પાકિસ્તાન-વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટનો પ્રથમ દિવસ ટી-20 જેવો બન્યો, કુલ 20 વિકેટ પડી!
નોમાન અલી ટેસ્ટમાં હૅટ-ટ્રિક લેનાર પ્રથમ પાકિસ્તાની સ્પિનર
મુલતાનઃ અહીં પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટનો પહેલો દિવસ ટી-20 મૅચ જેવો થઈ ગયો હતો. વેસ્ટ ઇન્ડિઝની ટીમ બૅટિંગ લીધા પછી 163 રનમાં 10 વિકેટ ગુમાવી બેઠું ત્યાર બાદ યજમાન પાકિસ્તાનની ટીમે 154 રનમાં 10 વિકેટ ગુમાવી દીધી હતી. એ રીતે, આખા દિવસમાં કુલ 20 વિકેટ પડી હતી.
વેસ્ટ ઇન્ડિઝે નવ રનની સરસાઈ લીધી હતી.
કૅરિબિયન ઑલરાઉન્ડર ગુડાકેશ મૉટી આ પહેલા દિવસનો સુપરસ્ટાર હતો. તેણે પહેલાં પંચાવન રન બનાવ્યા હતા અને પછી બાબર આઝમની પ્રાઇઝ વિકેટ સહિત પાકિસ્તાનની ત્રણ વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: ભારતના સાત બોલરના આક્રમણ સામે ઇંગ્લૅન્ડના 165/9
પાકિસ્તાનનો લેફ્ટ-આર્મ સ્પિનર નોમાન અલી ટેસ્ટમાં હૅટ-ટ્રિક લેનાર પ્રથમ પાકિસ્તાની સ્પિનર બન્યો હતો. તેણે વેસ્ટ ઇન્ડિઝની 163 રનની ઇનિંગ્સમાં કુલ છ વિકેટ લીધી હતી. અગાઉ પાકિસ્તાનના ચાર ફાસ્ટ બોલર (વસીમ અકરમ, અબ્દુલ રઝાક, મોહમ્મદ સામી અને નસીમ શાહ) ટેસ્ટમાં હૅટ-ટ્રિક લઈ ચૂક્યા હતા. અકરમે બે વાર આ સિદ્ધિ મેળવી હતી.
પ્રથમ ટેસ્ટ પાકિસ્તાને 127 રનથી જીતી લીધી હતી.