ચટાકા લઈને તમે જે સમોસા રોજ ખાવ છો તેના વિશે આ જાણશો તો જલસો પડી જશે

World Samosa Day 2025: સમોસા વધારે ભારતીયોનું મનપસંદ સ્ટ્રીટ ફૂડ છે. તેનો ત્રિકોણ આકાર અને બટાકાની સ્ટફિંગ તેને વધારે સ્વાદિષ્ટ બનાવે છે. ભારતમાં પ્રતિદિવસ લગભગ 6 કરોડ સમોસાનું વેચાણ થઈ જાય છે. ભારતમાં ભલે સમોસા વધારે પ્રમાણમાં વેચાતા હોય પરંતુ તમને જાણીને નવાઈ થશે કે, સમોસા ભારતની વાનગી છે જ નહીં. સમોસા અઢી હજાર કિમી દૂરથી ભારત આવ્યા છે.

ચિકન ભરીને બનાવાતા હતા સમોસા
સૌપ્રથમ સમોસા બનાવવાની શરૂઆત ઈરાનમાં કરવામાં આવી હતી. ઈરાનમાં સમોસા ‘સંબૂસગ’ નામે ઓળખાય છે. જેનો અર્થ ‘ભરેલું’ થાય છે. 10મી શતાબ્દી દરમિયાન તેને વેપારીઓ ભારત લાવ્યા હતા. ઈરાનમાં તેમાં માંસ ભરીને બનાવવામાં આવતા હતા. જ્યારે ભારતમાં બટાકા ભરીને સમોસા બનાવવામાં આવ્યા. પરંતુ ભારતમાં સમયાંતરે ‘સંબૂસગ’ નામનું અપભ્રંશ થતું ગયું અને આખરે તે ઈરાની વાનગી સમોસા તરીકે ઓળખાવા લાગી.

સમોસાથી સ્વાસ્થ્યને નુકસાન
ફૂડ મેપના અહેવાલ અનુસાર ઈરાન અને ભારતમાં જ નહીં, વિશ્વના 25 દેશોમાં સમોસા ઘણા પોપ્યુલર છે. વિશ્વના દેશોમાં બોરિક, સંબોસા, સમુચા, સંબુક્સા, સુંબસા અને સંબુસાક જેવા જુદા જુદા નામે સમોસા ઓળખાય છે. સમોસામાં ફેટ, કેલેરી અને કાર્બોહાઈડ્રેટ વધારે માત્રામાં મળી આવે છે. તેથી વધારે માત્રામાં સમોસાનું સેવન કરવાથી હૃદય સંબંધિત સમસ્યાઓથી લઈને સ્થૂળતા જેવી સમસ્યા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, પાછલા સમયમાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સમોસા અને જલેબીની દુકાન પર સ્વાસ્થ્ય ચેતવણીના બોર્ડ લગાવવાની સૂચના આપવામાં આવી હતી.