એરપોર્ટ લાઉન્જની 'મફત' સુવિધા: શું તમે જાણો છો કે તેનો ખર્ચ કોણ ઉઠાવે છે? | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

એરપોર્ટ લાઉન્જની ‘મફત’ સુવિધા: શું તમે જાણો છો કે તેનો ખર્ચ કોણ ઉઠાવે છે?

Airport lounge ‘free’ facility: ભારતમાં હવાઈ મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે અને તેના કારણે એરપોર્ટ લાઉન્જની સુવિધા પણ હવે સામાન્ય બની ગઈ છે.

ઘણા મુસાફરોને એવું લાગે છે કે તેઓ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ સ્વાઈપ કરીને ફક્ત બે રૂપિયામાં લાઉન્જની સુવિધા મેળવે છે અને આ સેવા ‘મફત’ છે. પરંતુ શું ખરેખર આવું છે? આ સુવિધાનો વાસ્તવિક ખર્ચ કોણ ઉઠાવે છે, તે જાણવા જેવી વાત છે.

આપણ વાંચો: દિલ્હીમાં ભારે વરસાદ, એરલાઈન કંપનીઓએ મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી…

લાઉન્જમાં કંઈ કંઈ સુવિધાએ ‘મફત’માં મળે છે?

એરપોર્ટ લાઉન્જ મુસાફરોને મફત ભોજન અને પીણાં, આરામદાયક ખુરશીઓ, મફત વાઇ-ફાઇ અને પૂરતા ચાર્જિંગ પોઈન્ટ જેવી સુવિધાઓ આપે છે. આ સિવાય કેટલાક લાઉન્જમાં સ્પા ટ્રીટમેન્ટ અથવા સ્લીપિંગ પોડ્સ સહિતની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે.

ત્યારે મનમાં એક સવાલ થાય કે, આવી ‘મફત’માં મળતી લક્ઝુરિયસ સુવિધાઓનો ખર્ચ કોણ ઉપાડે છે. ડેટા વિશ્લેષક સૂરજ કુમાર તલરેજાએ આ અંગે વિસ્તૃત માહિતી આપી છે.

આપણ વાંચો: દિલ્હી એરપોર્ટ વિશ્વનું નવમું સૌથી વ્યસ્ત બન્યું: 7.7 કરોડથી વધુ મુસાફરોનો રેકોર્ડ

સૂરજ કુમાર તલરેજાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, આ એક બિઝનેસ મોડલ છે. જ્યારે તમે તમારા ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને લાઉન્જમાં પ્રવેશ કરો છો, ત્યારે લાઉન્જ ઓપરેટરને સીધા તમારી બેંક દ્વારા ચૂકવણી કરવામાં આવે છે.

આ સુવિધા તમારા ક્રેડિટ કાર્ડના લાભ પેકેજનો એક ભાગ છે, જેને બેંક ગ્રાહકોને આકર્ષવા અને તેમની વફાદારી જાળવી રાખવા માટે એક ખર્ચ તરીકે જુએ છે.

ભારતમાં, સ્થાનિક એરપોર્ટ લાઉન્જની પ્રતિ મુલાકાતનો ખર્ચ સામાન્ય રીતે ₹600 થી ₹1,200 હોય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય લાઉન્જ માટે આ ખર્ચ $25 થી $35 જેટલો હોય છે. એટલે કે, તમે લાઉન્જમાં નાસ્તા અને કોફીનો આનંદ માણો છો, પણ તેનો વાસ્તવિક ખર્ચ તમારી બેંક ચૂકવે છે.

આપણ વાંચો: ભારત-તુર્કી તણાવની હવાઈ સેવાઓ પર અસર: અમદાવાદ-બાકુ સીધી ફ્લાઈટ્સ પર ગ્રહણ, પ્રવાસીઓ મુંઝવણમાં

લાઉન્જ ઓપરેટરો અને બેંકને કેવી રીતે લાભ થાય?

લાઉન્જ ઓપરેટરોને બેંકો અને કાર્ડ નેટવર્ક પાસેથી દરેક મુલાકાત દીઠ નિશ્ચિત રકમ મળે છે. લાઉન્જ ઓપરેટરો ઘણીવાર કેટરર્સ અને એરપોર્ટ સાથે ભાગીદારી કરીને ખર્ચ ઘટાડે છે. કેટલાક ઓપરેટરો મુસાફરોને સીધા ડે પાસ પણ વેચે છે, જોકે તેનું વેચાણ ઓછું હોય છે.

જોકે લાઉન્જનો ખર્ચ ઉઠાવવો એ બેંકની ઉદારતા નહીં, પરંતુ તેનું શક્તિશાળી ટૂલ છે. આ સુવિધા કાર્ડધારકોને વિશેષ અનુભવ કરાવે છે, જેનાથી તેઓ પોતાના કાર્ડનો વધુ ઉપયોગ કરે છે. જ્યારે કાર્ડનો વધુ ઉપયોગ થાય છે, ત્યારે બેંકો ટ્રાન્ઝેક્શન ફી દ્વારા કમાણી કરે છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ જેવા મોટા એરપોર્ટના લાઉન્જનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. પરિણામે, બેંકો પણ પોતાના નિયમો કડક કરી રહી છે. આ નિયમોમાં પ્રતિ ક્વાર્ટરમાં મફત મુલાકાતોની સંખ્યા મર્યાદિત કરવી, પૂરક કાર્ડધારકોને બાકાત રાખવા, ન્યૂનતમ ખર્ચની શરત મૂકવી વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button