સ્પેશિયલ ફિચર્સ

ભારતીયોની પહેલી પસંદ બન્યું કઝાકિસ્તાન! જાણો વિઝા ફ્રી એન્ટ્રીથી લઈને સસ્તા પ્રવાસ સુધીના આ છે મુખ્ય કારણો…

છેલ્લાં કેટલાક સમયથી ભારતીય ટૂરિસ્ટમાં વિદેશ પ્રવાસ માટે કઝાકિસ્તાન એક હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે. દુબઈ, થાઈલેન્ડ કે સિંગાપોર જેવા રૂટિન ટ્રાવેલ ડેસ્ટિનેશનને બદલે હવે લોકો મધ્ય એશિયાના આ સુંદર દેશ તરફ કેમ આકર્ષાઈ રહ્યા છે, તેના અનેક રસપ્રદ કારણો છે. ચાલો જાણીએ, ભારતીય પર્યટકોમાં કઝાકિસ્તાન લોકપ્રિય થવા પાછળના મુખ્ય કારણો અને ત્યાંની ખાસિયતો વિશે વિસ્તારથી…

વિઝા ફ્રી એન્ટ્રી
ભારતીયો પર્યટકો માટે કઝાકિસ્તાન જવાનું સૌથી મોટું આકર્ષણ એ છે કે અહીં ટૂરિસ્ટને 14 દિવસ સુધી ‘વિઝા ફ્રી’ એન્ટ્રી મળે છે. કોઈ પણ પ્રકારની વિઝાની ઝંઝટ વગર માત્ર પાસપોર્ટ લઈને તમે ત્યાં જઈ શકો છો. આ સુવિધાને કારણે છેલ્લી ઘડીએ ટ્રિપ પ્લાન કરનારા લોકો માટે આ દેશ સ્વર્ગ સમાન છે.

સસ્તુ શ્રીફળ અને સિદ્ધપુરની જાત્રા
યુરોપ કે અમેરિકાની સરખામણીએ કઝાકિસ્તાનનો પ્રવાસ ઘણો સસ્તો છે. ભારતથી ત્યાં જવા-આવવાની ફ્લાઈટ ટિકિટ અને ત્યાં રહેવા-ખાવાનો ખર્ચ મધ્યમ વર્ગીય પરિવારોને પરવડે તેવો છે. આ ઉપરાંત, ત્યાંની કરન્સી ‘ટેન્ગે’ (Tenge) સામે ભારતીય રૂપિયો મજબૂત સ્થિતિમાં હોવાથી પર્યટકોને ત્યાં ખરીદી અને ફરવામાં ઘણો ફાયદો થાય છે.

કુદરતી સૌંદર્ય અને સ્વિટ્ઝર્લેન્ડ જેવો અનુભવ
કઝાકિસ્તાનને ‘બજેટ સ્વિટ્ઝર્લેન્ડ’ પણ કહેવામાં આવે છે. અહીંના બરફથી ઢંકાયેલા પહાડો, વાદળી રંગના વિશાળ સરોવરો અને સુંદર ખીણો યુરોપ જેવો અનુભવ કરાવે છે. ‘અલમાટી’ (Almaty) અને ‘ચરીન કેન્યોન’ (Charyn Canyon) જેવા સ્થળો પ્રકૃતિ પ્રેમીઓ માટે અદભૂત છે.

ઝડપથી પહોંચી શકાય
મુંબઈ કે દિલ્હીથી અલ્માટી પહોંચવા માટે માત્ર ત્રણથી ચાર કલાકનો સમય લાગે છે. આટલા ટૂંકા સમયમાં તમે એક સંપૂર્ણપણે અલગ સંસ્કૃતિ અને લેન્ડસ્કેપ ધરાવતા દેશમાં પહોંચી જાવ છો, જે વીકેન્ડ ટ્રિપ કે ટૂંકા વેકેશન માટે ઉત્તમ છે.

ફૂડ અને કલ્ચરલ જોડાણ
કઝાકિસ્તાનમાં ભારતીય ફૂડ સરળતાથી મળી રહે છે. આ ઉપરાંત ત્યાંના લોકો ભારતીય સંસ્કૃતિ અને બોલીવૂડના મોટા ચાહકો છે. ત્યાંના લોકોનું મહેમાનગતિ કરવાનું વલણ ભારતીયોને ઘણું પસંદ આવે છે.

આધુનિક શહેરો અને નાઈટ લાઈફ
અલ્માટી અને અસ્તાના (Astana) જેવા શહેરો ખૂબ જ આધુનિક છે અને ત્યાંની નાઈટ લાઈફ, લક્ઝરી શોપિંગ મોલ્સ અને ક્લીન રસ્તાઓ પ્રવાસીઓને આકર્ષે છે. શિયાળામાં અહીં સ્કીઈંગ (Skiing) અને આઈસ સ્કેટિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીઝ પણ લોકપ્રિય છે.

છે ને એકદમ ધાસ્સુ ઈન્ફોર્મેશન? હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ ફોરેન ટ્રીપ પ્લાન કરી રહ્યા હોવ તો ચોક્કસ જ આ સુંદર મજાના દેશની મુલાકાત લેજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button