હોર્મોનલ દવાઓનો બેફામ ઉપયોગ કેમ બની શકે છે જીવલેણ?

વિશ્વમાં ટેકનોલોજી આગળ વધી રહી છે. ટેકનોલોજી આગળ વધતા મેડિકલ સાયન્સનો પણ વિકાસ થઈ રહ્યો છે. આજે ખુબ ઓછી એવી સમસ્યા હશે, જેનું નિદાન મેડિકલ સાયન્સ ન હોય. આ જ મેડિકલ સાયન્સમાં મહિલા માટે એક હોર્મોનલ દવા બનાવવામાં આવી છે. જેનાથી મહિલાઓ કોઈ કારણોસર પીરિયડ્સ રોકવા માગે તો તે સરળતાથી રોકી શકે. પરંતુ શું તમે જાણો છે કે આ હોર્મોનલ દવાના વધુ પડતો ઉપયોગ પણ જાનને હાની પહોંચાડી શકે છે. એવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં 18 વર્ષની એક યુવતીએ પીરિયડ્સ રોકવા માટે હોર્મોનલ ગોળીઓનું સેવન કર્યું, જેના પરિણામે તેને ડીપ વેન થ્રોમ્બોસિસ (DVT) થયું અને તેનું મૃત્યુ થયું.
આ ઘટનાએ હોર્મોનલ દવાઓના બિનસલાહભર્યા ઉપયોગના જોખમો ઉજાગર કર્યા છે. ડોક્ટરોએ યુવતીની ગંભીર સ્થિતિ જોઈને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી હતી, પરંતુ પરિવારે આને ગંભીરતાથી ન લીધું, જેના પરિણામે યુવતીનું મૃત્યુ થયું. આ ઘટના ડોક્ટરની સલાહ વિના દવાઓના ઉપયોગના ગંભીર પરિણામોની ચેતવણી આપે છે.
મીડિયા સૂત્રોના હવાલે મળતી જાણકારી પ્રમાણે એક 18 વર્ષની વિદ્યાર્થિનીએ પૂજામાં ભાગ લેવા માટે તેના પીરિયડ્સને ત્રણ દિવસ માટે રોકવા હોર્મોનલ ગોળીઓ લીધી. થોડા સમય પછી તેને ઘૂંટણ અને જાંઘમાં તીવ્ર દુખાવો શરૂ થયો, જેના કારણે તે ક્લિનિકમાં ગઈ. ડોક્ટરોએ તપાસમાં જાણ્યું કે તેને ડીપ વેન થ્રોમ્બોસિસ થયું હતું, જેમાં જાંઘથી નાભિ સુધી લોહીનો ગંઠાઈ જવાની સમસ્યા હતી. ડોક્ટરે યુવતીને તાત્કાલિક સારવારની સલાહ આપી, પરંતુ પરિવારે વિલંબ કર્યો. જેના પરિણામે રાત્રે યુવતીને શ્વાસ લેવામાં તકલીફ થઈ અને તેનું મૃત્યુ થયું હતું.
DVT શું છે?
ડીપ વેન થ્રોમ્બોસિસ (DVT) એ એક એવી સ્થિતિ છે જેમાં શરીરની ઊંડી નસોમાં લોહીનું ગંઠન થાય છે, જે મોટે ભાગે પગમાં જોવા મળે છે. જ્યારે આ ગંઠાઈ ગયેલું લોહી શરીરના બીજા ભાગોમાં ફેલાય છે અથવા લોહીના પ્રવાહને અટકાવે છે, ત્યારે તે જીવલેણ બની શકે છે. હોર્મોનલ ગોળીઓના ઉપયોગથી પીરિયડ્સનો પ્રવાહ રોકાય છે, જેનાથી લોહી ગંઠાઈ જવાનું જોખમ વધે છે. આવી ગોળીઓ શરીરમાં લોહીના ગંઠનની પ્રક્રિયાને વેગ આપી શકે છે, જે DVTનું કારણ બને છે.
DVTના લક્ષણો
DVT ત્યારે જીવલેણ બને છે જ્યારે તે પલ્મોનરી એમ્બોલિઝમનું કારણ બને, જેમાં લોહીનું ગંઠન ફેફસા સુધી પહોંચે છે. જેનાથી છાતીમાં તીવ્ર દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને બેહોશી જેવી સ્થિતિ સર્જાય છે. DVTથી પીડાતા દર્દીઓની નસો લાંબા સમય સુધી નુકસાન પામે છે, જેનાથી સોજો, દુખાવો અને ઘા થવાની સમસ્યા થાય છે. આ ઉપરાંત, જે મહિલાઓ પ્રથમ વખત હોર્મોનલ ગોળીઓ લે છે, ખાસ કરીને પ્રથમ વર્ષમાં, તેમનામાં DVTનું જોખમ વધુ હોય છે.
DVTનું જોખમ અમુક પરિસ્થિતિઓમાં વધે છે, જેમ કે મોટાપો, ધૂમ્રપાન, લાંબી મુસાફરી, લાંબો સમય બેડ રેસ્ટ, ગર્ભાવસ્થા કે પ્રસવ પછીની સ્થિતિ અને પારિવારિક ઇતિહાસ. સામાન્ય રીતે DVTના જાંઘ કે પિંડલીમાં સોજો, દુખાવો, ગરમી, શ્વાસ ફૂલવો અને છાતીમાં દુખાવો એ લક્ષણો છે. હોર્મોનલ ગોળીઓ પીરિયડ્સ રોકવા માટે વપરાય છે, પરંતુ ડોક્ટરની સલાહ વિના તેનો ઉપયોગ જીવલેણ બની શકે છે. લોકોએ આવી દવાઓનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
આ પણ વાંચો…નવરાત્રીમાં ફીટ રહેવા ને ફ્રેશ દેખાવા IV Drip લેવાનો અભરખો તમને નથી ને?