ક્યારે છે કચ્છના આશાપુરા મઢમાં ચૈત્રીય નવરાત્રિનું ઘટસ્થાપન

ભુજઃ રણપ્રદેશ કચ્છના લખપત તાલુકાના દયાપર મધ્યેના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ માં આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ અને ભુજના કોટ અંદર આવેલા ઐતિહાસિક આશાપુરા મંદિર ખાતે દર વર્ષે ઉજવાતા ચૈત્રી નવરાત્રી પર્વની પારંપરિક ઉજવણી ઘટસ્થાપનની ધાર્મિક વિધિ બાદ શરૂ થઇ રહી છે.
આગામી ૨૯ માર્ચના રાત્રે ૯ કલાકે પવિત્ર ઘટસ્થાપન વિધિ સંપન્ન થયા બાદ ૩૦ માર્ચે ચૈત્ર સુદ એકમથી નવરાત્રી પર્વનો આરંભ થશે. ૨ એપ્રિલે સવારે ૯ વાગ્યે જનોઈ ધારણ વિધિ યોજાશે. ૪ એપ્રિલે રાત્રે ૯:૩૦ વાગ્યે ગાદી પૂજન, ૯:૪૫ કલાકે જગદંબા પૂજન અને ૧૦ વાગ્યે હોમ હવન શરૂ થશે. મઢ જાગીર અધ્યક્ષના હસ્તે મધ્યરાત્રીના ૧:૩૦ વાગ્યે શ્રીફળ હોમ સાથે આદ્યશક્તિની આરાધનાના મહાપર્વનું સમાપન થશે.
કચ્છધરાના કુળદેવી માં આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ ખાતે ઉજવાતા આ ચૈત્રી નવરાત્રી પર્વની ઉજવણી પણ હર્ષોલ્લાસથી કરવામાં આવે છે અને આ વખતે નવરાત્રીના પર્વની ઉજવણી દરમ્યાન સૌરાષ્ટ્ર-કચ્છમાં પડી રહેલી ભીષણ ગરમીના કારણે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાના ચુસ્ત પાલનનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
નવરાત્ર દરમ્યાન મોટી સંખ્યામાં માઇભક્તો માતાજીના દર્શને આવે છે તો વળી નવરાત્રી દરમ્યાન મંદિર પરિસરમાં માતાજીના ગરબાની સ્થાપના કરી દરરોજ રાત્રે દુહા અને છંદ સાથે ગ્રામજનો તેમજ ભાવિકો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવાય છે.
આ પણ વાંચો…રાજકોટમાં નમકીન બનાવતી ફેકટરીમાં આગઃ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે…
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૈત્રી નવરાત્રીના પર્વના પ્રારંભ થવાની આડે હવે જયારે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે અત્યારથી જ ભુજના આશાપુરા મંદિરનો સમગ્ર વિસ્તાર ધમધમી ઉઠ્યો છે. મંદિરની બહાર પૂજાપા તેમજ પ્રસાદની મીઠાઈ વહેંચતા દુકાનદારોમાં પણ ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. મંદિરની સામે આવી દુકાન ધરાવતા બટુક મહારાજના જણાવ્યા પ્રમાણે અત્યારથી જ માતાજીની ચૂંદડી, માતાજીની મૂર્તિ-છબી, માતાજીને પ્રિય એવા આશાપુરી ધૂપ જેવી પૂજાપાની ચીજ-વસ્તુઓના વેંચાણમાં ઉછાળો આવ્યો છે. સમગ્ર વિસ્તાર પર આશાપુરી ધૂપની મહેક પ્રસરી છે અને વાતાવરણ અવલોકિક બની જવા પામ્યું છે.