સ્પોર્ટસ

West Indies vs Australia: 50 ઓવરની મૅચ માત્ર 7 ઓવરમાં પૂરી થઈ ગઈ, ઑસ્ટ્રેલિયામાં રચાયો રેકૉર્ડ

કૅનબેરા: ટી-20 ફૉર્મેટની ટેસ્ટ તથા વન-ડે ક્રિકેટ પર સારી અસર અને ખરાબ બંને પ્રકારની અસર થઈ છે. ટેસ્ટ અને વન-ડેમાં બૅટર્સ વધુ આક્રમક થઈને રમવા લાગ્યા છે અને બોલર્સ પણ વધુ અને અનોખી પ્રકારની ટૅલન્ટ બતાવવા લાગ્યા છે. જોકે ફટાફટ ક્રિકેટનો જાદુ થવામાં જાણે અતિરેક થઈ ગયો હોય એવું ઘણી વાર લાગતું હોય છે.

ટેસ્ટ દોઢ-બે કે ત્રણ ચાર દિવસમાં પૂરી થવાના કિસ્સા છાશવારે બનવા લાગ્યા છે ત્યારે વન-ડે મૅચ સાવ ટૂંકી થતી જોવા મળી છે. 50-50 ઓવરવાળી મૅચમાં ઘણી વાર પૂરી 100 ઓવર તો શું, પૂરી 50 ઓવર પણ નથી રમાતી હોતી.

મંગળવારની કૅનબેરાની મૅચની વાત કરીએ. વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને બૅટિંગ આપ્યા પછી ફક્ત 24.1 ઓવરમાં 86 રનના સ્કોર પર ઑલઆઉટ કરી નાખ્યા હતા. એ તો ઠીક, પણ કાંગારૂઓએ 87 રનનો લક્ષ્યાંક માત્ર 6.5 ઓવરમાં મેળવી લીધો હતો. 50 ઓવર સામે ઇનિંગ્સ પૂરી સાત ઓવર પણ ન રમાઈ. સ્ટીવ સ્મિથની ટીમે 259 બૉલ બાકી રાખીને આઠ વિકેટે મૅચ જીતી લીધી હતી.

ઑસ્ટ્રેલિયાએ સતત ત્રીજી મૅચ જીતીને સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કરી હતી. ઑસ્ટ્રેલિયામાં દાયકાઓથી વન-ડે ક્રિકેટ રમાય છે, પણ ક્યારેય કોઈ મૅચ આટલી ટૂંકી નહોતી થઈ. આખી મૅચમાં કુલ 187 બૉલ ફેંકવામાં આવ્યા હતા. ઑસ્ટ્રેલિયામાં રમાયેલી આ સૌથી ટૂંકી વન-ડે છે. મૅચ કુલ મળીને 31 ઓવરમાં પૂરી થઈ. ઇનિંગ્સ-બ્રેક ગણીએ તો આખી મૅચ ત્રણ કલાકમાં પૂરી થઈ ગઈ. એની સાથે, ઑસ્ટ્રેલિયામાં સૌથી ટૂંકી વન-ડેનો 11 વર્ષનો વિક્રમ તૂટ્યો છે. 2013માં આ જ બંને દેશ વચ્ચેની મૅચ 199 બૉલમાં પૂરી થઈ ગઈ હતી. ત્યારે માઇકલ ક્લાર્કની ટીમે 71 રનનો લક્ષ્યાંક એક વિકેટના ભોગે 9.2 ઓવરમાં મેળવી લીધો હતો.

મંગળવારની મૅચમાં બન્યું એવું કે બૅટિંગ મળ્યા પછી કૅરિબિયન ટીમે 13મા રને ક્યૉર્ન ઑટ્લીની વિકેટ ગુમાવી દીધી હતી અને પછી 44મા રન સુધીમાં બીજી ત્રણ વિકેટ પડી ગઈ હતી. 71મા રને ફરી ધબડકો શરૂ થયો અને 86મા રને આખી ટીમ તંબૂ ભેગી થઈ ચૂકી હતી. કરીઅરની બીજી જ વન-ડે રમેલા પેસ બોલર ઝેવિયર બાર્ટલેટે 21 રનમાં ચાર, બીજા નવા ફાસ્ટ બોલર લાન્સ મૉરિસે 13 રનમાં બે વિકેટ અને ઍડમ ઝૅમ્પાએ 14 રનમાં બે વિકેટ લીધી હતી.

એક વિકેટ શૉન અબૉટે લીધી હતી. જવાબમાં ઑસ્ટ્રેલિયાએ ઓપનર જેક ફ્રેઝર-મૅક્ગર્કના 41 રન અને વિકેટકીપર જૉશ ઇંગ્લિસના અણનમ 35 રનની મદદથી બે વિકેટના ભોગે 87 રન બનાવી લીધા હતા. જેક ફ્રેઝરે 41 રન ફક્ત 18 બૉલમાં ત્રણ સિક્સર અને પાંચ ફોરની મદદથી બનાવ્યા હતા. તેના 41માંથી 38 રન સિક્સર-ફોરમાં બન્યા હતા. કૅરિબિયન ફાસ્ટ બોલર શમાર જોસેફ ઈજાને લીધે મૅચમાં નહોતો રમ્યો. અલ્ઝારી જોસેફ અને ઑશેન થૉમસને એક-એક વિકેટ મળી હતી.

ઑસ્ટ્રેલિયાએ થોડા દિવસ પહેલાં બ્રિસ્બેનના ગૅબામાં કૅરિબિયન ટીમના હાથે થયેલી હારનો બદલો વન-ડે સિરીઝમાં તેમનો વ્હાઇટવૉશ કરીને લઈ લીધો છે.

વન-ડેમાં બે મોટા ક્રિકેટ-રાષ્ટ્રો વચ્ચે રમાયેલી સૌથી ટૂંકી મૅચનો વિશ્ર્વવિક્રમ 2001માં રચાયો હતો જેમાં કોલંબોમાં ઝિમ્બાબ્વે (15.4 ઓવરમાં 38/10) અને શ્રીલંકા (4.2 ઓવરમાં 40/1) વચ્ચેની વન-ડે ફક્ત 120 બૉલમાં પૂરી થઈ ગઈ હતી. શ્રીલંકનોએ એ મૅચ 274 બૉલ બાકી રાખીને જીતી લીધી હતી. મંગળવારની સિરીઝ પછી નવા પેસ બોલર ઝેવિયર બાર્ટલેટને મૅન ઑફ ધ મૅચનો અને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર મળ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button