બંધારણ દિવસ 26 નવેમ્બરના રોજ કેમ મનાવવામાં આવે છે? જાણો સાચું કારણ…

Indian Constitution Day 2025: વિશ્વનો કોઈપણ દેશ તેના બંધારણના નિયમો પ્રમાણે ચાલતો હોય છે. ભારતમાં પણ આઝાદી મળવાની ગતિવિધિઓની સાથોસાથ બંધારણ તૈયાર કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ હતી. જેનો અમલ 26 જાન્યુઆરી, 1950ના રોજ કરવામાં આવ્યો હતો. પરંતુ દર વર્ષે 26 નવેમ્બરના રોજ, દેશભરમાં બંધારણ દિવસ (Constitution Day)ની ઉજવણી કરવામાં આવી રહી છે. તેથી, ઘણા લોકોના મનમાં આ અંગે પ્રશ્ન ઊભો થાય છે. બંધારણ દિવસ 26 નવેમ્બરે કેમ ઉજવાય છે, આવો જાણીએ.
બંધારણ દિવસની ઉજવણીની શરૂઆત અને હેતુ
26 નવેમ્બરનો દિવસ ભારતના ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. 26 નવેમ્બર એ દરેક ભારતીય માટે ગર્વનો દિવસ છે, કારણ કે આ બંધારણ દ્વારા દરેક ભારતીયને સમાનતાનો અધિકાર, સ્વતંત્ર રીતે જીવવાનો અધિકાર અને પોતાના નિર્ણયો લેવાનો અધિકાર પ્રાપ્ત થયો છે. 26 નવેમ્બર, 1949ના રોજ, ભારતની બંધારણ સભાએ ઔપચારિક રીતે દેશના બંધારણને અપનાવ્યું હતું. બંધારણ દિવસની ઉજવણી સૌપ્રથમ વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી.
આ વર્ષ બંધારણના મુખ્ય ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની 125મી જન્મજયંતિનું વર્ષ હતું. 26 નવેમ્બર, 2015ના રોજ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે કેન્દ્ર સરકારના બંધારણ દિવસ ઉજવવાનો નિર્ણય કર્યો હતો. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ નાગરિકોમાં બંધારણીય મૂલ્યો પ્રત્યે આદરને પ્રોત્સાહન આપવાનો અને બંધારણ વિશે જાગૃતિ વધારવાનો છે.

વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ
ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. ભારતીય બંધારણ સભાએ 9 ડિસેમ્બર, 1946ના રોજ કામ શરૂ કર્યું અને 26 નવેમ્બર, 1949ના રોજ બંધારણ અપનાવ્યું હતું. આમ, બંધારણને તૈયાર કરવામાં કુલ 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા. પરંતુ 1930ની 26 જાન્યુઆરી કૉંગ્રેસના લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ અથવા ભારતના સ્વાતંત્ર્યની ઘોષણાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેને ધ્યાનમાં લઈને 26 જાન્યુઆરીના રોજ બંધારણને અમલમાં મૂકવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ભારતીય બંધારણ બનાવવું એક જટિલ કાર્ય હતું, કારણ કે ભારત વિવિધતાનો દેશ છે. તેથી, સામાન્ય લોકોના જીવનમાં નોંધપાત્ર સુધારા લાવવા માટે, બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કરતી વખતે યુનાઇટેડ સ્ટેટ્સ, આયર્લેન્ડ, કેનેડા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને યુનાઇટેડ કિંગડમ જેવા અનેક દેશોના બંધારણોના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સાથે ભારતનું બંધારણ નાગરિકોની ફરજો, મૂળભૂત અધિકારો, સરકારની ભૂમિકા, વડા પ્રધાન, રાષ્ટ્રપતિ, રાજ્યપાલો અને ચૂંટણી પ્રક્રિયા જેવા મહત્વપૂર્ણ વિષયોને આવરી લે છે.



