તૈયાર છે તમારું PAN 2.0, આ રીતે કરી શકશો E-PAN ડાઉનલોડ, જાણો આખી વિગત…

હેડિંગ વાંચીને જો તમે વિચારી રહ્યા છો કે અહીં નવું PAN 2.0, ઈ-પેન કઈ રીતે ડાઉનલોડ કરી શકાય એ વિશે વાત થઈ રહી છે તો બોસ હકીકતમાં એવું જરાય નથી. આ તો અહીં નવા પેનકાર્ડ PAN 2.0ના નામે થઈ રહેલાં સ્કેમની વાત થઈ રહી છે. જો તમને પણ તૈયાર છે તમારું PAN 2.0, આ રીતે કરી શકશો E-PAN ડાઉનલોડ એવો કોઈ ઈ-મેઈલ કે મેસેજ આવ્યો હોય તો તમારે એ મેસેજ કે ઈમેઈલમાં આવેલી લિંક પર બિલકુલ ક્લિક ના કરવું જોઈએ. આ સ્ટોરીમાં આપણે જાણીશું કે કઈ રીતે આ સ્કેમ ચાલે છે અને તેનાથી કઈ રીતે બચી શકાય-
PAN 2.0 સ્કેમ આખરે છે શું?
સૌથી પહેલાં તો જાણીએ કે આખરે આ PAN 2.0 સ્કેમ છે શું? આ સ્કેમમાં સ્કેમર્સમાં લોકોને એક મેઈલ મોકલવામાં આવે છે જેમાં એવું લખ્યું હોય છે કે સરકારે એક નવું ઈ-પેનકાર્ડ લોન્ચ કર્યું છે PAN 2.0. આ પેનકાર્ડ ક્યુઆર કોડથી લેસ હોય છે અને તેને એક જ લિંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાય છે. આ મેસેજની સાથે એક લિંક પણ આપવામાં આવી હોય છે. હવે તમને લાગશે કે આ મેલ તમને ભારત સરકાર દ્વારા મોકલવામાં આવ્યો છે. પરંતુ હકીકતમાં એવું નથી હોતું. જેવું તમે લિંક પર ક્લિક કરશો એટલે તરત જ તમે એક ફેક વેબસાઈટ પર પહોંચી જાવ છો.
કેટલું જોખમી છે આ નવું સ્કેમ?
સ્કેમર્સે લોકોને શિકાર બનાવવા માટે આ નવો PAN 2.0 સ્કેમ શરૂ કર્યો છે. સ્કેમર્સ તમને ખોટી વેબસાઈટ પર લઈ જઈને તમારી સંવેદનશીલ ગોપનીય માહિતી ચોરી લે છે અને પછી તેનો દુરુપયોગ કરે છે. આ બનાવટી વેબસાઈટ પર તમારો આધાર નંબર, પેન નંબર, નામ, બેંક ડિટેઈલ્સ કે પાસવર્ડ જેવી સેન્સેટિવ માહિતી માગવામાં આવે છે. આ તમામ માહિતીનો ઉપયોગ કરીને સ્કેમર્સ તમારા પર્સનલ એકાઉન્ટ સુધી પહોંચી જાય છે. પરિણામે કોઈ પણ લિંક પર ક્લિક કરતાં પહેલાં ખૂબ જ સાવધ રહેવું જોઈએ.
કઈ રીતે બચી શકાય આ સ્કેમથી?
જો તમારે આ સ્કેમથી બચવું હોય તો તમારે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. કોઈ પણ ઈમેઈલ કે મેસેજમાં મોકલાવવામાં આવેલી લિંક પર ક્લિક કરતાં પહેલાં પૂરતી ચકાસણી કરી લો. જો તમને કોઈ સરકારી એજન્સી દ્વારા મેઈલ મોકલવામાં આવ્યો છે કે પછી કોઈ વેબસાઈટ સરકારી છે એવો દાવો કરવામાં આવે તો તમારી જાણ માટે કે દરેક સરકારી વેબસાઈટનો અંત .gov.inથી પૂરી થાય છે. જો કોઈ વેબસાઈટના અંતમાં આવું હોય તો તે સરકારી વેબસાઈટ છે.
ક્યાં કરશો રિપોર્ટ?
જો ન કરે નારાયણ તમારાથી આવી કોઈ શંકાસ્પદ લિંક પર ક્લિક થઈ ગયું છે તો તમારે જરાય ડરવાની જરૂર નથી. તમે આની ફરિયાદ પણ કરી શકો છો. આ માટે તમે સરકારી વેબસાઈટ www.cybercrime.gov.in પર જઈને તમારી સાથે થયેલી છેતરપિંડીની ફરિયાદ કરી શકો છો. આ ભારત સરકારની ઓફિશિયલ સાઈટ છે, જ્યાં તમે સાઈબર ફ્રોડ, ફિશિંગ મેલ, ઓનલાઈન ફ્રોડની ફરિયાદ કરી શકો છો.
આપણ વાંચો: બે દિવસ પછી આવજોઃ બેંકના કમર્ચારી જો આ રીતે ધક્કા ખવડાવે તો આ પોર્ટલ પર કરી શકો છો ફરિયાદ
આ પણ રાખો ધ્યાનમાં-
જો તમે ભૂલથી બનાવટી વેબસાઈટ પર પેન, આધાર કાર્ડ, બેંક ડિટેઈલ્સ કે ઓટીપી જેવી માહિતી આપી દીધી છે તો આટલું કરો-
⦁ તરત જ તમારી બેંકની બ્રાન્ચનો સંપર્ક કરો અને એકાઉન્ટ ફ્રીઝ કરવા કે વોચ રાખવા બોલો
⦁ આ સિવાય તમારા પાસવર્ડ, નેટ બેંકિંગ અને યુપીઆઈ પીન બદલી નાખો
⦁ નજીકના પોલીસ સ્ટેશન કે સાઈબર ક્રાઈમ સેલમાં જઈને ફરિયાદ કરો
⦁ www.cybercrime.gov.in પર જઈને ઓનલાઈન રિપોર્ટ કરો
⦁ જો શક્ય હોય તો સ્ક્રીન શોટ લઈને શંકાસ્પદ મેલ, સ્પેમ, ફિશિંગના રૂટમાં રિપોર્ટ કરો