54 વર્ષનો લારા હજીયે સ્ટાર્ક, કમિન્સ, હૅઝલવૂડના 90 માઇલની સ્પીડના બૉલને રમી શકે છે!
ઍડિલેઇડ: પ્રથમ ટેસ્ટમાં શુક્રવારના ત્રીજા જ દિવસે 10 વિકેટે હારી ગયેલી વેસ્ટ ઇન્ડિઝ ટીમના બૅટર્સ ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર્સ મિચલ સ્ટાર્ક, પૅટ કમિન્સ અને જૉશ હૅઝલવૂડના પ્રતિ કલાક 90 માઇલ જેટલી ઝડપે વારંવાર ફેંકવામાં આવેલા બૉલ સામે ઝૂકી ગયા હતા અને છેવટે કૅરિબિયન ટીમ 10 વિકેટના માર્જિનથી હારી ગઈ. જોકે તેમના જ દેશના બૅટિંગ-લેજન્ડ બ્રાયન લારાએ એ પહેલાં એક નેટ સેશનમાં બતાવી આપ્યું કે તેના જેવો 54 વર્ષનો ક્રિકેટર જો હજી પણ આટલી જ ઝડપના બૉલનો સારી રીતે સામનો કરી શકે તો તેઓ કેમ ન કરી શક્યા.
ક્રેગ બ્રેથવેઇટના સુકાનમાં કૅરિબિયન ટીમે કાંગારૂઓના પેસ આક્રમણ સામે ઘૂંટણિયા ટેકવ્યાં હતા. હૅઝલવૂડે મૅચમાં કુલ 9 વિકેટ લીધી, જ્યારે કમિન્સે ચાર અને સ્ટાર્કે ત્રણ વિકેટ લીધી હતી.
સ્ટાર્ક, કમિન્સ અને હૅઝલવૂડની ફાસ્ટ બોલિંગ ત્રિપુટીની ટેસ્ટ ક્રિકેટના ઑલટાઇમ ગ્રેટેસ્ટ આક્રમણમાં ગણના થાય છે. જોકે ગુરુવારે આ ત્રણેય બોલરને સીધી રીતે તો નહીં, પણ આડકતરી રીતે સંકેત આપી દીધો હતો કે જો તે હજી રમતો હોત તો ત્રણેયની ખબર લઈ નાખી હોત.
લારા ફૉક્સ ક્રિકેટના કૉમેન્ટરી બૉક્સમાં હતો. ગુરુવારે ઇન્ડોર નેટ સેશન દરમ્યાન લારા સામે કલાકે 90 માઇલની ઝડપે બૉલ ફેંકવામાં આવ્યા હતા જેમાં લારાએ જોરદાર ફટકાબાજી કરી હતી. લારાને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે આટલા ઝડપી બૉલનો કેવી રીતે સફળતાથી સામનો કરી શકો છો? લારાએ જવાબમાં કહ્યું, ‘હું નેક્સ્ટ બૉલ વિશે અગાઉથી અંદાજ કરી લેતો હોઉં છું. હું રમતો ત્યારે આવું અચૂક કરતો હતો. એનો અર્થ એવો નથી કે શૉર્ટ બૉલને હું આંખ બંધ કરીને ફટકારી દેતો હતો. ખાસ તો હું બોલરને રીડ કરી લેતો હતો.’
લારાએ ટેસ્ટમાં 11,953 રન અને વન-ડેમાં 10,405 રન બનાવ્યા હતા. તેણે કરીઅર દરમ્યાન વસીમ અકરમ, વકાર યુનુસ, શોએબ અખ્તર, ગ્લેન મૅક્ગ્રા, જેસન ગિલેસ્પી અને બ્રેટ લી તેમ જ ઍલન ડોનાલ્ડ અને શૉન પોલૉક જેવા એક એકથી ચડિયાતા ફાસ્ટ બોલર્સનો સામનો કર્યો હતો.