સ્પેશિયલ ફિચર્સ

Paytm વાપરો છો એટલે ચિંતામાં છો? તો વાંચી લો આ તમારી ચિંતા દૂર થઈ જશે

અમદાવાદઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ (RBI)એ પેટીએમ પેમેન્ટ્સ પર હથોડો માર્યો છે. સેન્ટ્રલ બેંકે પાલન સમસ્યાઓના કારણે પેટીએમ પેમેન્ટ્સને નવા ગ્રાહકો જોડવાનું બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ તાત્કાલિક અસરથી એટલે કે 31 જાન્યુઆરી 2024થી અમલમાં આવ્યો છે. આટલું જ નહીં, 29 ફેબ્રુઆરી પછી હાલના ગ્રાહકો પણ તેમના Paytm એકાઉન્ટમાં રકમ ઉમેરી શકશે નહીં.

હવે જે ગ્રાહકો ફાસ્ટટેગ (Fasttag)થી માંડી દરેક કામ માટે આનો ઉપયોગ કરતા હોય તેમને ચિંતા થઈ પડી છે ત્યારે તેમણે ચિંતા કરવાની જરૂર નથી. તેમની માટે આરબીઆઈએ રાહતો જાહેર કરી છે. જો તેમની પાસે પેટીએમની કોઈપણ સેવામાં (એકાઉન્ટમાં) પૈસા પડ્યા હોય, તો તેઓ પૈસા ખલાસ ન થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરી શકે છે. આ માટે તેમને કોઈ સમયમર્યાદા આપવામાં આવી નથી.

જો કે, આરબીઆઈએ એમ પણ કહ્યું છે કે પેટીએમ પેમેન્ટ બેંકના વર્તમાન ગ્રાહકો તેમની વર્તમાન રકમનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે છે. ભલે પૈસા બચત ખાતામાં હોય, ચાલુ ખાતામાં હોય, પ્રીપેડમાં હોય, ફાસ્ટેગ, નેશનલ કે કોમન મોબિલિટી કાર્ડ હોય, તેનો ઉપયોગ કરી શકાય છે. આના પર કોઈ તારીખ સુધીનો પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. તમે કોઈપણ તારીખ સુધી તમારી ઈચ્છા મુજબ તમારા ખાતામાં હાલમાં રહેલા નાણાંનો ઉપયોગ કરી શકો છો. પરંતુ 29 ફેબ્રુઆરી પછી આમાંથી કોઈપણ સેવામાં નવી રકમ ઉમેરી શકશો નહીં.

આરબીઆઈએ કહ્યું છે કે 29 ફેબ્રુઆરી પછી પેટીએમ પેમેન્ટ્સ બેંક દ્વારા કોઈ બેંકિંગ સેવા આપવામાં આવશે નહીં. આમાં AEPS, IMPS, BBPOU અથવા UPI જેવી સેવાઓનો સમાવેશ થાય છે. સેન્ટ્રલ બેંકે વન97 કોમ્યુનિકેશન લિમિટેડ અને પેટીએમ પેમેન્ટ્સ સર્વિસ લિમિટેડની નોડલ સેવાઓને શક્ય તેટલી વહેલી તકે બંધ કરવાનું પણ કહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button