મોહમ્મદ અલીના એક શૉર્ટની 27 કરોડ રૂપિયામાં લાગી બોલી, હરાજી હજી ચાલુ જ છે
ન્યૂ યૉર્ક: વિશ્ર્વભરના મુક્કાબાજોમાં સર્વશ્રેષ્ઠ ગણાતા મોહમ્મદ અલીના એક પંચથી ઘણા હરીફ બૉક્સર નૉકઆઉટ થઈ ગયા હતા. અલીના બાઉટ જોવા પ્રેક્ષકો ઊમટી પડતા અને શેડ્યૂલ જાણીને ટીવી પર કરોડો દર્શકો મોજ માણતા. 2016માં 74 વર્ષની ઉંમરે અલીનું અવસાન થયું ત્યાર પછી પણ તેની લોકપ્રિયતા લેશમાત્ર ઓછી નથી થઈ.
આ મહાન મુક્કાબાજે રિંગમાં જે શૉર્ટસ પહેરીને મુકાબલામાં ભાગ લીધો હતો એમાંની એક શૉર્ટની હરાજી થઈ રહી છે. પાંચમી એપ્રિલે આ શોર્ટનું ઑક્શન શરૂ થયું હતું અને એની બોલી 32 લાખ ડૉલર (અંદાજે 27 કરોડ રૂપિયા) સુધી પહોંચી ગઈ હતી.
આપણ વાંચો: દાઉદ ઈબ્રાહિમની એક પ્રોપર્ટીની બે કરોડમાં થઈ હરાજી
મોહમ્મદ અલીના શૉર્ટની બોલી માર્ચના અંતમાં શરૂ થઈ હતી.
આ હરાજી ન્યૂ યૉર્કમાં સૉથબી નામના ઑક્શન હાઉસ દ્વારા ઑનલાઇન કરવામાં આવી રહ્યું છે. આ લિલામી 12 એપ્રિલે બંધ કરાશે એટલે ત્યાં સુધીમાં કોઈ પણ સંભવિત ખરીદનાર વ્યક્તિ બોલી લગાવી શકશે.
કોઈને મનમાં સવાલ થતો હશે કે આ શૉર્ટ એવી કેમ ખાસ છે કે એની કરોડોમાં બોલી બોલાઈ રહી છે?
આ એ શૉર્ટ છે જે મોહમ્મદ અલીએ 1975ની પહેલી ઑક્ટોબરે થ્રિલા ઇન મનીલા નામની મુક્કાબાજીની ઇવેન્ટ દરમ્યાન પહેરી હતી. હેવીવેઇટ ચૅમ્પિયનશિપ માટેની એ મુક્કાબાજી ફિલિપીન્સમાં જો ફ્રેઝિયર સામે થઈ હતી. મોહમ્મદ અલી એ રસાકસીભરી અને રોમાંચક મુક્કાબાજી 14 રાઉન્ડ બાદ ટેક્નિકલ નૉકઆઉટમાં જીત્યા હતા. સૉથબીના જણાવ્યા મુજબ આ શૉર્ટ માટેની બોલી (ભારતીય ચલણ મુજબ) 49 કરોડ રૂપિયા સુધી જઈ શકે એમ છે.