સ્પેશિયલ ફિચર્સ

ભારતના આ પડોશી દેશમાં રવિવારની રજા નહીં પણ અઠવાડિયાની શરૂઆત થાય છે, જાણો આ પાછળનો રસપ્રદ ઇતિહાસ…

હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા હશો ને? કે ભાઈ જ્યાં આપણે ત્યાં લોકો રવિવારની રજા માણતા હોઈએ છીએ, પણ ભારતનો એક પડોશી દેશ એવો પણ છે કે જ્યાં રવિવારની રજા નથી હોતી. ચાલો જાણીએ કે આખરે આ દેશમાં કેમ રવિવારની રજા નથી હોતી અને આ પાછળનું કારણ શું છે એ વિશે…

અમે અહીં જે દેશની વાત કરી રહ્યા છીએ એ છે નેપાળ. નેપાળ પોતાની કુદરતી સુંદરતા અને હિમાલયની પર્વતમાળાઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. નેપાળમાં આશરે 90 ટકા વસ્તી હિન્દુ ધર્મ પાળે છે, પરંતુ તેમ છતાં અહીંની કેટલીક પરંપરાઓ ભારત અને દુનિયાના અન્ય દેશો કરતાં તદ્દન વિપરીત છે. પરંતુ આ બધામાં સૌથી રસપ્રદ બાબત છે નેપાળની વીકલી લીવ કે જેને આપણે સાપ્તાહિક રજા પણ કહીએ છીએ એ.

જ્યાં આખી દુનિયા એક તરફ રવિવારે રજાની મજા માણે છે, ત્યાં ભારતના પડોશી દેશ નેપાળમાં રવિવારે પણ શાળાઓ અને ઓફિસો ધમધમતી હોય છે. ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં રવિવાર એટલે રજાનો દિવસ, પરંતુ નેપાળમાં રવિવાર એ અઠવાડિયાનો પહેલો વર્કિંગ ડે ગણાય છે. ચાલો વાત કરીએ નેપાળમાં રવિવારે રજા કેમ નથી હોતી અને ત્યાં કયા દિવસે રજા હોય છે એની.

મળતી માહિતી અનુસાર નેપાળમાં સાપ્તાહિક રજા શનિવારના દિવસે હોય છે અને આ દિવસે અહીં સરકારી ઓફિસ, બેંકો, સ્કૂલ, કોલેજ અને મોટાભાગની પ્રાઈવેટ ઓફિસો બંધ રહે છે. નેપાળમાં કામકાજનું અઠવાડિયું રવિવારથી શરૂ થઈને શુક્રવાર સુધી ચાલે છે. રવિવારના દિવસે પણ અહીં બજારો અને ઓફિસોમાં સામાન્ય દિવસો જેવી જ ચહલપહલ જોવા મળે છે.

નેપાળમાં શનિવારની રજાની પરંપરા ક્યારથી શરૂ થઈ એની તો નેપાળમાં આ પરંપરા રાણા શાસનકાળ દરમિયાન શરૂ થઈ હતી. એમાં પણ ખાસ કરીને જુદ્ધ શમશેરના શાસન દરમિયાન આ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી હતી. જે આજની તારીખમાં પણ પરંપરાગત રીતે ચાલુ છે.

વિશ્વના અનેક દેશોમાં રવિવારની રજા ખ્રિસ્તી પરંપરાઓ અને બ્રિટિશ શાસન સાથે જોડાયેલી માનવામાં આવે છે. યુરોપ, અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં રવિવારે ચર્ચમાં પ્રાર્થના માટે રજા રાખવાની પ્રથા હતી. ભારત પણ લાંબા સમય સુધી બ્રિટિશ ગુલામીમાં રહ્યું હોવાથી અહીં રવિવારની રજાની પદ્ધતિ અમલમાં આવી. નેપાળ ક્યારેય બ્રિટિશરો કે મુગલોના આધીન રહ્યું નથી અને નેપાળ હંમેશા એક સ્વતંત્ર રાષ્ટ્ર રહ્યું હોવાથી ત્યાં પશ્ચિમી કે ખ્રિસ્તી પરંપરાઓનો પ્રભાવ ઓછો રહ્યો. આથી ત્યાં રવિવારની રજા નથી હોતી.

આ પણ વાંચો…નેપાળની નવી ચલણી નોટ અંગે વિવાદ! નકશામાં ભારતીય પ્રદેશોને પોતાના ગણાવ્યા

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button