વોટ્સએપનો દુરુપયોગ કરનારા પર 'તવાઈ': રોજ 3 લાખ એકાઉન્ટ બંધ, ચેતી જાઓ…. | મુંબઈ સમાચાર

વોટ્સએપનો દુરુપયોગ કરનારા પર ‘તવાઈ’: રોજ 3 લાખ એકાઉન્ટ બંધ, ચેતી જાઓ….

નવી દિલ્હી: દુનિયાની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપે તાજેતરમાં ભારતમાં પોતાના માસિક રિપોર્ટ જાહેર કર્યા હતા. આ મેસેજિંગ એપ એક શક્તિશાળી ડિજિટલ નિરીક્ષણ પ્લેટ ફોર્મ તરીકે કામ કરી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે જૂન 2025માં વૉટ્સએપે 98,70,078 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો, એટલે કે દરરોજ આશરે 3 લાખ એકાઉન્ટ્સ બેન થયા. આમાંથી 20% એટલે કે 19,79,225 એકાઉન્ટ્સ યૂઝર્સની ફરિયાદ વિના જ બેન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રિપોર્ટમાં વૉટ્સએપના નવા બિઝનેસ ફીચર્સની પણ ચર્ચા કરવામાં આવી છે, જે યૂઝર અનુભવને વધુ સુધારશે.

લાખો વોટ્સએપ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ

રિપોર્ટ પ્રમાણે વૉટ્સએપે જૂન મહિનામાં 98,70,078 એકાઉન્ટ્સ બેન કર્યા હતા, જેમાંથી લગભગ 20 લાખ એકાઉન્ટ્સ યૂઝર્સની ફરિયાદ વિના જ પ્રો-એક્ટિવલી બેન કરાયા હોવાનું જાણાવવામાં આવ્યું છે. આ આંકડો દર્શાવે છે કે વૉટ્સએપ એઆઈ-આધારિત નિરીક્ષણ સિસ્ટમ પર વધુ નિર્ભર થઈ રહી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે કંપની એપ્લિકેસનના દુરુપયોગ રોકવા માટે ત્રણ સુરક્ષા સ્તરોની સિસ્ટમ સાથે કામ કરે છે. એકાઉન્ટ રજિસ્ટ્રેશન, મેસેજિંગ પેટર્ન અને યૂઝર ફીડબેક. આ પગલા દ્વારા કંપની હાનિકારક પ્રવૃત્તિઓને રોકવા માટે પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો: મિસ કોલ્સ હવે નહીં થાય મિસ: વોટ્સએપ લોન્ચ કરશે તેના બે નવા ફિચર્સ, જાણો ખાસીયત

વૉટ્સએપ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનનો દાવો કરે છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં પ્રો-એક્ટિવ બેન યુઝરની ગોપનીયતા અંગે પણ સવાલો ઉભા કરે છે. શું કંપની યૂઝર્સની ચેટ, ગ્રૂપ પ્રવૃત્તિઓ અને વર્તન પર એઆઈ દ્વારા સતત નજર રાખે છે? જો આ પ્રશ્નનો જવાબ ના હોય તો મોટો પ્રશ્ન એ થાય કયા આધારે એકાઉન્ટને ‘સંદિગ્ધ’ ગણીને બેન કરવામાં આવે છે? કંપનીનું કહેવું છે કે તે દુરુપયોગ, ખોટી માહિતી અને સુરક્ષાના જોખમોને રોકવા માટે એન્ક્રિપ્શન, સેફ્ટી ટૂલ્સ અને ડેડિકેટેડ ટીમનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત, તે સાયબર સુરક્ષા અને ચૂંટણીની અખંડિતતા માટે નિષ્ણાતો સાથે પણ કામ કરે છે.

જૂન 2025 દરમિયાન વૉટ્સએપે 23,596 યૂઝર ફરિયાદો નોંધી, જેમાંથી 1,001 એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરવામાં આવી. જેમાં 16,069 ફરિયાદો બેન અપીલ સાથે સંબંધિત હતી, જેમાંથી 756 પર કાર્યવાહી કરવામાં આવી. 350 સેફ્ટી સંબંધિત ફરિયાદોમાંથી એક પર પણ કાર્યવાહી થઈ નથી. સરકારની ગ્રીવન્સ એપેલેટ કમિટી (GAC) દ્વારા 11 એકાઉન્ટ્સ પર કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો, જે તમામ બેન કરાયા. આ નિર્ણયની કડક અમલવારી દર્શાવે છે કે વૉટ્સએપ સરકારી નિયમોનું પણ સખત પાલન કરે છે.

આ પણ વાંચો: આ નંબરથી વોટ્સએપ કોલ આવે ચેતી જજો; પાકિસ્તાની એજન્ટોની નવી ચાલ

રિપોર્ટમાં વૉટ્સએપના નવા બિઝનેસ ફીચર્સ ‘સ્ટેટસ એડ્સ’ અને ‘પ્રમોટેડ ચેનલ’નો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ફીચર્સ દ્વારા કંપનીઓ હવે યૂઝર્સના સ્ટેટસ ફીડમાં પેઇડ જાહેરાતો મૂકી શકે છે, જે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ જેવું છે. જોકે, શું ઇન્ફ્લુઅન્સર્સ વૉટ્સએપ દ્વારા કમાણી કરી શકશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટ માહિતી નથી. આ ફીચર્સ યૂઝર અનુભવને નવી દિશા આપશે, પરંતુ ગોપનીયતા અને સુરક્ષા અંગે ચર્ચા પણ ચાલુ રહેશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button