સ્પેશિયલ ફિચર્સ

જન્મ પછી બાળક હસવાને બદલે સૌથી પહેલાં કેમ રડે છે? જાણો ડૉક્ટર્સ પાસેથી…

આજે પણ જ્યારે કોઈ મેટર્નિટી વોર્ડમાં બાળકનો જન્મ થાય છે ત્યારે તેની સ્માઈલ નહીં પણ રડવાના અવાજથી આખો વોર્ડ ગૂંજી ઉઠે છે. પરંતુ શું તમને ખબર છે કે બાળક જન્મે ત્યારે સૌથી પહેલાં તે કેમ રડે જ છે, હસતાં કે પછી બીજા કોઈ એક્સપ્રેશન નથી જોવા મળતા? આ પાછળ વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે, જેના વિશે આજે આપણે અહીં વાત કરીશું. ચાલો જાણવાનો પ્રયાસ કરીએ આ પાછળના કારણો…

ડોક્ટરોના જણાવ્યા અનુસાર રડવું એ બાળકનો આ ધરતી પર જન્મ્યા પછીનો પહેલો સંવાદ છે. બાળક રડે એટલે માતા-પિતા અને પરિવારના સભ્યો રાહતનો શ્વાસ લે છે. આવી સ્થિતિમાં રડવું એ કોઈ તકલીફ નહીં પણ જીવનની શરૂઆતનો સંકેત આપે છે. હવે બાળકનું રડવું જો આટલું બધું મેટર કરતું હોય તમામ લોકો માટે તો પછી આખરે આ પાછળનું કારણ શું છે?

ગર્ભ અને બહારની દુનિયાના ફેરફાર છે કારણ
બાળક જ્યારે માતાના ગર્ભમાંથી બહાર આવે છે ત્યારે તે એક નવી દુનિયામાં પગ મૂકે છે. ગર્ભની અંદર તાપમાન, પ્રકાશ અને અવાજ મંદ હોય છે ત્યાં બહારની દુનિયાનું તાપમાન, પ્રકાશ અને કોલાહલથી ભરપૂર હોય છે. અચાનક આવેલા આ બદલાવ પર નવજાત શિશુનું શરીર તરત જ પ્રતિક્રિયા આપે છે. આ પ્રતિક્રિયા રૂદનથી સામે આવે છે અને એના પરથી ખ્યાલ આવે છે કે બાળક જીવીત છે અને તે બહારની દુનિયા સાથે તાલમેલ બેસાડી રહ્યું છે.

શિશુનું રડવું તેને જાતે શ્વાસ લેવા સક્ષમ બનાવે
ડોક્ટર્સના જણાવ્યા અનુસાર બાળકનું પહેલું રૂદન તેના સ્વાસ્થ્યનું સૌથી મોટું સંકેત ગણાય છે. આ સિવાય ગર્ભમાં બાળકના ફેફસાં સંપૂર્ણપણે એક્ટિવ નથી હોતા, કારણ કે તેને નાળથી ઓક્સિજન મળતું રહે છે. જન્મ લેતાં જ બાળકને જાતે શ્વાસ લેવો પડે છે. રડતી વખતે નવજાત શિશુ જોરથી શ્વાસ અંદર લે છે અને બહાર ફેંકે છે જેને કારણે કારણે તેના ફેફસાં ખૂલે છે અને તેમાં રહેલું પ્રવાહી બહાર નીકળે છે. આ પ્રક્રિયા તેને સ્વતંત્ર રીતે શ્વાસ લેવા સક્ષમ બનાવે છે.

હાર્ટબીટ, બ્લડ સર્ક્યુલેશનની સાઈકલ શરૂ થાય છે
બાળકનું પહેલી વખત રડવું એ માત્ર એક અવાજ નહીં પણ શરીરની અંદર થયેલો એક મોટો બદલાવ પણ હોય છે. રોવાને કારણે બાળકનું હાર્ટ જોરથી ધબકવા લાગે છે અને બ્લડ સર્ક્યુલેશનની નવી સાઈકલ શરૂ થાય છે, શરીરના દરેક અવયવ સુધી ઓક્સિજન પહોંચે છે. આ જ કારણ છે કે ડોક્ટર્સ અને પરિવારના સભ્યો પણ બાળકના રડવાની રાહ જુએ છે, કારણ કે એ જ સંકેત છે કે તેનું હાર્ટ અને લંગ્સ બરાબર કામ કરી રહ્યા છે.

હસવું એ એક ભાવનાત્મક, સામાજિક પ્રતિક્રિયા છે
તમને પણ ક્યારેકને ક્યારેક તો એવો સવાલ થયો હશે કે બાળક જન્મે તો હસતું કેમ નથી તો આ સવાલનો જવાબ એવો છે કે હસવું એ એક ભાવનાત્મક અને સામાજિક પ્રતિક્રિયા છે, જે મગજના વિકાસ સાથે જોડાયેલી હોય છે. જન્મ સમયે બાળકનું મગજ જરૂરિયાતની બાબતો પર જ કારમ કરે છે. ભૂખ, ઠંડી, દુઃખ કે અનઈઝીનેસ જેવી તમામ વાતો બાળક રડીને વ્યક્ત કરે છે. જ્યારે હસવા માટે તેને સુરક્ષા, પોતિકાપણુ અને ચહેરા ઓળખવાની ક્ષમતા જોઈએ જે ધીરે ધીરે તેની અંદર ડેવલપ થાય છે.

બસ આ જ બધા કારણો છે કે બાળક જન્મતાંની સાથે જ હસવાને બદલે રોવાનું શરૂ કરી દે છે અને આમ બાળકનું રોવું એ પરેશાની કે તકલીફ નહીં પણ ઊર્જાનો, નવ જીવનનો એક સંકેત આપે છે. હવે જ્યારે કોઈ તમને પૂછે કે બાળક જન્મતાં જ કેમ રડે છે તો તેની સાથે આ માહિતી ચોક્કસ શેર કરજો હં ને?

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button