ક્રિકેટમાં નવી ક્રાંતિ! આવી રહ્યું છે ‘ટેસ્ટ ટ્વેન્ટી’ ફોર્મેટ, જાણો શું હશે ખાસ અને ક્યારથી શરુ થશે?

મુંબઈ: T20 ફોર્મેટના આગમન પછી છેલ્લા બે દાયકામાં ક્રિકેટનું સ્વરૂપ ઝડપથી બદલાયું છે. અગાઉ,ટેસ્ટ અને ODI એમ ક્રિકેટના બે જ ફોર્મેટ હતા, ત્યાર બાદ વર્ષ 2005માં T20 ફોર્મેટના આગમન બાદ ક્રિકેટની રમત ખુબ ઝડપી બની. T10 ફોર્મેટમાં પણ કેટલીક લીગ રમાઈ છે પણ તે ખાસ પ્રચલિત નથી. હવે ક્રિકેટ જગતમાં એક મોટો બદલાવ આવવા જઈ રહ્યો છે. ટૂંક સમયમાં ક્રિકેટના નવા ફોર્મેટ ‘ટેસ્ટ ટ્વેન્ટી’ની શરૂઆત થવા (Test Twenty Cricket Format) જઈ રહી છે.
વન વન સિક્સ નેટવર્કના એક્ઝિક્યુટિવ ચેરમેન સ્પોર્ટ્સ એન્ટરપ્રેનીયોર ગૌરવ બહિરવાણી(Gaurav Bahirvani)એ સત્તાવાર રીતે ટેસ્ટ ટ્વેન્ટીનું અનાવરણ કર્યું છે. આ ફોર્મેટને કારણે ક્રિકેટમાં ક્રાંતિકારી ફેરફાર આવી શકે છે. એબી ડી વિલિયર્સ, સર ક્લાઈવ લોયડ, મેથ્યુ હેડન અને હરભજન સિંહ જે દિગ્ગજ ક્રિકેટરો ટેસ્ટ ટ્વેન્ટી સલાહકાર બોર્ડમાં સામેલ છે. IPL ટીમ રાજસ્થાન રોયલ્સ ભૂતપૂર્વ CEO માઈકલ ફોર્ડહામ ટેસ્ટ ટ્વેન્ટીમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે.
નવું ફોરમેટ કેવું હશે?
ટેસ્ટ ટ્વેન્ટી ફોર્મેટમાં ટેસ્ટ ક્રિકેટ અને T20 ક્રિકેટ બંનેની લાક્ષણિકતાઓ હશે. ટેસ્ટ ટ્વેન્ટીની એક મેચ 80 ઓવરની હશે. ટેસ્ટ ક્રિકેટની જેમ બંને ટીમો 20 ઓવરની બે ઇનિંગ્સ રમશે. તેમાં ટેસ્ટ અને T20 ક્રિકેટ બંનેના નિયમો લાગુ પડશે, નવા ફોર્મેટને અનુરૂપ કેટલાક નિયમોમાં ફેરફારો કરવામાં આવશે. ટેસ્ટ ટ્વેંટીમાં મેચ જીત, હાર, ટાઇ અથવા ડ્રો થઇ શકે છે.
ક્યારથી શરુ થશે લિગ:
ટેસ્ટ ટ્વેન્ટીની પ્રથમ સીઝન જાન્યુઆરી 2026 માં શરૂ થશે, જેમાં છ હાઇ પ્રોફાઇલ વૈશ્વિક ફ્રેન્ચાઇઝી ભાગ લેશે. પ્રથમ સિઝનમાં ત્રણ આંતરરાષ્ટ્રીય (દુબઈ, લંડન અને એક યુએસ શહેર) અને ત્રણ ભારતીય ફ્રેન્ચાઇઝીઓ ભાગ લેશે.
દરેક ફ્રેન્ચાઇઝી પાસે 16 ખેલાડીઓની ટીમ હશે, જેમાં આઠ ભારતીય અને આઠ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનો સમાવેશ થશે.
નવી પેથીને મળશે તક:
ટેસ્ટ ટ્વેન્ટીમાં યુવા પ્રતિભાને તક આપવમાં આવશે, વિશ્વના દરેક દેશના 13 થી 19 વર્ષના યુવા ક્રિકેટરોને આ લિગ રમવાની તક આપવામાં આવશે. કૌશલ્ય, ડેટા અને યોગ્યતાના આધારે ખેલાડીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે, જેના બાદ ફ્રેન્ચાઇઝ માટે હરાજી ગોઠવવામાં આવશે.
બીજી સીઝનથી મહિલા ક્રિકેટરો માટે પણ ટેસ્ટ ટ્વેન્ટી લીગ શરુ કરવામાં આવશે.
આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ:
ટેસ્ટ ટ્વેન્ટીમાં આધુનિક ટેકનોલોજીનો પણ ભરપુર ઉપયોગ કરવામાં આવશે. AI ડિસ્કવરી એન્જિન દ્વારા સંચાલિત મશીન લર્નિંગ અને વિડિયો એનાલિટિક્સ, બેટ અને બોલ માટે એડવાન્સડ મોશન-સેન્સર ટેકનોલોજી અને ડેટા સાયન્સ સાથી રમતની ચોકસાઈ પૂર્વક મૂલ્યાંકન કરવામાં આવશે.
ક્રિકેટનું ભવિષ્ય?
નવા ફોર્મેટના લોન્ચ સમયે ગૌરવ બહિરવાનીએ કહ્યું “આ માત્ર વધુ એક લિગ નથી; તે ક્રિકેટની ભાવનાને એક સન્માન છે. અમે ક્રિકેટની રમતના વારસાને સાચવી રહ્યા છીએ અને સાથે તેના ભવિષ્યને આકાર આપી રહ્યા છીએ. ટેસ્ટ ટ્વેન્ટી ટેસ્ટ ક્રિકેટની ભાવના, રચનાત્મકતા અને સહનશક્તિને ફરી જીવતી કરવા બનાવવામાં આવી છે; આ બધું એક જ દિવસમાં જોવા મળશે.”
આ પણ વાંચો…ભારતીય ક્રિકેટરોની ફ્લાઇટ પરોઢિયે ચાર વાગ્યે પર્થ પહોંચી, જાણો કઈ કઈ તકલીફ થઈ