ફૂટબોલરે ગાળ આપી એટલે રેડ કાર્ડ મળ્યું! જોકે રેફરીએ ખોટું ભાષાંતર કર્યું હોવાનો દાવો

બાર્સેલોનાઃ સ્પેનની લા લિગા લીગમાં શનિવારે ઓસસુના ક્લબની ટીમ સામે રિયલ મૅડ્રિડની ટીમ મૅચ જીતી શકી હોત, પણ બન્યું એવું કે હાફટાઇમની પાંચ મિનિટ અગાઉ એક ઘટનામાં મૅડ્રિડના જાણીતા ખેલાડી જુડ બેલિંગમે રેફરી સામે પાંચ મિનિટ સુધી દલીલ કરી હતી અને એમાં એક તબક્કે બેલિંગમે તેમને ગાળ પણ આપી હતી.
પરિણામે, રેફરીએ તેને આ અસભ્ય વર્તન બદલ રેડ કાર્ડ બતાવી દેતાં મૅડ્રિડની ટીમ 11માંથી 10 ખેલાડીમાં ફેરવાઈ ગઈ હતી અને છેવટે મૅચ 1-1થી ડ્રૉમાં ગઈ હતી.
જોકે બેલિંગમે મૅચ પછી કહ્યું હતું કે `મારી સાથે રેફરીએ ખોટો વ્યવહાર કર્યો. મેં કોઈ અપશબ્દ કહ્યો જ નહોતો. હું જે કંઈ બોલ્યો એનું રેફરીએ ખોટું ભાષાંતર કરી નાખ્યું.’
આપણ વાંચો: ફૂટબોલરે મૅસ્કટ પહેરીને ફરતી મહિલાનો વિનયભંગ કર્યો, અદાલતે પાંચ વર્ષે હળવો દંડ ફટકાર્યો!
બેલિંગમ માટે આવી ઘટના કોઈ નવી વાત નથી. ગઈ સીઝનમાં તેણે એક મૅચમાં રેફરીના નિર્ણયનો વિરોધ કરવાની સાથે અંગે્રજીમાં તેમને ગાળ આપી જેને પગલે તેને રેડ કાર્ડ તો બતાવાયું જ હતું, તેના રમવા પર બે મૅચનો પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો.
21 વર્ષનો બેલિંગમ ઇંગ્લૅન્ડનો છે.
કીલિયાન ઍમ્બપ્પેએ 15મી મિનિટમાં ગોલ કરીને મૅડ્રિડને સરસાઈ અપાવી હતી. જોકે એક વીડિયો રિવ્યૂમાં ઓસસુનાને પેનલ્ટી કિક આપી ત્યારે વિવાદ થયો હતો. એ વીડિયોમાં જોવા મળ્યું હતું કે પેનલ્ટી બૉક્સમાં ઓસસુનાના ખેલાડી ઍન્ટી બુદિમીરને લાત મારવા બદલ મૅડ્રિડના એડુઆર્ડો કૅમાવિન્ગાને કસૂરવાર ઠરાવ્યો અને ઓસસુનાને પેનલ્ટી કિક આપી હતી જેમાં બુદિમીરે ગોલ કરીને સ્કોર 1-1થી લેવલ કરી લીધો હતો.
આપણ વાંચો: રોનાલ્ડો લૅપલૅન્ડ ટાપુ પર ફૅમિલી સાથે સાન્તા ક્લોઝને મળ્યો
આ મૅચ ડ્રૉમાં જવાને કારણે મૅડ્રિડની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરાનું સ્થાન ખતરામાં મુકાયું છે, કારણકે એના 51 પૉઇન્ટ સામે બીજા નંબરના ઍટલેટિકો મૅડ્રિડની ટીમના 50 પૉઇન્ટ છે. હવે બાર્સેલોના (48 પૉઇન્ટ) સોમવારે રૅયો વૉલકૅનો સામે જીતીને ત્રણ પૉઇન્ટ મેળવવાની સાથે મોખરે રિયલ મૅડ્રિડની બરાબરીમાં આવી શકે એમ છે.
રિયલ મૅડ્રિડની હવે પછીની મૅચ બુધવારે મૅન્ચેસ્ટર સિટી સામે રમાશે. પ્રથમ મુકાબલામાં મૅડ્રિડે સિટી સામે 3-2થી વિજય મેળવ્યો હતો.