વન-ડેમાં એક ટીમે 564 રન કર્યા અને પછી 477 રનથી જીતી ગઈ!

ક્વાલા લમ્પુરઃ મર્યાદિત ઓવરની મૅચોમાં થોડા વર્ષોથી નવા-નવા રેકૉર્ડ (record) અને નવા તોતિંગ સ્કોર જોવા મળી રહ્યા છે અને એમાં વધુ એક ચોંકાવનારી ઇનિંગ્સનો ઉમેરો થયો છે જેમાં મલયેશિયા (MALAYSIA)માં એક ડોમેસ્ટિક અન્ડર-19 વન-ડે મૅચમાં સેલનગોર (Selangor) નામની ટીમે 50 ઓવરમાં છ વિકેટે 564 રન ખડકી દીધા હતા અને પુત્રાજયા (Putrajaya) નામની ટીમને 477 રનથી હરાવી દીધી હતી. પુત્રાજયાની ટીમ 565 રનના ઊંચા પહાડ જેવા લક્ષ્યાંક સામે 21.5 ઓવરમાં ફક્ત 87 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી.
નવાઈની વાત એ છે કે સેલનગોર ટીમના મુહમ્મદ અકરમ નામના બૅટ્સમૅને ફક્ત 97 બૉલમાં ચોક્કા અને છગ્ગાનો વરસાદ વરસાવીને કુલ 217 રન કર્યા હતા. અકરમ ડબલ સેન્ચુરી ફટકારી શક્યો ત્યાં આખી હરીફ ટીમ 100 રન પણ નહોતી કરી શકી.
વન-ડે ઇન્ટરનૅશનલમાં હજી સુધી કોઈ ટીમ 500 રનના આંકડા સુધી નથી પહોંચી શકી અને અન્ડર-19 ક્રિકેટમાં પણ 500 રનનો આંકડો કોઈ ટીમ નથી જોઈ શકી. વન-ડે આંતરરાષ્ટ્રીયમાં ઇંગ્લૅન્ડના નેધરલૅન્ડ્સ સામેનો 4/498નો સ્કોર હાઇએસ્ટ છે, જ્યારે અન્ડર-19માં ઑસ્ટ્રેલિયા અન્ડર-19ના કેન્યા અન્ડર-19 સામેનો 6/480નો સ્કોર સૌથી વધુ છે.
જોકે મલયેશિયન મેન્સ અન્ડર-19 ઇન્ટર-સ્ટેટ ચૅમ્પિયનશિપમાં 500-પ્લસના સ્કોરથી ક્રિકેટ જગતમાં સનસનાટી મચી ગઈ છે. સેલનગોરના 11.00થી પણ વધુ રનરેટથી બનેલા 6/564ના સ્કોર પરથી કહી શકાય કે વન-ડેમાં 600 રનનો આંકડો બહુ દૂર નથી.
આપણ વાંચો: પાકિસ્તાનનું ફરી નાક કપાયું: પુરુષોની જેમ મહિલાઓની મૅચમાં પણ ભારતીય ટીમે…