ટેનિસ સ્ટાર કોકો ગોફ ટાઇટલ બચાવવામાં નિષ્ફળઃ US ઓપનમાંથી બહાર

ન્યૂ યોર્કઃ યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની મહિલા સિંગલ્સમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોકો ગોફ પોતાનું ટાઇટલ બચાવી શકી ન હતી. તેને એમ્મા નેવારો સામે 6-3, 4-6, 6-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી કેટલીક સ્પર્ધાઓમાં ગૉફનું પ્રદર્શન સારું રહ્યું નથી. પેરિસ ઓલિમ્પિકના ત્રીજા રાઉન્ડમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. હાર બાદ ગોફે કહ્યું હતું કે “કેટલાક પરિણામો સાનુકૂળ ન હોવા છતાં મેં આ સીઝનમાં સારું પ્રદર્શન કર્યું છે.
શુક્રવારે ત્રીજા રાઉન્ડમાં વર્તમાન મેન્સ ચેમ્પિયન નોવાક જોકોવિચને પણ હાર મળી છે. આનો અર્થ એ થયો કે છેલ્લા કેટલાક વર્ષોમાં યુએસ ઓપનમાં તેમના ટાઈટલને બચાવવામાં નિષ્ફળ રહેવાનો ટ્રેન્ડ યથાવત રહ્યો છે.
છેલ્લા 10 વર્ષમાં કોઈ પણ ખેલાડી યુએસ ઓપનમાં સતત બે વખત ટાઈટલ જીતી શક્યો નથી. મહિલા સિંગલ્સમાં આવું કરનાર છેલ્લી ખેલાડી સેરેના વિલિયમ્સ હતી જેણે 2012 થી 2014 દરમિયાન આ ટાઇટલ જીત્યું હતુ. મેન્સ કેટેગરીમાં રોજર ફેડરરે 2004 થી 2008 દરમિયાન આ કારનામું કર્યું હતું.
આ પણ વાંચો: યુએસ ઓપનમાં થયો સૌથી મોટો અપસેટ, ડિફેન્ડિંગ ચેમ્પિયન નોવાક જોકોવિચ હાર્યો…
હવે એમ્મા નેવારો પૌલા બડોસા સામે ટકરાશે, જેણે વાંગ યાફાન સામે 6-1, 6-2થી જીત મેળવી હતી. બીજી ક્રમાંકિત આરીના સબલેન્કા પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે એલિસ મેર્ટેન્સને 6-2, 6-4થી હરાવી છે.
સબલેન્કા ક્વાર્ટર ફાઇનલમાં ઝેંગ ક્વિનવેન સામે ટકરાશે. મેન્સ કેટેગરીમાં જોકોવિચને હરાવનાર 28મા ક્રમનો ખેલાડી એલેક્સી પોપાયરીનની સફર પણ લાંબી ચાલી નહીં અને તે ફ્રાન્સિસ ટિયાફો સામે 6-4, 7-6 (3), 2-6, 6-3થી હારીને બહાર થઈ ગયો.
સતત ત્રીજી વખત ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવનાર ટિયાફોનો આગળનો મુકાબલો ગ્રિગોર દિમિત્રોવ સામે થશે, જેણે આન્દ્રે રૂબલેવને 6-3, 7-6 (3), 1-6, 3-6, 6-3થી હરાવ્યો હતો. ટેલર ફ્રિટ્ઝ પણ આગળ વધવામાં સફળ રહ્યો હતો. તેણે ત્રણ વખતના ગ્રાન્ડ સ્લેમ ફાઇનાલિસ્ટ કેસ્પર રૂડને 3-6, 6-4, 6-3, 6-2થી હરાવ્યો હતો.