બારડોલી સત્યાગ્રહનું શું હતું મુખ્ય કારણ? જાણો સરદાર પટેલના જીવનની વિશેષ ઘટના

વલ્લભભાઈ પટેલના સક્ષમ નેતૃત્વમાં ‘બારડોલી સત્યાગ્રહ’ની સફળતાએ આપ્યું તેમને ‘સરદાર’નું બિરુદ
ગાંધીનગરઃ ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાં અનેક વિશેષ ઘટનાઓ બની હતી, કે જેણે તેમને ‘રાષ્ટ્રીય નેતા’ તરીકે પ્રસ્થાપિત કર્યા. આ ઘટનાઓ પૈકી એક મહત્વપૂર્ણ ઘટના એટલે ‘બારડોલી સત્યાગ્રહ’. વર્ષ ૧૯૨૮માં ગુજરાતના બારડોલી તાલુકામાં થયેલા આ સત્યાગ્રહે તેમને ‘સરદાર’નું બિરુદ અપાવ્યું અને ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં તેમની નેતૃત્વ ક્ષમતાને પ્રકાશિત કરી હતી.

બ્રિટિશ સરકારે બારડોલી તાલુકામાં જમીન મહેસૂલમાં કરેલો ૩૦ ટકા જેટલો વધારો બન્યું સત્યાગ્રહનું મુખ્ય કારણ
વર્ષ ૧૯૨૮ની શરૂઆતમાં બ્રિટિશ સરકારે હાલના સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં જમીન મહેસૂલમાં ૨૨ થી ૩૦ ટકા સુધીનો વધારો જાહેર કર્યો હતો. આ સમય દરમિયાન અહી દુષ્કાળ અને આર્થિક મુશ્કેલીઓ ખૂબ જ હતી. બ્રિટિશ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલો આ વધારો ખેડૂતો માટે અન્યાયી તથા અસહ્ય હોવાના કારણે ખેડૂતોએ તેનો સખત વિરોધ કર્યો અને વલ્લભભાઈ પટેલને આ આંદોલનનું નેતૃત્વ સોંપ્યું હતું. આ આંદોલનના ભાગરૂપે વલ્લભભાઈ પટેલે તા. ૧૨ ફેબ્રુઆરી, ૧૯૨૮થી નેતૃત્વ સંભાળી ખેડૂતોને એકત્ર કરીને કર ન ભરવાની પ્રતિજ્ઞા કરાવી હતી.

વલ્લભભાઈ પટેલને કોણે સરદારનું બિરુદ આપ્યું?
આ આંદોલનમાં વલ્લભભાઈ પટેલે ગાંધીજીના અહિંસા તેમજ સત્યાગ્રહના સિદ્ધાંતોને અનુસરીને ખેડૂતોને સંગઠિત કર્યા, ગામે-ગામ જઈને ખેડૂતોને આંદોલન માટે જાગૃત કર્યા, મહિલાઓ-યુવાનોને સામેલ કર્યા, ક્ષમતા પ્રમાણે કામની સોંપણી કરી અને બ્રિટિશ સરકારના દમન વિરુદ્ધ શાંતિપૂર્વક વિરોધ કર્યો હતો. આ આંદોલનનાં કારણે બ્રિટિશ સરકારે ખેડૂતોની જમીન જપ્ત કરીને તેમને જેલમાં મોકલ્યા હતા. જ્યાં તેમના પર ખૂબ જ હિંસા આચરવામાં આવી હતી.

સરકાર દ્વારા અસહ્ય યતનાઓ આપવા છતાં વલ્લભભાઈ પટેલના મજબૂત નેતૃત્વ હેઠળ આંદોલન ચાલુ રહ્યું હતું. મહાત્મા ગાંધીજીએ વલ્લભભાઈ પટેલને ‘સરદાર’નું બિરુદ આપ્યું હતું, ત્યારબાદ તેઓ સમગ્ર દેશના નાગરિકોના હ્રદયમાં ‘સરદાર’નું માનભર્યું સ્થાન પામ્યા હતા.

સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં આ સત્યાગ્રહની સફળતાના પરિણામે ઓગસ્ટ ૧૯૨૮માં બ્રિટિશ સરકારે હાર માની અને મહેસૂલ વધારાને પાછો ખેંચ્યો હતો. આ ઉપરાંત ખેડૂતોને જેલમુક્ત કરીને જપ્ત કરેલી જમીનો પણ પરત કરી હતી. આમ, ‘બારડોલી સત્યાગ્રહ’ સરદાર પટેલના જીવનની એક મહત્ત્વપૂર્ણ ઘટના છે, જેણે તેમને એકતા અને નેતૃત્વના પ્રતિક તરીકે સ્થાપિત કર્યા. આ ઘટના આજે પણ ખેડૂત આંદોલનો અને અહિંસક વિરોધના ઉદાહરણ તરીકે યાદ કરવામાં આવે છે.



