્પ અને ઉત્સાહની ખૂબ પ્રશંસા કરીને તેમને મૉટિવેટ કર્યા હતા. ડિવિલિયર્સ 360 ડિગ્રી બૅટિંગ-સ્ટાઇલ માટે પ્રખ્યાત છે અને તેણે વ્હીલચેરમાં બેસીને પણ સ્વીપ શૉટ સહિતના પોતાના અસ્સલ કૌશલ્યની ઝલક આપી હતી. તેણે મેદાન ખાતે હાજર સૌને મંત્રમુગ્ધ તો કર્યા જ હતા, વ્હીલચેર ક્રિકેટરોને પ્રોત્સાહિત પણ કર્યા હતા.

આ પણ વાંચો: રોહિત લખનઊનો નહીં, પણ આ ટીમનો બનશે કૅપ્ટન? ડિવિલિયર્સે કહી દીધી ‘અંદર કી બાત’

આરસીબીના સોશિયલ મીડિયા હૅન્ડલ પર એબી ડિવિલિયર્સની વ્હીલચેર ઇવેન્ટને લગતા વીડિયો અને ફોટો શૅર કરવાની સાથે તેને બિરદાવતી કૅપ્શન લખવામાં આવી હતી. દિવ્યાંગ ક્રિકેટરો સાથેની આ ઇવેન્ટ પછી મુંબઈની કેટલીક સ્કૂલોની મુલાકાત લેનાર સાઉથ આફ્રિકાના આ મહાન ખેલાડીએ કહ્યું હતું કે મુંબઈએ મને વર્ષોથી ખૂબ પ્રેમ અને સ્નેહ આપ્યા છે. હું હવે ક્રિકેટર તરીકે નહીં, પણ સ્વયંસેવકના રૂપમાં અહીં આવીને બાળકો, યુવાનો અને પરિવારો વચ્ચે આ ઇવેન્ટમાં ભાગ લઈને ગૌરવ અનુભવું છું.’

184 આઇપીએલ મૅચમાં કુલ 5,162 રન બનાવનાર આરસીબીના ભૂતપૂર્વ ખેલાડી ડિવિલિયર્સે કહ્યું હતું કે `આ વખતે આરસીબીની ટીમ ફાઇનલમાં પહોંચી છે એ બદલ હું ખૂબ ખુશ છું. મને ખાતરી છે કે આ વખતે આ ટીમ ચૅમ્પિયન બનીને રહેશે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button