શા માટે આપણે પોતે જ આપીએ છીએ એસિડીટીને આમંત્રણ? જાણો કારણો અને ઇલાજ
પેટ સાથે સંકળાયેલી બિમારીઓમાં સૌથી પોપ્યુલર છે એસિડીટીની બિમારી. 21મી સદીમાં લોકો જ્યારે સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે ગેસ, એસિડીટી જેવી સમસ્યાઓ જે ઘણી જ કોમન છે તેના કારણો અને ઉપાયો જાણવા પણ જરૂરી છે.
સૌથી પહેલા તો એ સમજી લેવું જોઇએ કે પેટમાં ગેસ બનવાની પ્રક્રિયા એ સાવ નોર્મલ છે. ઉલટાનું, ખાધેલો ખોરાક પચાવવા માટે પેટમાં પાચકરસો બનતા હોય છે, અને સમસ્યા ત્યારે પેદા થાય છે જ્યારે વધુ પ્રમાણમાં એસિડ(પાચકરસો) બનવા લાગે. આમ પેટમાં જ્યારે પાચકરસોનું સંતુલન ખોરવાય ત્યારે એસિડ વધારે બિલ્ડ અપ થાય અને વ્યક્તિને પેટમાં એસિડીટી થઇ રહી હોવાનો અનુભવ થાય. ઘણી વખત સ્ટ્રેસમાં આવીને વધુ પડતુ ખાઇ લેવાથી પણ એસિડીટી થઇ જતી હોય છે.
પેટમાં કેવા પ્રકારનો ખોરાક જાય છે તે વાત પેટના રોગોના ઉદ્ભવ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ખરાબ ક્વોલિટીનો ખોરાક ખાવાથી પેટમાં ઇન્ફેક્શન થાય છે. વધુ પડતા તૈલી તેમજ મસાલા ધરાવતો ખોરાક ખાવાને કારણે પણ એસડીટી અને આંતરડામાં ખરાબ બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે. સ્મોકિંગ અથવા દારૂના સેવનથી પણ એસિડીટી વધી જાય છે. લક્ષણો વધે ત્યારે એસિડિટીની સમસ્યામાં પેટના ઉપરના ભાગમાં દુખાવો, પેટ ફૂલવું, છાતીમાં બળતરા, ગળામાં બળતરા, ખાટા ઓડકાર અને ઉલ્ટી પણ થઇ શકે છે.
આહાર અને રોજીંદી જીવનશૈલીમાં યોગ્ય ફેરફારથી ધીમે ધીમે એસિડીટીથી છુટકારો મેળવી શકાય છે. આ સિવાય કેટલીક દવાઓ પણ ઉપયોગી સાબિત થઇ શકે છે. તૈલી અને મસાલેદાર ખોરાકથી દૂર રહેવું, વધુ પડતી ચા-કોફી ન પીવી, ખાસ કરીને રાતના સમયે સૂતા પહેલા ચા-કોફી ન પીવી જોઈએ. નિયમિત કસરત, દારૂ અને સિગારેટથી દૂર રહેવાથી એસિડીટીમાં રાહત મળી શકે છે.