પુત્રદા એકાદશીનો શુકનવંતો દિવસ ક્યારે છે, જાણો તારીખ, વાર અને શુભ મુહૂર્ત

શ્રાવણ મહિનાના પ્રારંભથી જ તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે. દરેક તહેવારોનું અનોખું મહત્વ હોય છે. ત્યારે શ્રાવણ સુદ અગિયારસને પુત્રદા એકાદશી તરીકે ઓળખાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધના માટે સમર્પિત છે. આ દિવસે વ્રત રાખવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે, એવું માનવામાં આવે છે. જે માતા દ્વારા આ વ્રત કરવામાં આવે છે તેના બાળકને ભગવાન વિષ્ણુનું રક્ષણ પ્રાપ્ત થાય છે. આ વર્ષે પુત્રદા એકાદશી 5 ઓગસ્ટ 2025ના રોજ રવિવારના દિવસે ઉજવાશે.
વૈદિક પંચાંગ અનુસાર, શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ 4 ઓગસ્ટ, 2025ના રોજ સવારે 11:41 વાગ્યે શરૂ થશે અને 5 ઓગસ્ટના બપોરે 1:14 વાગ્યા સુધી રહેશે. સૂર્યોદય સમયે એકાદશી તિથિ હોવાથી આ વ્રત 5 ઓગસ્ટે રાખવામાં આવશે. આ દિવસે ભક્તો ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરી વ્રતનું પાલન કરશે.
શુભ મુહૂર્ત અને યોગ
પુત્રદા એકાદશી નિમિત્તે શુભ મુહૂર્તોનું પણ અનેરુ મહત્વ હોય છે. આ દિવસે સવારે 4:21થી 5:01 વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્ત અને બપોરે 12:00થી 12:53 વાગ્યા સુધી અભિજિત મુહૂર્ત રહેશે. આ બંને મુહૂર્તો ઉત્તમ ગણાય છે, અને આ સમયે પૂજા કરવાથી બમણું ફળ મળે છે. જ્યેષ્ઠા નક્ષત્રના સંયોગમાં રવિ યોગથી આ દિવસનું મહત્વ વધી જાય છે.
પુત્રદા એકાદશીનું ધાર્મિક મહત્વ
પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ વ્રત રાખનારા દંપતીને સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થાય છે, અને જે માતાઓ આ વ્રત શ્રદ્ધાથી રાખે છે, તેમના બાળકોનું રક્ષણ ભગવાન વિષ્ણુ દ્વારા થાય છે. આ ઉપરાંત, આ વ્રતથી માતા લક્ષ્મીની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. પુત્રદા એકાદશી વર્ષમાં બે વખત આવે છે. એક શ્રાણવ માસમાં અને બીજી પોષ માસમાં અને બંને દિવસો ભક્તો માટે ખૂબ જ પવિત્ર ગણાય છે.
આપણ વાંચો: શિવ રહસ્ય : દેવર્ષિ હું વરદાની છું મને સમજાવવાની કોશિશ ના કરો, પિતાની હત્યાનો બદલો અવશ્ય લઈશ!