સ્પોટ લાઈટ : પતિની પત્ની પરાયણતાને મહત્ત્વ આપી ‘પત્નીવ્રતા’ નાટક કેમ નથી લખાયું?
-મહેશ્વરી
મરાઠી નાટકોમાં કામ કરવાનો અનુભવ ગુજરાતી નાટકોની સરખામણીએ સાવ અલગ હતો. એ સમયે (૧૯૮૦ના દાયકાના પ્રારંભમાં) મરાઠી નાટકોના બહારગામ શો નિયમિત થતા હતા. મહિનાના ૨૦ દિવસ બહારગામ ખેલ હોય તો ૧૦ દિવસ મુંબઈમાં શો હોય. કલાકારોને નવરા બેસવાનો વારો ન આવે. મુંબઈમાં સવાર – બપોર અને સાંજે ભજવણી થાય. એ સમયે મારી નાઈટ (નાટકના એક શો પેટે મળતું મહેનતાણું) હતી ફક્ત ૬૫ રૂપિયા, પણ રોજના ત્રણ શો હોય એટલે દિવસ અંતે હાથમાં સારી રકમ આવતી. બહારગામ જઈએ ત્યારે પણ રોજેરોજ એક શો તો હોય જ. આમ મરાઠી વ્યવસાયિક રંગભૂમિ પર મારી સફરની શરૂઆત થઈ ગઈ. ઘરનું ગાડું ગબડવા લાગ્યું. ગણેશ ઉત્સવ કે સત્યનારાયણની કથા દરમિયાન વિવિધ મંડળો માટે મરાઠી નાટકો ભજવ્યાં ત્યારે સપનેય નહોતું વિચાર્યું કે એક દિવસ મરાઠી વ્યવસાયિક રંગભૂમિના તખ્તા પર મારી એન્ટ્રી થશે. કલાકાર નાટકના ખેલ કરે, પણ એના ખેલ તો વિધાતા જ નક્કી કરતો હોય છે. મરાઠી નાટકોમાં મને સારા – દમદાર રોલ મળવા લાગ્યા અને પાટા પરથી ઉતરી ગયેલી મારી ગાડી ફરી પાટે ચડી ગઈ.
વિનયકાંત દ્વિવેદી (વિનુભાઈ)ના ‘સંભારણા’ને સારો આવકાર મળ્યો. એના લગભગ ૨૦૦ શો થયા. જૂની રંગભૂમિની સ્મૃતિઓ રસિકોએ હોંશે હોંશે વાગોળી. ભાંગવાડીની ભવ્યતાના સાક્ષી રહેલા નાટ્ય રસિકોને જાણે કે ગોળના ગાડા મળી ગયા. પ્રતિસાદથી પોરસાઈ ગયેલા વિનુભાઈ ‘સંભારણા ૨’ કરવા તૈયાર થઈ ગયા. દૂઝતી ગાય સૌને વહાલી હોય. જોકે, બીજા ભાગને મોળો પ્રતિસાદ મળ્યો. કદાચ એનું કારણ એવું હતું કે ‘સંભારણા’માં નાટકના કોઈ સીન ભજવાય કે પછી એ સમયનું કોઈ લોકપ્રિય ગીત રજૂ થાય… ટૂંકમાં કહીએ તો નાના નાના ટુકડા હોય. સળંગ નાટક જેવી મજા તો એમાં ન જ આવે. લોકોએ પણ વિનુભાઈને કહ્યું કે ‘હવે કોઈ જૂનું નાટક ભજવો તો જલસા પડી જાય.’
જોકે, ત્યારે મરાઠી નાટકોમાં મારો પગ જામી રહ્યો હતો. ‘બહરલા પારિજાત’ નામના મારા નાટકના ૨૫૦થી વધુ શો થયા. શ્રીકૃષ્ણ – સત્યભામા – રુક્મિણીની બહુ સુંદર કથા એમાં વણી લેવામાં આવી છે. વિશિષ્ટ રંગ, રૂપ, અને મહેક ધરાવતું પારિજાત ફૂલ દૈવી ફૂલ ગણાય છે. નામ લેતા જ એની સુગંધનો અહેસાસ થવા લાગે એવું એ ફૂલનું સામર્થ્ય છે. આ નાટકની સુગંધ પણ રસિકોએ મન ભરીને માણી. પછી મેં ‘પતિવ્રતા’ નામનું મરાઠી નાટક કર્યું. મને યાદ છે ત્યાં સુધી પ્રતિષ્ઠિત નાટ્યકાર મધુસુદન કાલેલકરે લખ્યું હતું. એ જ નામનું મરાઠી ચિત્રપટ પણ તેમણે બનાવ્યું હતું. મને એક વાતની કાયમ નવાઈ લાગી છે કે પત્નીની પતિ પરાયણતાને કેન્દ્રમાં રાખી અનેક નાટકો – ફિલ્મો વિવિધ ભાષામાં બન્યા છે. પતિની પત્ની પરાયણતાને મહત્ત્વ આપી ‘પત્નીવ્રતા’ નાટક કેમ નથી લખાયું? પત્ની પાસે પતિવ્રતા નારીની અપેક્ષા રાખવામાં આવે તો પતિ પાસે પત્નીવ્રતા પુરુષનો આગ્રહ કેમ નથી રાખવામાં આવતો? આ સવાલનો જવાબ મને અને કદાચ મોટાભાગની સ્ત્રીઓને ક્યારેય નથી મળ્યો. ખેર. આપણે ‘પતિવ્રતા’ નાટકની વાત કરતા હતા.
