ખાદ્યપદાર્થને અખબારમાં પેક કરો છો? પહેલાં આ વાંચી લો…
આપણે ત્યાં મોટાભાગે ખાવાની વસ્તુઓ પેક કરવા માટે અખબારનો ઉપયોગ કરવામાં આવે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) દ્વારા આ રીતે ખાદ્યપદાર્થો પેક કરનારા લોકોને ચેતવણી આપી છે. FSSAI દ્વારા તાત્કાલિક ખાદ્ય પદાર્થોની પેકિંગ, સેવા અને સંગ્રહ કરવા માટે અખબારોનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવાનું જણાવ્યું છે, કારણ કે આને કારણે આરોગ્યને નુકસાન પહોંચે છે. FSSAI દ્વારા આ સંદર્ભમાં નિયમોની દેખરેખ અને અમલ કરવા માટે રાજ્યના ખાદ્ય સત્તાવાળાઓ સાથે નજીકથી કામ કરી રહી છે.
FSSAIના સીઈઓ જી કમલા વર્ધન રાવે નાગરિકોને ખાદ્યપદાર્થની પેકિંગ અને સંગ્રહ માટે અખબારોનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવા વિનંતી કરી છે. તેમણે ખોરાકને પેકિંગ અથવા પેકેજિંગ માટે અખબારના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને આ પ્રથા સાથે સંકળાયેલા આરોગ્ય જોખમો વિશે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
ફૂડ રેગ્યુલેટર એફએસએસએઆઈ દ્વારા બુધવારે એવી ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી કે અખબારોમાં ઉપયોગમાં લેવાતી ઈન્કમાં સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી બાયોએક્ટિવ સામગ્રી હોય છે, જે ખાદ્યપદાર્થને નુકસાન પહોંચાડે છે અને સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. એફએસએસએઆઈએ જણાવ્યું હતું કે વધુમાં પ્રિટિંગ ઇન્કમાં લીડ અને અન્ય ધાતુઓ સહિત રસાયણો હોય છે, જે ખોરાકમાં ભળે છે અને શરીરમાં પ્રવેશીને રોગનું કારણ બની શકે છે.
એફએસએસએઆઈએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડાઇઝ્ડ (પેકેજિંગ) રેગ્યુલેશન્સ, 2018માં કરવામાં આવેલી જોગવાઈનો હવાલો આપ્યો હતો કે જેમાં ખોરાકના સંગ્રહ અને પેકિંગ માટે અખબારોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિયમન મુજબ, અખબારોનો ઉપયોગ ખોરાકને લપેટવા, આવરી લેવા અથવા પીરસવા માટે અથવા તળેલા ખોરાકમાંથી વધારાનું તેલ શોષવા માટે કરવો જોઈએ નહીં, નહીંતર સ્વાસ્થ્ય પર અસર જોવા મળે છે.