જુઓ, ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટરને કયા પ્રાણીએ ઘાયલ કર્યો અને કોણે બચાવ્યો?
હરારે: 1993થી 2003 દરમ્યાન ઝિમ્બાબ્વે વતી 200 જેટલી ઇન્ટરનૅશનલ મૅચ રમીને 5,000 રન બનાવવા ઉપરાંત 140 વિકેટ લેનાર પેસ બોલિંગ ઑલરાઉન્ડર ગાય વિટ્ટલે તેની કરીઅર દરમ્યાન ઘણા પડકારરૂપ બોલર અને બૅટરનો સામનો કર્યો હશે અને એમાં સફળ પણ થયો હશે, પરંતુ અંગત જીવનમાં ઘણી વાર અમુક ક્ષણ એવી આવી જતી હોય છે જેમાં સામનો કરવા માટે શક્તિ અને ચતુરાઈ ઓછી પડી જતી હોય છે.
વિટ્ટલનું મંગળવારે આવું જ બન્યું. દક્ષિણ ઝિમ્બાબ્વેના હુમાની શહેરમાં વિટ્ટલનો વન્ય જીવનને લગતો ફૅમિલી બિઝનેસ છે. જંગલ તેમ જ જાનવરોના સ્થળે પર્યટકોને લઈ જવા-પાછા લાવવા ઉપરાંત એ વિસ્તારની જાળવણી વગેરે કામોને લગતા બિઝનેસમાં વ્યસ્ત વિટ્ટલ મંગળવારે સફારીમાં (જંગલમાં) હતો ત્યારે દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. જો વિટ્ટલની સાથે તેનો ડૉગ (ચિકારા) ન હોત તો દીપડાએ વિટ્ટલને વધુ ગંભીર રીતે ઘાયલ કરી દીધો હોત.
વિટ્ટલની પત્ની હૅનાએ ફેસબુક પરની સ્ટોરીમાં જણાવ્યું છે કે તેના પતિ સાથે ડૉગ હતો એટલે સારું થયું, કારણકે દીપડાએ હુમલો કરતાં જ ડૉગ તેની (દીપડા) સાથે લડ્યો હતો એટલે દીપડો દૂર ભાગી ગયો હતો.
વિટ્ટલને ઘણી ઈજા થઈ હતી જેને લીધે તેને સારવાર માટે વિમાન દ્વારા હરારે લાવવામાં આવ્યો હતો.
વિટ્ટલને પ્રાણી-પ્રેમ હોવાની સાથે આ પહેલાં પણ તેણે એક જાનવરથી બચવું પડ્યું હતું. 10 વર્ષ પહેલાં હુમાનીમાં જ વિટ્ટલ તેના બંગલામાં હતો ત્યારે નજીકની નદીમાંથી આઠ ફૂટ લાંબો અને 165 કિલો વજનવાળો મગરમચ્છ તેના બેડરૂમમાં આવી ગયો હતો અને આખી રાત ત્યાં રહ્યો હતો.