મુંબઈ બહાર મરાઠી નાટકો કોંકણ, ગોવા અને અન્ય ઠેકાણે ભજવાતા હતા. ગોવામાં નાટકોને સારો આવકાર મળતો અને એટલે ત્યાં બે ત્રણ મહિનાની ટૂર થાય. ગોવામાં બે સેન્ટર, એક મડગાંવ અને બીજું મ્હાપસા. આ મ્હાપસાની એક વિશેષતા એ છે કે અહીં બોડગેશ્ર્વર મંદિર છે જે ચારે બાજુથી ખુલ્લું છે. આ પ્રકારનું મંદિર મેં તો બીજે ક્યાંય નથી જોયું. મડગાંવ હોટેલમાં ઉતારો રાખી એની આસપાસના લગભગ બધા જ ગામડાંઓમાં નાટકના શો કરવા જઈએ. એટલા માટે કે છેવાડાના માણસ સુધી પણ કળાનું દરેક સ્વરૂપ પહોંચતું કરવાની નૈતિક ફરજ પ્રત્યેક કલાકારની છે. સાંજે પાંચની આસપાસ ગામડામાં પહોંચીએ. ત્યાંના લોકોનું મનોરંજન કરી પરોઢિયે પાંચ વાગ્યે મડગાંવ પાછા ફરીએ અને ફરી સાંજે પાંચ વાગ્યે બીજા ગામડામાં નાટક કરવા જઈએ. આ વિગત જણાવવાનો એક માત્ર ઉદ્દેશ નાટક ભજવવાની અને મહત્તમ જનતા સુધી એને પહોંચાડવાની લગનનો ખ્યાલ આવે. એક સમયે ગુજરાતના ગામડાઓમાં પણ નાટ્ય પ્રવૃત્તિ ધમધમતી જ હતી ને. આ રીતે સાઈકલ ચાલ્યા કરે. મડગાંવની આસપાસના ગામડાઓમાં નાટક ભજવાઈ ગયા પછી અમે મ્હાપસા જઈએ. મ્હાપસામાં પણ એ જ રીતે કામ થાય. મુંબઈમાં જેમ મંડળો નાટકના શો કરે છે એવું મહારાષ્ટ્રમાં ત્યારે નહોતું. તો પણ લગભગ દરેક ગામડાઓમાં નાટકના શો હાઉસફૂલ થઈ જતા એ મેં જોયું છે. એમ કરતા ‘પતિવ્રતા’ નાટકની ખૂબ જ સફળતાને વરેલી ટૂર પૂરી કરી અમે મુંબઈ પાછા ફર્યા ત્યારે એક દિવસ વિનુભાઈ આવ્યા અને એક નવી ઓફર મૂકી…
મૂળશંકર મુલાણી: ગુજરાતના શેક્સપિયર
રંગભૂમિ નટનું માધ્યમ છે. નટકેન્દ્રી પ્રવૃત્તિ તરીકે સ્વીકૃત છે અને એટલે એ પ્રવૃત્તિમાં નટ નિર્ણાયક હોય, કેન્દ્રસ્થાને હોય એ સ્વાભાવિક છે. જોકે, નાટકની ભજવણીમાં લેખક અને દિગ્દર્શક પણ મહત્ત્વના આધારસ્તંભ માનવામાં આવ્યા છે. નટ – દિગ્દર્શક વચ્ચે તાલમેલ હોવો જરૂરી છે એ જ રીતે નટ – લેખક વચ્ચે પણ સંવાદ રચાય એમાં નાટ્યકૃતિનું હિત સમાયેલું છે. નટ જયશંકર ‘સુંદરી’ અને લેખક મૂળશંકર મુલાણીને એકબીજાની કળા – આવડત માટે અત્યંત આદર હતો. મૂળશંકર ભાઈના ‘અજબકુમારી’, ‘સૌભાગ્યસુંદરી’, કામલતા’ વગેરે અનેક સફળ નાટકો પછી જયશંકર ‘સુંદરી’એ તેમને ગુજરાતના શેક્સપિયર તરીકે ઓળખાવ્યા હતા. મૂળશંકર મુલાણી અને વિલિયમ શેક્સપિયરના જીવનમાં અને નાટકોમાં ઘણું સામ્ય હતું. શેક્સપિયરે નાટક કંપનીમાં પડદા ખેંચવાની નોકરી કરી હતી અને પછી એવી નાટ્યકૃતિઓનું સર્જન કર્યું જેની ગણના વિશ્ર્વના શ્રેષ્ઠ નાટકોમાં થાય છે. મૂળશંકર મુલાણીએ પ્રારંભમાં ‘મુંબઈ ગુજરાતી નાટક મંડળી’માં નાટકની નકલ ઉતારનાર લહિયા તરીકે નોકરીએ રહ્યા હતા. ત્યારબાદ ગુર્જર રંગભૂમિના સર્વશ્રેષ્ઠ નાટકોમાં ગણના થાય એવા નાટકોની ભેટ તેમણે રંગભૂમિને આપી. શેક્સપિયરની વિખ્યાત કૃતિ ‘ટેમિંગ ઓફ ધી શ્રુ’ની કથાવસ્તુનો આધાર લઈ રજૂ કરવામાં આવેલા ‘વિમળા’ નાટકનું મંચન મુલાણીની નાટ્ય કંપનીએ કર્યું હતું. આ નાટકનું રૂપાંતર અને દિગ્દર્શન મૂળશંકર ભાઈના જમાઈ વિશ્ર્વનાથ ભટ્ટે કર્યું હતું. (સંકલિત)
Also Read –