સ્પેશિયલ ફિચર્સસ્પોર્ટસ

2011ના વર્લ્ડ કપની જીતને 13 વર્ષ પહેલાંની એ ચૅમ્પિયન ટીમના ખેલાડીઓએ ગર્વભેર યાદ કરી

મુંબઈ: ભારતીય ક્રિકેટરો 2023ની 19મી નવેમ્બરે વન-ડેનો વર્લ્ડ કપ ત્રીજી વાર જીતતા જરાક માટે ચૂકી ગયા એનો અફસોસ હજી પણ કરોડો ક્રિકેટપ્રેમીઓને હશે, પરંતુ બરાબર 13 વર્ષ પહેલાં (2011ની બીજી એપ્રિલે) આપણા વીરલાઓ મુંબઈના વાનખેડે ગ્રાઉન્ડ પર વન-ડેની બીજી સૌથી મોટી આઇસીસી ટ્રોફી જીત્યા એનું સેલિબ્રેશન તો થવું જ જોઈએ.

2011ની બીજી એપ્રિલે વાનખેડેમાં મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ભારતે ફાઇનલમાં પાડોશી દેશ શ્રીલંકાને 10 બૉલ બાકી રાખીને છ વિકેટના માર્જિનથી હરાવીને વન-ડે વર્લ્ડ કપની બીજી ટ્રોફી 28 વર્ષે જીતી લીધી હતી. શ્રીલંકાએ ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. માહેલા જયવર્દનેના અણનમ 103 રન અને કુમાર સંગકારાના 48 રનની મદદથી શ્રીલંકાએ 50 ઓવરમાં છ વિકેટે 274 રન બનાવ્યા હતા. ઝહીર ખાન તથા યુવરાજ સિંહે બે-બે અને હરભજન સિંહે એક વિકેટ લીધી હતી. ઝહીર ખાન, શ્રીસાન્ત અને મુનાફ પટેલને વિકેટ નહોતી મળી. સચિને બે ઓવર અને વિરાટ કોહલીએ એક ઓવર બોલિંગ કરી હતી. ભારતે 48.2 ઓવરમાં ચાર વિકેટે 277 રન બનાવ્યા હતા. ભારતની ઇનિંગ્સ શરૂ થયા પછી બીજા જ બૉલ પર વીરેન્દર સેહવાગે (0) અને સચિને (18) સાતમી ઓવરમાં વિકેટ ગુમાવી હતી, પણ પછી કોહલી (49 બૉલમાં 35 રન) અને ગૌતમ ગંભીર (122 બૉલમાં 97 રન) વચ્ચે 83 રનની પાર્ટનરશિપ થઈ હતી. 275 રનનો ટાર્ગેટ હાંસલ થઈ શકે એમ હતો એટલે ભારતીય બૅટર્સે બહુ સારી વ્યૂહરચના સાથે રનમશીન ચાલુ રાખ્યું હતું. 114 રનના ટીમ-સ્કોર પર કોહલી આઉટ થઈ ગયો ત્યાર પછી ગંભીર અને ધોની (79 બૉલમાં અણનમ 91 રન) વચ્ચે 109 રનની ફાઇનલ-વિનિંગ પાર્ટનરશિપ થઈ હતી. ગંભીર 42મી ઓવરમાં આઉટ થયો એ પહેલાં તેના 97 રનને કારણે ભારતનો વિજય સંભવ બની ગયો હતો અને પૅવિલિયનમાં પાછા જતા પહેલાં તેણે ભારતને વિજયની નજીક પહોંચાડ્યું હતું. યુવરાજ સિંહ (24 બૉલમાં અણનમ 21) કૅપ્ટન ધોની સાથે જોડાયો હતો અને બન્નેએ ભારતની નૌકા પાર પાડી દીધી હતી અને ત્યાર બાદ ધોનીને યુવી જે રીતે ભેટી પડ્યો અને મેદાન પર અભૂતપૂર્વ સેલિબ્રેશનનો જે માહોલ હતો એ પણ આજની તારીખે ટાઇટલની જીત સાથે તરત યાદ આવી ગયો.


સચિને એક્સ (ટ્વિટર) પર લખ્યું, ‘13 વર્ષ પહેલાં મારું બાળપણનું સપનું હકીકતમાં બદલાયું હતું. ટીમ અને 100 કરોડથી પણ વધુ ભારતીયોના સપોર્ટ બદલ અમે હંમેશાં આભારી રહીશું.’

હરભજન સિંહે બીજા વર્લ્ડ કપના ટાઇટલની ઍનિવર્સરી પ્રસંગે એક્સ પર લખ્યું, ‘એ યાદગાર દિવસ કેવી રીતે ભુલાય. વર્લ્ડ કપ વિનર્સ.’

યુવરાજ સિંહ ત્યારે કૅન્સરની બીમારીને છુપાવીને રમતો રહ્યો હતો અને ટૂર્નામેન્ટ પછી તેની શારીરિક હાલત ચિંતાજનક થઈ ગઈ હતી. તેણે મહિનાઓની સારવાર બાદ કૅન્સરની બીમારી પર વિજય પ્રાપ્ત કર્યો હતો. તેણે એ અભૂતપૂર્વ જીતને યાદ કરીને એનો વીડિયો એક્સ પર શૅર કર્યો છે. યુવી એ વર્લ્ડ કપમાં પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટનો અવૉર્ડ જીત્યો હતો.

https://twitter.com/i/status/1775014847497073050

સુરેશ રૈનાએ લખ્યું, ‘2011ની એ જીતને યાદ કરીને હજી પણ રૂંવાડા ઊભા થઈ જાય છે. આપણો દેશ વર્લ્ડ કપ જીત્યો એ યાદ કરું છું તો દિલોદિમાગમાં ખુશી સમાતી નથી.’

મુનાફ પટેલે એક્સ પર લખ્યું, ‘બીજી એપ્રિલનો એ દિવસ કદી નહીં ભુલાય. દરેક વર્ષે આ દિવસે અમારી યાદ તાજી થઈ જાય છે. એ અનેરી ક્ષણનો હિસ્સો હોવા બદલ ગર્વ અનુભવું છું અને તમામ સાથી ખેલાડીઓને મિસ કરી રહ્યો છું.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button