Personal Loan થઈ જાય છે રિજેક્ટ? આ પાંચ વાતોનું રાખો ખાસ ધ્યાન, મળશે ગેરેન્ટેડ લોન…

તહેવારો, લગ્ન પ્રસંગ કે ઘરના રિનોવેશન જેવા વિવિધ કામ માટે લોકો પર્સનલ લોન લેવાનું પસંદ કરે છે. પરંતુ ઘણી વખત આ પર્સનલ લોન રિજેક્ટ થઈ જાય છે. આજે આપણે અહીં વાત કરીશું કે કોઈ પણ બેંક દ્વારા કોઈ પણ વ્યક્તિને લોન આપતાં પહેલાં કઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે એની. આ સ્ટોરી છેલ્લે સુધી ચોક્કસ વાંચી જજો કારણ કે બની શકે કે આને કારણે હવે તમારી પર્સનલ લોન બેંક દ્વારા રિજેક્ટ ના કરવામાં આવે…
સૌથી પહેલાં તો અધૂરી માહિતી કે માહિતી વિના જ પર્સનલ લોન લેવાનું નુકસાનકારક થઈ શકે છે. લોન લેતાં પહેલાં તેના યોગ્ય માપદંડ જાણી લેવા ખૂબ જ જરૂરી છે. જો લોન રિજેક્ટ થઈ જાય તો તમારા કામમાં વિલંબ તો થાય જ છે, પણ એની સાથે સાથે તમારો ક્રેડિટ સ્કોર પણ ખરાબ થાય છે. ચાલો જોઈએ આખરે બેંક કે ફિનટેક કંપનીઓ લોન આપતાં પહેલાં કઈ વાતોનું ધ્યાન રાખે છે એ-
કોઈ પણ બેંક કે ફિનટેક કંપનીઓ લોન આપતા પહેલાં કેટલીક વાતોની ખાસ ચકાસણી કરે છે અને આ વાતોની જાણકારી તમને હોય તો તમે તમારા ફાઈનાન્શિયલ પ્રોફાઈલને સુધારી શકો છો અને સારી કંડીશન્સ પર લોન મેળવી શકો છો.
પાંચ મુદ્દા છે મહત્ત્વનાઃ
બેંક કે ફિનટેક કંપનીઓ કોઈને પણ લોન આપતી વખતે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખે છે અને આજે આપણે અહીં આવા જ પાંચ મુદ્દા વિશે વાત કરીશું.
- સેલરીઃ
લેન્ડર હંમેશા એ વાતની ખાતરી કરવા માંગે છે કે તમારી આવક નિયમિત હોય, જેથી તમે સરળતાથી લોન ચૂકવી શકો. તમારી આવક જેટલી સારી હશે એટલા જ તમારા લોન પાસ થવાના ચાન્સ વધી જાય છે. આ સિવાય એક જ કંપનીમાં 1-2 વર્ષ કે એના પણ વધારે સમયથી કામ કરવું તમારા ફેવરમાં કામ કરે છે. સેલ્ફ એમ્પ્લોઈડ લોકો જ્યારે લોન લેવા જાય છે ત્યારે તેમણે પોતાની આવકના પૂરાવા તરીકે ફાઈનાન્શિયલ રિપોર્ટ કે ટેક્સ રિટર્ન જેવા પૂરાવા આપવા પડે છે. - ક્રેડિટ સ્કોરઃ
તમારો ક્રેડિટ સ્કોર લોન લેતી વખતે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. 750 કે એનાથી વધુનો સ્કોર સારો માનવામાં આવે છે. આના પરથી ખ્યાલ આવે છે તમે આની પહેલાં લીધેલી લોન સમયસર ચૂકવી છે. જો તમારી પાસે ડિફોલ્ટ, લેટ પેમેન્ટ કે ઘણી બધી લોન એપ્લિકેશન છે તો તમારા માટે થોડી મુશ્કેલી થઈ શકે છે. તમારા ક્રેડિટ સ્કોરને દર થોડા સમયે તપાસો અને રિપોર્ટમાં કોઈ ભૂલ હોય તો તેને તરત સુધારો. - કરન્ટ લોન કે વધારે પડતાં ઈએમઆઈઃ
જી હા, લોન આપતી વખતે બેંક તમારું ડેબિટ ટુ ઈનકમ રેશિયો ચેક કરે છે, એટલે કે તમારી મંથલી ઈનકમનો કેટલો હિસ્સો ઈએમઆઈ ચૂકવવામાં જતો રહે છે. જો તમારી આવકનો 40-50 ટકાથી વધારે ભાગ ઈએમઆઈ ચૂકવવામાં જાય છે તો નવી લોન મળવાની શક્યતા ધૂંધળી થઈ જાય છે. જૂની લોન પૂરી કરીને કે પછી લોનને કન્સોલિડેટ કરવાથી તમારી એલિજિબિલેટી વધી જાય છે. - ઉંમર અને લોન રી-પે કરવાની ક્ષમતાઃ
તમને લોન મળશે કે નહીં એમાં તમારી ઉંમર અને તમારી લોન પાછી ભરવાની ક્ષમતા પણ મહત્ત્વનો રોલ પ્લે કરે છે. ખૂબ જ ઓછી ઉંમરમાં જો તમારો ટ્રેક રેકોર્ડ સારો નથી તો તમારા માટે આ નુકસાનકારક સાબિત થઈ શકે છે. મોટા ભાગની બેંકો દ્વારા 21 વર્ષથી લઈને 60 વર્ષ સુધીની ઉંમરને લોન લેવા માટે પરફેક્ટ એજ માનવામાં આવે છે. લોનની મર્યાદા સામાન્યપણે લોન લેનારની રિટાયરમેન્ટની ઉંમર સુધી નક્કી કરવામાં આવે છે. - પ્રોફેશનઃ
તમે કઈ જગ્યાએ નોકરી કરો છો એ પણ ખૂબ જ મહત્ત્વનું છે અને એના પર આધાર રાખે છે કે બેંક તમને લોન આપશે કે નહીં. જો તમે કોઈ જાણીતી કંપનીમાં કામ કરો છો તો તમારી લોન એપ્લિકેશન ઝડપથી પ્રોસેસ થાય છે. પ્રોફેશનલ ડિગ્રી કે રેગ્યુલેટેડ પ્રોફેશન જેવા કે ડોક્ટર, એન્જિનિયર અને સીએને ત્યાં કામ કરનારાઓને બેંક વધારે વિશ્વાસુ માને છે.